અત્યાર સુધીમાં 27,742 સાજા, 10,000 એક્ટિવ કેસ, 24 કલાકમાં 429 ડિસ્ચાર્જ, રિકવરી રેટ 70.63
અમદાવાદ. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 861 મામલા નોંધાયા છે. ગુરુવારે ગુજરાતમાં 15 દર્દીઓના મોત થયાં હતાં અને આ સાથે કુલ મૃત્યુઆંક 2,010 પર પહોંચ્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસ વધીને 39,280 થયા છે. હાલ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 9,528 છે અને કુલ કેસમાં તેનું પ્રમાણ હાલ 24.26 ટકા છે. એટલે કે અત્યાર સુધીમાં નોંધાયેલાં કુલ કેસ પૈકી ચોથાભાગના હાલ સારવાર હેઠળ છે. તેની સામે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 429 દર્દીઓ સાજા થતાં તેમને ડીસ્ચાર્જ અપાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 27,742 દર્દીઓ સાજા થયા છે.
જો કે ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાના નવા કેસ નોંધાવાની ગતિ વધી છે અને તેની સાપેક્ષે સાજા થઇ રહેલાં દર્દીઓનો આંકડો ઓછો હોવાથી હાલ રાજ્યમાં રીકવરી રેટ ક્રમશઃ ઘટી રહ્યો છે. ગુરુવારે આ રેટ 70.63 ટકા નોંધાયો હતો. ગુજરાતમાં મૃત્યુદર પણ ધીરેધીરે ઘટી રહ્યો છે. હાલ 72 દર્દીઓની હાલ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે.
કયા જિલ્લામાં કેટલા કેસ, કેટલા સાજા થયા
શહેર | નવા | કુલ | મોત | સાજા |
અમદાવાદ | 162 | 22580 | 5 | 139 |
સુરત | 308 | 7582 | 13 | 136 |
વડોદરા | 68 | 2853 | 7 | 13 |
રાજકોટ | 34 | 571 | 1 | 5 |
ભાવનગર | 25 | 448 | 0 | 5 |
નવસારી | 17 | 211 | 1 | 12 |
મહેસાણા | 23 | 447 | 1 | 6 |
બનાસકાંઠા | 18 | 367 | 17 | 0 |
અરવલ્લી | 5 | 262 | 1 | 9 |
વલસાડ | 28 | 354 | 2 | 5 |
જૂનાગઢ | 10 | 213 | 2 | 64 |
કચ્છ | 6 | 233 | 0 | 5 |
સાબરકાંઠા | 8 | 173 | 2 | 7 |
પાટણ | 0 | 306 | 0 | 0 |
અમદાવાદમાં 162 કેસ નોંધાયા
ગુરુવારે અમદાવાદમાં 162 નવા કેસ નોંધાયા. જ્યારે વડોદરામાં 68 કેસ નોંધાયા હતા. જે 15 લોકોના મોત થયા છે તેમાં સુરતમાં 6, અમદાવાદમાં 5 જ્યારે અમરેલી, પાટણ, બનાસકાંઠા અને ભરૂચમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કુલ મરણાંક 1511 છે. રાજ્યના કુલ મોતના 81% છે.
સુરતમાં સ્થિતિ વકરી: 24 કલાકમાં 308 પોઝિટિવ કેસ પ્રથમવાર 300ને પાર
સુરતમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધવાની સાથે જિલ્લામાં પણ કોરોના પોઝિટિવની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.ગુરુવારે જિલ્લામાં 96 નવા કેસ સામે આવ્યા હતા. શહેરમાં નવા 212અને જિલ્લાના 96 કેસ મળી કુલ 308 પોઝિટિવ કેસ આવ્યા હતા. શહેરમાં ગુરુવારે 13 મોત સાથે કોરોનામાં મરણાંક 296 થયો છે. ગુરુવારે વધુ 5 તબીબો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. નવી સિવિલના બે ડોક્ટર તથા શ્રેયસ હોસ્પિટલ, વ્યાસ ક્લિનિક, રાંદેર ઝોનના એક પ્રાઈવેટ હોસ્પિટલના ફિઝીશીયનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની સારવાર લઈને સારા થઇ ગયેલા શહેર-જિલ્લાના 136 દર્દીઓને ગુરુવારે રજા આપવામાં આવી હતી અત્યાર સુધીમાં કુલ 4488 દર્દી કોરોનાથી સારા થઇ ગયા છે. લોકડાઉનમાંથી છૂટછાટ અપાયા બાદ લોકોની અવર-જવર વધતા જ સંક્રમણ પણ વધી ગયું છે.
સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 7582 પર પહોંચી ગઇ છે. ગુરુવારે કતારગામમાંથી સૌથી વધુ 58 કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. કતારગામમાં અત્યાર સુધીમાં કુલ 1657 પોઝિટીવ કેસ નોંધાયા છે. લિંબાયતમાં અત્યાર સુધીમાં કુલ 1144 કેસ નોંધાયા છે. વરાછાની 55 વર્ષની સ્ત્રી, અમરોલીના 46 વર્ષના પુરુષ ,સૈયદપુરા 52 વર્ષના આધેડ અને અડાજણની 52 વર્ષની મહિલાનું મોત થયું છે.