ઇતિહાસમાં પહેલીવાર મતદાર ડિસ્પોઝેબલ પોલિથીન હાથ મોજા પહેરીને EVMનું બટન દબાવશે, ચૂંટણી અધિકારીને સેનેટાઇઝરની બોટલ અપાશે

0
80
  • 1795 અધિકારીઓ અને કર્મચારીઓને મતદાન મથકે લેવાની કોવિડ વિષયક તકેદારીઓની તાલીમ અપાઇ

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠક પર આગામી 3 નવેમ્બરે મતદાન થવાનું છે, ત્યારે કોવિડની મહામારીએ ઘણી બધી પ્રચલિત કાર્ય પદ્ધતિઓને ધરમૂળથી બદલી નાખી છે. અત્યાર સુધી મતદાન મથકે મતદાન કર્યાંની નિશાની રૂપે મતદારની આંગળીએ ટપકુ કરવા શાહીની બોટલ અપાતી હતી, હવે તેની સાથે સેનેટાઈઝરની બોટલ ઉમેરાશે. તો અગાઉ દરેક મતદાન મથક માટે એક ફાનસ આપવામાં આવતું હતું, જે હવે નથી અપાતું. તો તેની સામે રબર મોજા અને ફેસ શિલ્ડ જેવી નવી સામગ્રી ઉમેરવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમ વખત મતદાર ડિસ્પોઝેબલ પોલિથીન હાથ મોજા પહેરીને ઇ.વી.એમ. ઉપર બટન દબાવીને મતદાન કરશે. જે અંગેની સામગ્રી કરજણ બેઠકના ચૂંટણી અધિકારીને પહોંચાડી દેવામાં આવી છે.

આ અંગેની માહિતી આપતા વડોદરા જિલ્લા એપીડેમિક ઓફિસર ડો. બિડલાએ જણાવ્યું હતું કે, કરજણ, શિનોર અને વડોદરા તાલુકાના 11 ગામોના 311 મતદાન મથકે આવનારા પ્રત્યેક મતદારોને એક ડિસ્પોઝેબલ પોલીથીન હાથ મોજુ આપવામાં આવશે. આ મોજા જમણા હાથે પહેરીને મતદારે ઇવીએમની સ્વીચ દબાવવાની છે. એટલે કે મતદાન કરવાનું છે. ડાબા હાથની આંગળી પર શાહીનું નિશાન કરવાનું હોવાથી એ હાથે મોજા પહેરવાનું નથી. મતદાન યંત્રની ચાંપોને મતદારોની આંગળીઓના વારંવાર થનારા સ્પર્શથી ચેપની શક્યતા ટાળવા આ તકેદારી લેવામાં આવી છે. મતદાન પછી મતદારે આ મોજું કાઢીને તેના માટેની વિશેષ કચરા ટોપલીમાં નાંખીને પછી જ મતદાન મથકની બહાર નીકળવાનું રહેશે. આ હેતુસર લગભગ બે લાખ પોલીથીન હાથ મોજા આપવામાં આવ્યાં છે.

જ્યારે મતદાન કર્મીઓને ચેપ સામે સુરક્ષિત રાખવાની તકેદારીના ભાગરૂ , મતદાન મથકે ફરજ બજાવનારા તમામ મતદાન કર્મીઓ, સુરક્ષાકર્મીઓ અને આશા-આરોગ્ય કાર્યકરોને બંને હાથે મતદાનના સંપૂર્ણ સમય દરમિયાન પહેરી રાખવા માટે રબરના હાથ મોજાં આપવામાં આવ્યાં છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી કામમાં જોડાયેલા કર્મચારીઓ માટે 5 હજાર જોડી રબર મોજા આપવામાં આવ્યા છે. મતદાનના આગલા દિવસે વિશેષ તકેદારી રૂપે મતદાન મથકોને સેનેટાઇઝ કરવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથકના ફરજ પરના સુરક્ષા સહિત તમામ કર્મચારીઓને પહેરી રાખવા માટે વિશેષ ચહેરા રક્ષક આવરણ-ફેસ શિલ્ડ આપવામાં આવશે. તે માટે 5 હજાર જેટલા શિલ્ડ આપવામાં આવ્યાં છે. તકેદારીના ભાગરૂપે જરૂરિયાતના સમયે ઉપયોગમાં લેવા 1 હજાર પીપીઈ કિટ પણ ફાળવવામાં આવી છે. અને દરેક મતદારે ફરજિયાત માસ્ક પહેરીને મતદાન મથકે આવવાનું છે.

મતદાન મથકે આવનારા મતદારોની આરોગ્ય કર્મી કે આશા બહેન થર્મલ ગનથી શરીરના તાપમાનની ચકાસણી કરશે. તે મતદારના હાથને સેનેટાઇઝ કરાવશે. તેના માટે 363 ગન અને સેનેટાઝરની 5 હજાર બોટલ આપવામાં આવી છે. તો ઓક્સિજન સેચ્યુરેશનની તપાસ કરવા માટે 311 પલ્સ ઓક્સિમિટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તપાસમાં જેમને તાવ કે અન્ય બીમારી નહીં જણાય અને ઓક્સિજનનું પ્રમાણ 95થી વધુ હશે તેમને જ સામાન્ય મતદાર તરીકે મતદાન કરવા દેવાશે. જો કોઈ મતદાર ને તાવ આવતો હશે કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે તો એને સાંજના છેલ્લા કલાકમાં મતદાનની સુવિધા આપવામાં આવે તે શક્ય છે. શક્ય હોય તો મતદાન મથકે હાથ ધોવા માટે પાણી અને સાબુની વ્યવસ્થા રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કોવિડ સામે સુરક્ષાની વિશેષ તાલીમ મતદાન મથકો ખાતે સેવા આપવા માટે પસંદ કરવામાં આવેલા તમામ 1795 જેટલાં અધિકારીઓ અને કર્મચારીઓને મતદાન મથકે લેવાની કોવિડ વિષયક તકેદારીઓની ખાસ તાલીમ ત્રણ બેચમાં આપવામાં આવી છે. ફરજ પરના આરોગ્ય કર્મચારીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આ તાલીમ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here