સુરતની સંસ્થા દરરોજ કોરોના દર્દીઓ માટે 1800 થાળી ભોજન વિનામૂલ્યે પૂરું પાડે છે

0
298
khabarchhe.com

કોરોનાની વૈશ્વિક મહામારી સામે વિશ્વભરના દેશો ઝઝૂમી રહ્યા છે. ભારતમાં પણ કોરોના સામેની લડાઈમાં કોરોના દર્દીઓનો જીવ બચાવવાં સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે બીજી બાજું અનેક સેવાભાવી સંસ્થાઓ સરકારની પડખે ઊભી છે. આવી સંસ્થાથી નિસ્વાર્થભાવે માનવતાનું કાર્ય કરી રહી છે. સુરતની આવી જ એક સેવાનો પર્યાય બની ચૂકેલી સંસ્થા ‘સુરત માનવ સેવા સંઘ- છાંયડો’ કોરોના દર્દીઓ પ્રત્યે સંવેદના દર્શાવી નિ:સ્વાર્થ ભાવે પૌષ્ટિક ભોજન પહોંચાડી રહી છે. એ પણ સરકાર પાસેથી એક રૂપિયો લીધા વગર. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ વોર્ડમાં દાખલ કોરોના દર્દીઓને શુદ્ધ અને સાત્વિક તેમજ ડોકટરોની સલાહ મુજબનું ભોજન દરરોજ સમયસર પહોંચી જાય છે. ખાસ વાત એ છે કે છાંયડા દ્વારા કોરોના દર્દીઓને જે ભોજન આપવામાં આવે છે, તે જ ભોજન કોરોના દર્દીઓની સારવાર કરતાં ડોક્ટર્સ પણ અને નર્સિંગ સ્ટાફ પણ જમે છે.

તા.8 મી જૂનથી સુરતની સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના કોરોના પેશન્ટને બપોરે અને સાંજે એમ બે ટાઈમ 1800 જેટલી ભોજનની થાળીઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં બે શાક, રોટલી, દાળ, ભાત, કચુંબર, લીંબુનો સમાવેશ થાય છે. ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને રોજ સવારે 9.30 વાગ્યે નાસ્તો પહોંચાડવામાં આવે છે. તેમજ દર્દીઓ માટે ગિરનાર આયુર્વેદિક કાવો, સવાર સાંજ બે સમય બે ટાઈમ પાણીની બોટલ, 850 ફ્રેશ કેળા આપવામાં આવે છે. આજ સુધી છાંયડો દ્વારા નવી સિવિલ, સ્મીમેર હોસ્પિટલ, લોખાત હોસ્પિટલના દર્દીઓ, ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને 28 હજારથી વધુ થાળીઓ નિ:શુલ્ક પહોંચાડવામાં આવી છે.

‘છાંયડો’ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહે સેવાકીય પ્રવૃતિઓ અંગે જણાવ્યું હતું કે, હાલ અનલોક દરમિયાન ધંધા-રોજગાર શરૂ થઇ ગયા હોવા છતાં પણ સમૃદ્ધ વર્ગના સેવાભાવી સ્વયંસેવકો અડાજણ ખાતે આવેલા બદ્રીનારાયણ ટ્રસ્ટ ખાતે છાંયડો સંચાલિત રસોડામાં સવારથી લઇને સાંજ સુધી દૈનિક સેવા માટે ઉત્સાહભેર પહોંચી જાય છે, અને શાક સુધારવા, ભોજન બનાવવા, થાળીઓ ભરવા અને પેકિંગ કરવાં, પાર્સલ બનાવવા જેવી સેવામાં લાગી જાય છે. છાંયડો’ના રસોડામાં કામ કરતાં 90 ટકા સ્વયંસેવકો એવા સમૃદ્ધ વર્ગમાંથી આવે છે, જેઓ પોતે અન્ય 50થી 100 લોકોને રોજગારી આપે છે, પરંતુ અહીં તેઓ ઉત્સાહભેર ખભે-ખભા મિલાવીને સેવાકાર્ય નિ:સ્વાર્થભાવે કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ અને સરકારી તંત્ર રાતદિવસ કોરોના સામેની લડાઈમાં ઝઝુમી સારવાર આપી લોકોના જીવ બચાવવા સતત પ્રયત્નશીલ છે, ત્યારે સિવિલ તંત્ર પરથી દર્દીઓના ભોજનનો ભાર હળવો થાય એવા આશયથી અમે તા.08મી જૂનથી દરરોજ બે ટાઈમ માટે 1600 જેટલાં ફૂડપેકેટ તૈયાર કરીને જુદી જુદી હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ.

ખાસ કરીને જે કોરોના દર્દીઓ ડાયાબિટીસથી પીડિત છે તેમના માટે ખાસ સુગર ફ્રી મેનુ બનાવવામાં આવે છે. ડાયાબિટીસના પેશન્ટ માટેના ભોજન અને દવાના સમયનું ધ્યાન રાખીને સમયસર તેમના સુધી પાર્સલ પહોંચાડવામાં આવે છે એમ ભરતભાઈ જણાવે છે.

સંસ્થાના ટ્રસ્ટી ધવલભાઈ શાહ જણાવે છે કે, છાંયડો સંસ્થાએ તા.26મી એપ્રિલ બાદ લોકડાઉન દરમિયાન પણ ગરીબ અને શ્રમજીવી વર્ગની વ્હારે આવી 60 લાખથી વધુ લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. લોકડાઉન શરૂ થયું ત્યારબાદ ધારાસભ્ય પૂર્ણેશભાઈ દ્વારા રોટી અભિયાન અંતર્ગત સેવાભાવી લોકો પાસેથી દરરોજ રોટલીઓ એકત્ર કરવામાં આવતી હતી, જેમાં સહયોગી બની છાંયડો સંસ્થા દ્વારા સુરતના દિવાળીબાગ સ્થિત રસોડાંમાં રોજના 25 હજાર લોકો માટે શાક તૈયાર કરીને ફૂડપેકેટરૂપે શ્રમિક વર્ગ સુધી પહોંચાડ્યા હતા. જેમાં સુરત મહાનગરપાલિકા, કલેક્ટર ઓફિસના કર્મચારીઓ પણ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ અમારા અભિયાનમાં જોડાયા છે. હાલ નવી સિવિલના કેમ્પસમાં આવેલી છાંયડો સંચાલિત ભોજનશાળામાં નિયમિત રીતે સિવિલમાં દાખલ થતાં અન્ય દર્દીઓ અને તેમના સગાઓ માટે માત્ર રૂ.03 ના ટોકન દરે ભોજન પૂરું પાડવામાં આવી છે. દરરોજ ભોજન બનાવીને જુદી જુદી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું માનવતાનુ; કાય સંસ્થા કરે છે જેનાથી અમને સંતોષ મળે છે એ જ અમારૂં પ્રેરકબળ બની રહે છે.

નોંધનીય છે કે, છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહના સગા ભાઈ કિશોરભાઈ વજેચંદ શાહ પણ કોરોનાગ્રસ્ત હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિશોરભાઈને પણ અન્ય દર્દીઓની જેમ જ આ ભોજન પહોંચે છે. ‘સુરત માનવ સેવા સંઘ- છાંયડો’ના કેતનભાઈ પટેલ, નીલેશભાઈ બોડીવાલા સહિતના 35 થી વધુ સ્વયંસેવકોની ટીમ દ્વારા ખભેખભા મિલાવી ભોજન સેવા આપવામાં આવી રહી છે.

સેવાનો પર્યાય બની ચૂકેલી ‘છાંયડો’ સંસ્થા ખરા અર્થમાં કોરોના દર્દીઓ માટે શીતળ છાંયાનો અનુભવ કરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here