કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે PM મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. જ્યાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ દરમિયાન પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી આપવામાં આવશે. મૂળ ગુજરાત કેડરના જ્ઞાનેન્દ્રસિંઘ મલિક પરેડની જવાબદારી સંભાળી રહ્યા છે. કેવડિયામાં મોદી સી-પ્લેનનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ સી પ્લેનમાં બેસીને કેવડિયાથી અમદાવાદ જશે. આ પહેલા સવારે આરોગ્ય વનના યોગા અને ધ્યાન ગાર્ડનમાં યોગા કર્યાં હતા અને ત્યારબાદ બ્રેકફાસ્ટ કર્યું હતું.
મોદીનો કેવડિયામાં આજનો કાર્યક્રમ
સવારે 6:30 વાગે આરોગ્ય વનના યોગા ગાર્ડનમાં યોગા
7.30 વાગે આજ આરોગ્ય વનમાં બ્રેકફાસ્ટ
8:00 વાગે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ
8:30 વાગે પરેડ ગ્રાઉન પર જશે, ત્યાં પરેડ સલામી આપશે
9:20 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે
10:45 વાગે સી પ્લેનનું ઉદ્ઘાટન કરીને સી પ્લેનમાં અમદાવાદ રવાના થશે

સી-પ્લેનનું લેન્ડિંગ અને ટેક-ઓફ બંને જળસપાટી પર થાય છે
એરોપ્લેનથી અને સી-પ્લેન એ બન્નેમાં તફાવત એટલો જ કે એરોપ્લેન લેન્ડિંગ અને ટેક-ઓફ જમીન પર કરે છે, જ્યારે સી-પ્લેન જળસપાટી પર એટલે કે સમુદ્ર, નદી કે તળાવ પર લેન્ડ અને ટેક-ઓફ કરી શકે છે. અમદાવાદ આવેલા આ ટ્વિન-ઓટ્ટર્સ સી-પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે, 1419 લિટર ક્ષમતાની બળતણ ટાંકી ધરાવે છે, મહત્તમ 5170 કિ.ગ્રા. વજન સાથે ઊડી શકે છે. સી-પ્લેન 15.77 મીટર (51 ફૂટ) લાંબું અને 5.94 મીટર (19 ફૂટ) ઊંચું છે. આ સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

સી-પ્લેનમાં સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઈનવાળાં બે એન્જિન હોય છે
કેપ્ટન અજય ચૌવ્હાણના જણાવ્યા મુજબ સી-પ્લેન PT6A-34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇનવાળાં બે એન્જિન ધરાવે છે. ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક 272 કિ.ગ્રા. બળતણની ખપત થાય છે. સી-પ્લેનની ડાબી બાજુ 1.27 * 1.45 મીટરનો દરવાજો આવેલો છે. સી-પ્લેન 19 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે. સી-પ્લેન સામાન્ય પેસેન્જર પ્લેનથી તદ્દન જુદા પડે છે. પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે, આથી સામાન્ય પેસેન્જર પ્લેનના પાઇલટ માટે લેન્ડિંગ અને ટેક- ઓફ એ મુખ્ય કામગીરી રહે છે.