- રાજકોટમાં ગુરૂવારે 70 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
રાજકોટમાં 24 કલાકમાં 3 દર્દીના મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8485 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 510 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ગુરુવારે 70 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ હવે ધીરે ધીરે ઘટી રહ્યાં છે. રાજકોટમાં હાલ 2115 બેડ ખાલી છે.
રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 12 હજારને પાર
રાજકોટ સહિત જિલ્લાભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12,300ને પાર થઈ છે, જ્યારે 677 દર્દી હાલ સારવાર લઈ રહ્યાં છે. જે ત્રણ મહિનામાં સૌથી ઓછા છે. રાજ્ય સરકારના જાહેર કરેલા ડેટા મુજબ 1 જુલાઈની સ્થિતિએ રાજકોટમાં 800 દર્દી એક્ટિવ કેસ હતા. તેમાંથી અમુક હોમ આઇસોલેશન તો અમુક હોસ્પિટલ કે કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હતા.2500 કરતા વધુ બેડની ક્ષમતા ધરાવતા રાજકોટમાં 2115 બેડ ખાલી છે.
વેક્સિન આવ્યા બાદ રાજકોટમાં 9000 કોરોના વોરિયર્સને સૌથી પહેલા ડોઝ અપાશે
કોરોનાની સામેની લડાઈમાં વેક્સિનની આશા ઉજળી બની રહી છે તેથી જ સરકારે વેક્સિનેશન માટે તૈયારીઓ શરૂ કરી છે જે પૈકી સૌથી પહેલા કોરોના વોરિયર્સ એટલે કે કોરોના વાઇરસ સામે સૌથી પહેલા લડનારા મેડિકલ સ્ટાફ, તબીબો, હોસ્પિટલના સફાઈ કર્મી સહિતનાને વેક્સિન અપાશે તેવી યાદી બનાવાઈ છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા જ સરકારમાંથી સૂચના આવી હતી તે મુજબ લિસ્ટ બની રહ્યું છે અને હજુ પણ તેમા નામો ઉમેરાશે. 7000થી વધુ સરકારી સ્ટાફ, જ્યારે 2000 ખાનગી હોસ્પિટલના સ્ટાફ સહિત કુલ 9000ના નામ છે હજુ તેમાં ઉમેરો ચાલી રહ્યો છે. આ અંગે ગુરુવારે વીડિયો કોન્ફરન્સ પણ કરાઈ હતી.
તહેવારો સુધી જાહેર કરેલા પ્રતિબંધો નહીં હટે
રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે જારી કરેલી ગાઈડલાઈન ઉપરાંત સ્થાનિક કક્ષાએ પણ જાહેરનામા દ્વારા અમુક પ્રતિબંધ લગાવ્યા છે. કેસ ઘટી રહ્યા છે તો તેમાં છૂટ મળશે કે કેમ તે અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે ‘અત્યારે જ સૌથી વધુ કાળજી રાખવાનો સમય છે. કેરળમાં ઓનમનો તહેવાર ગયા બાદ કેસ વધ્યા હતા આપણે દિવાળી આવી રહી છે તેથી આ દિવસોમાં ખૂબ કાળજી રાખવી પડે તેથી કોઇપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં’.
7 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ હેઠળ સીલ કરાયા
કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નાનામવા રોડ પર હેવલોક ટાવર, 3-17 પ્રહલાદ પ્લોટ, હરિધવા સોસાયટી, ગાંધીગ્રામ નેમિનાથ સોસાયટી, આર્યનગર સદગુરુ એપાર્ટમેન્ટ, વાણિયાવાડી 2-7 કોર્નર અને કોઠારિયા સોલવન્ટના વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. મનપા 50 ધન્વંતરિ રથ કાર્યરત કર્યા છે જેમાં સરેરાશ 215ની ઓ.પી.ડી. સહિત 10726 વ્યક્તિએ સેવાનો લાભ લીધો હતો તેમજ મનપા સંચાલિત તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ 1873 વ્યક્તિની ઓ.પી.ડી. નોંધાય છે. કોર્પોરેશને શહેરના તમામ વિસ્તારોમાં ધન્વંતરિ રથના માધ્યમથી ટેસ્ટીંગ ચાલુ રખાયું છે.