જમ્મુ-કાશ્મીરમાં ચેરિટેબલ પ્રવૃત્તિઓના નામે એકઠું કરાતું ભંડોળ આતંકવાદીઓને પહોંચાડવામાં આવતું હોવાના આરોપસર નોંધાયેલા કેસમાં કાશ્મીરમાં 9 અને દિલ્હીમાં એક ઠેકાણા પર એનઆઇએની ટુકડીઓ ત્રાટકી હતી. એનઆઇએએ 6 એનજીઓ અને ટ્રસ્ટના 9 ઠેકાણા પર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તે ઉપરાંત દિલ્હી લઘુમતી પંચના પૂર્વ વડા ઝફરુલ ઇસ્લામ ખાનના દિલ્હી સ્થિત ઠેકાણા પર પણ તપાસ શરૂ કરાઇ હતી. ઝફરુલ ઇસ્લામ ખાન મિલી ગેઝેટ અખબારના સ્થાપક તંત્રી છે. એનઆઇએ દ્વારા ગુરુવારે જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કેટલીક ચોક્કસ એનજીઓ અને ટ્રસ્ટ દેશ અને વિદેશમાંથી દાન અને બિઝનેસ માટે ભંડોળ પ્રાપ્ત કરી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ કરી રહી હોવાની વિશ્વસનીય માહિતીના પગલે 8મી ઓક્ટોબરે આઇપીસીની વિવિધ ધારાઓ અને યુએપીએ એક્ટ અંતર્ગત કેસ નોંધાયો હતો. દરોડા દરમિયાન કેટલાક ઉશ્કેરણીજનક સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરાયાં છે.
કાલે જેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં ચેરિટી એલાયન્સ, દિલ્હી ઝફરુલ ઇસ્લામ ખાનની એનજીઓ હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન, કાશ્મીર શબીર એહમદ બાબા ફલાહ એ આમ ટ્રસ્ટ, કાશ્મીર પ્રતિબંધિત જમ્મુ-કાશ્મીર જમાત એ ઇસ્લામિયાનું ટ્રસ્ટ જમ્મુ-કાશ્મીર યતીમ ફાઉન્ડેશન, કાશ્મીર સાલ્વેશન મૂવમેન્ટ, કાશ્મીર અને જમ્મુ-કાશ્મીર વોઇસ ઓફ વિક્ટિમ, કાશ્મીરનો સમાવેશ થાય છે.