લેબનો ડેટા ભેગો કરવાની જવાબદારી ઓડિટરના બદલે ફાર્મસી ભવનને સોંપી

0
62
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોનો અણઘડ વહીવટનો વધુ એક નમૂનો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો મનફાવે તેમ વહીવટ ચલાવવામાં નિષ્ણાત છે અને તેનો વધુ એક નમૂનો તાજેતરમાં જોવા મળ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેગ તરફથી એજી ઓફિસનું ઓડિટ આવતા તેની જવાબદારી સેલ્ફ ફાઇનાન્સ ભવન ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મસીના વડા ડો.મિહિર રાવલ પર ઢોળી દેવામાં આવી છે ત્યારે હકીકતમાં આ જવાબદારી યુનિવર્સિટીના ઓડિટરની હોય છે. કેગના અધિકારીઓએ તમામ ભવનોની લેબોરેટરીને માહિતી માગતાં તે કમ્પાઇલ કરી રિપોર્ટ કરવા માટે ફાર્મસી ભવનના વડાએ અન્ય ભવનોને 2 નવેમ્બર સુધીમાં ડેટા આપી દેવા તાકીદ કરી છે.

ફાર્મસી ભવનના વડા ડો.મિહિર રાવલે અન્ય ભવનના વડાઓને કરેલા મેસેજમાં જણાવ્યું હતું કે, કેગ તરફથી એ.જી. ઓફિસનું ઓડિટ આવ્યું છે. આ ઓડિટમાં યુનિવર્સિટી તરફથી દરેક ભવનના ડેટા જમા કરવાના થાય છે. આ ડેટા ખૂબ તાત્કાલિક ધોરણે માગવામાં આવ્યા હોવાથી 2-11ના બપોરે 2 વાગ્યા સુધીમાં આ ડેટા જમા કરાવી દેશો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 દિવસની રજા હોય પણ આ ડેટા ખૂબ જ જરૂરી હોય વર્ડ ફાઇલમાં નિયત સમયમર્યાદામાં ડેટા ભરીને મોકલી આપશો. ત્યારબાદ આ ડેટા કમ્પાઇલ કરી ઓડિટ કમિટી પાસે સાંજે 5 વાગ્યા સુધીમાં સોંપવાનો હોય સોમવાર બપોર સુધીમાં ડેટા જમા કરાવવા તાકીદ કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં કેગની ટીમ ઓડિટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી હતી ત્યારે તમામ ભવનોનું થીમ ઓડિટ કર્યું હતું જેમાં કેટલા નાણાં ગ્રાન્ટ પેટે આવ્યા, કેટલા સાધનો માગ્યા, કેટલા સાધનો આપ્યા, કેટલા રિસર્ચમાં વાપર્યા, કેટલા નાણાં સાધનોની ખરીદીમાં વાપર્યા સહિતની અનેક માહિતી ઓડિટ કમિટીએ માગી હતી અને તેના અધિકારી નિલ વર્મા સવા વર્ષ રાજકોટમાં રોકાયા હતા અને યુનિવર્સિટીમાં ઓડિટ માટે આવ્યા હતા. કેગના ઓડિટરે આપેલા અહેવાલમાં સંખ્યાબંધ નેગેટિવ મુદ્દાઓ હતા જે તમામ વિભાગને ઓડિટ રિપોર્ટ આપવો જોઇએ તે જાહેર જ કરાયો ન હતો.

શું માહિતી માગી છે ઓડિટરે
યુનિવર્સિટીમાં કેટલા ભવનોમાં લેબોરેટરી છે, કેટલા સાધનો છે, છેલ્લા પાંચ વર્ષમાં કેટલી ગ્રાન્ટ આવી છે, કેટલી ગ્રાન્ટ સાધનો માટે આવી છે, ગ્રાન્ટ ક્યાં વપરાઇ છે, કેટલા સાધનો વર્કિંગ સ્થિતિમાં છે કેટલા સાધનો બંધ હાલતમાં એટલે કે નોન વર્કિંગ સ્થિતિમાં છે’ તેની સહિતની માહિતી માગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here