PM મોદીએ ડેન્માર્કની કંપનીને એક જ વિન્ડ ટર્બાઈનથી પાણી અને ઓક્સિજન કાઢવાની વાત કરી, બનાસ ડેરીએ હવામાંથી પાણી કાઢ્યું

0
92
  • વડાપ્રધાન મોદીએ 6 ઓક્ટોબરે વેસ્તાસના સીઈઓ સાથે વિન્ડ એર્ન્જીને લઈને વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી હતી
  • વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે, વિન્ડ એર્ન્જીથી પાણી અને ઓક્સિજન મેળવી શકાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્કની વેસ્તાસ વિન્ડ સિસ્ટમના સીઈઓ સાથે આ મહિનાની શરૂઆતમાં વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. જેમાં તેમણે વિન્ડ એનર્જી ઉત્પન્ન કરવાના ટર્બાઈન થકી હવામાં રહેલા ભેજને શોષી તેમાંથી પાણી અને ઓક્સિજન મેળવી શકાય છે તેવી વાત મૂકી હતી. ત્યારે બનાસકાંઠાની જાણીતી બનાસ ડેરી દ્વારા હવામાંથી ભેજ શોષીને પાણી મેળવવાના પ્રોજેક્ટનું પરીક્ષણ કર્યું છે. હવામાં રહેલા ભેજને જનરેટરની મદદથી પાણીમાં રૂપાંતરિત કર્યું છે. તેના થકી દરરોજનું અંદાજે 120 લીટર પાણી મેળવી શકાય છે તેવો દાવો કરાયો છે.

પાકિસ્તાન સરહદે હવામાંથી પાણી મેળવાયું
બનાસ ડેરીએ પાકિસ્તાન બોર્ડર પરના સુઈગામ ખાતે એક પ્રોજેક્ટ કરીને હવામાંથી પાણી કાઢ્યું છે. સોલર ઉર્જાની મદદથી વીજળી ઉત્પન્ન કરીને તે જ વીજળીનો ઉપયોગ કરીને એક એક ખાસ જનરેટરની મદદથી હવામાંથી પાણી કાઢી શકાય છે. જો કે સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તેની કોઈ સ્પષ્ટતા બનાસ ડેરીએ કરી નથી કે ન તો ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી છે. ખાસ જનરેટરની મદદથી પાણી બનાવીને પીવાય છે એટલું જ ડેરી દ્વારા કહેવામાં આવ્યું છે.

હવામાંથી બનેલા પાણી વિશે શંકર ચૌધરીએ શું કહ્યું?
કચ્છના રણમાં પાકિસ્તાનને અડીને આવેલા આ વિસ્તારમાં અહીંના અગરિયાને પીવાના પાણીનો પ્રશ્ન છે. હવામાંથી પાણી બની શકે છે તે આપણા માટે આશિર્વાદરૂપ છે. કેમ કે રણમાં પાણી પહોંચાડવું ઘણી અધરું છે અને દૂરથી પાણી લાવવા પણ મુશ્કેલ છે. હવામાંથી પાણી બની રહ્યું છે તેને મેં પણ પીધું છે. આ બહુ મોટી શોધ માનું છું. તેના ગુણમાં કંઈક યુટિલાઈઝેશન કરાય અને ટેક્નોલોજી વધારે કાર્યક્ષમ થશે. ભવિષ્યમાં પીવાનું અને ખેતીવાડી માટે આશિર્વાદરૂપ સાબિત થશે. દેશના વડાપ્રધાને એવું કહ્યું કે લોકો આના પર કામ કરે ત્યારે હું માનું છું કે અહીંયા હવામાંથી પાણી નીકળી રહ્યું છે. સરહદીય વિસ્તારમાં તેમાં પણ અગરિયાઓને આ પાણી પૂરું પડાશે. અત્યારે પ્રાયોગિક ધોરણે કરીએ છીએ. આવનાર સમયમાં આવી રીતે પાણીનો પ્રશ્ન ઉકેલી શકાય છે

6 ઓક્ટોબરે મોદીએ સીઈઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્કની વેસ્તાસ વિન્ડ સિસ્ટમના સીઈઓ સાથે ઓનલાઈન વાતચીત કરી હતી. જેમાં મોદીએ કહ્યું કે, વિન્ડ એનર્જી પેદા કરવાના ટર્બાઈન થકી જ્યાં ભેજ વધારે છે તેવા વિસ્તારમાં હવામાંથી પાણી શોષીને તેને વપરાશમાં લઈ શકાય છે. આમ વિન્ડ ટર્બાઈનથી એનર્જી પણ પેદા થશે અને પાણી પણ મળશે. જે નાના ગામડાની પાણીની સમસ્યા દૂર કરી શકે છે. ટર્બાઈન થકી હવામાંથી ઓક્સિજન પણ અલગ કરી શકાય છે. તેના માટે સાયન્ટિફિક સમજ ડેવલપ કરવી જરૂરી છે. સામે વિન્ડ કંપનીના સીઈઓએ પણ ડેનમાર્ક આવીને એન્જિનિયર્સ સાથે વાત કરવા માટે પણ પીએમ મોદીને આમંત્રણ આપીને કહ્યું હતું કે, હું મોદીની પેશન જોઈને ખુશ છું.

રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને વડાપ્રધાનને કશું ખબર ન હોવાનું જણાવ્યું હતું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિન્ડ એનર્જી કંપનીના સીઈઓ સાથેની વાતચીતનો વીડિયો ટ્વિટર પર શેર કરીને કહ્યું હતું કે, સાચું જોખમ એ નથી કે આપણા વડાપ્રધાન કશું સમજતા નથી. જોખમ એ છે કે તેમની આજુબાજુની કોઈપણ વ્યક્તિમાં તેમને હકીકત કહેવાની હિંમત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here