ભૂતિયા નળમાં ‘ભૂતિયો ચાર્જ’ રૂપિયા 3005 વસૂલે છે મનપા, 11 હજાર ભૂતિયા નળજોડાણ, માત્ર 700 લોકોની જ અરજી

0
94

રાજ્ય અને કેન્દ્ર સરકારે દરેક પરિવારોને નળથી પાણી આપવા માટે નળ સે જળ યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટી અને ત્યાર બાદ જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરી 500 રૂપિયા ચાર્જ લઇ ભૂતિયા નળ કાયદેસર કરી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ જ્યારે કોઇ ભૂતિયા નળધારક મનપાની વોર્ડ ઓફિસ ખાતે નળજોડાણ કાયદેસર કરવા માટે જાય ત્યારે તેમની પાસેથી રૂ.3005 વસૂલ કરવામાં આવે છે. તેમાં 500 રૂપિયા પેનલ્ટી, રૂ.1000 નવું નળજોડાણ મેળવવા, રૂ.500 ડિપોઝિટ, રૂ.1000 રોડ રિપેરિંગ ચાર્જ અને રૂ.5 ફોર્મ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. આમ મનપાએ 500 રૂપિયાની જાહેરાત કરી છે, પરંતુ 3005 વસૂલ કરતા હોવાથી શહેરમાં 11000થી વધુ ભૂતિયા નળજોડાણ હોવા છતાં 700 જેટલી જ અરજી આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાના સરવે મુજબ વેસ્ટ ઝોનમાં 4926, ઇસ્ટ ઝોનમાં 2680 અને સેન્ટ્રલ ઝોનમાં 3567 જેટલા ભૂતિયા નળજોડાણ છે, પરંતુ આ સરવેમાં મનપાના ઇજનેરોને મળ્યા તે જ આંકડા છે. વાસ્તવમાં શહેરમાં 30 હજારથી વધુ ભૂતિયા નળજોડાણ હોવાનો અંદાજ છે. નળ સે જળ યોજના હેઠળ વધુને વધુ જોડાણ આપવામાં આવે તેવું રાજ્ય સરકાર મહાનગરપાલિકા પર પ્રેશર કરી રહ્યું છે, પરંતુ મનપાએ રૂ.500ની જાહેરાત કરી રૂ.3005 વસૂલાત શરૂ કરી છે. જેના કારણે ભૂતિયા નળજોડાણ ધરાવતા લોકો નળજોડાણ કાયદેસર કરવા માટે આગળ આવતા નથી.

રાજકોટ શહેરમાં છેલ્લા એક માસથી નળ સે જળ યોજના હેઠળ ઇસ્ટ ઝોનમાં 354 ભૂતિયા નળ, વેસ્ટ ઝોનમાં 107 અને સેન્ટ્રલ ઝોનમાં 315 ભૂતિયા નળધારકોએ કાયદેસર કરવા માટે અરજી કરી છે. મ્યુનિ. કમિશનર તમામ વોર્ડ ઇજનેરોને વધુમાં વધુ ભૂતિયા નળજોડાણ કાયદેસર કરવા અરજદારો પાસે અરજી કરાવવા આદેશ કર્યો છે, પરંતુ 500ના બદલે રૂ.3005 ચાર્જ વસૂલ થતો હોવાથી અરજદારો મળતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here