- ગૃહમાં ખાલી પડેલી જગ્યા માટે પર્યાવરણ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પૈકી કોઈ એકને ચાર્જ સોંપાવાની શક્યતા હતી
રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ આજે 31મી ઓક્ટોબરે વયનિવૃત્ત થયા છે. ત્યારે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. પરંતુ રાજ્ય સરકારે તેમની વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક કરી છે. તેમની ખાલી પડેલી આ જગ્યાએ તુંરત જ નિયુક્તિ કરવામાં આવી છે અને આજે શનિવારે તેમના વિભાગનો ચાર્જ સિનિયર અધિકારી પંકજકુમારને આપવામાં આવ્યો છે. પંકજકુમાર મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ છે.
રાજીવ ગુપ્તા અને પંકજકુમાર બંને પૈકી એકને ચાર્જ સોંપાય તેવી શક્યતા હતી
ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં સિનિયર એવાં બે ઓફિસરો મજબૂત દાવેદારો હતા. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવના પદ પર હાલના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તા અને તેમની જેમ જ મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમાર દાવેદાર હતા. ચીફ સેક્રેટરીના પદ માટે આ બન્ને ઓફિસરો વચ્ચે ફરીથી હોડ જામી છે.
CS મુકીમ હાલ 6 મહિનાના એક્સટેન્શન પર છે
અલબત્ત, રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકીમ ગયા ઓગસ્ટ મહિનામાં વયનિવૃત્ત થયા હતા પરંતુ તે પહેલા તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેઓ આ પદ પર ફેબ્રુઆરી 2021 સુધી કાર્યરત છે, તેથી તેમના અનુગામીની પસંદગી તેમની વયનિવૃત્તિના આખરી મહિનાના અંતમાં કરવામાં આવશે.
મોદીની ગુજરાત પ્રવાસના કારણે સંગીતાસિંઘની જગ્યા ભરાશે નહીં તેવી શક્યતા હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાતમાં છે. કેવડિયા સી-પ્લેનમાં અમદાવાદના રિવરફ્રન્ટ આવી રહ્યા છે. ત્યારે તેમની સાથે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તા રહેવાના છે. તેથી ત્યાં સુધી સંગીતસિંઘની જગ્યા ભરાશે નહીં પરંતુ કોઇ અધિકારીને વધારાનો હવાલો ન અપાય તો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ પદ પર રાજીવકુમાર ગુપ્તા કે પંકજકુમારની પસંદગી થાય તેવી શક્યતા જોવામાં આવી રહી હતી. આ સ્થિતિમાં રાજીવકુમાર ગુપ્તાને ગૃહનો હવાલો આપવામાં આવે અને પંકજકુમારને નાણા વિભાગ સોંપવામાં આવે તેવી શક્યતા હતી. જોકે ગૃહનો વધારાનો ચાર્જ પંકજકુમારને સોંપવામાં આવ્યો છે.