જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાના જ સગા કાકાની દીકરી એવી નવ વર્ષની બાળકીને વાડીના રૂમમાં લઇ જઇ તેના જ પિતરાઇ ભાઇએ 15 વર્ષની વયનાં તરૂણે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે. સૌપ્રથમ બાળકીને લાગી ગયું હોવાથી રક્તસ્ત્રાવ થયાનું જાહેર કરાયું હતું, પરંતુ જી જી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં લઈ જવાતા તેણીની સાથે દુષ્કર્મ થયું હોવાનો કિસ્સો સામે આવતા તબીબો અને પોલીસ તંત્ર ચોંકી ઉઠયું હતું. આખરે ભોગ બનનારની માતા દ્વારા બાળકીના પિતરાઇ ભાઇ સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવાઈ છે. નાના એવા ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા એક પરિવારની નવ વર્ષની એક બાળકી ગઈકાલે (શુક્રવારે) બપોરે ચારેક વાગ્યાના અરસામાં પોતાની વાડીની ઓરડી પાસે રમી રહી હતી, જે સ્થળે તેનો પિતરાઈ ભાઈ કે જે ભાઈ બહેન બન્નેના પિતા સગા ભાઇઓ થાય છે અને વાડી પણ બાજુમાં આવેલી છે, જેના કારણે દરરોજ સાથે રમતા હતા. જે દરમિયાન ગઇકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં 15 વર્ષની વયના પિતરાઈ ભાઈએ પોતાની જ બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું.
દરમિયાન બાળકીને ભારે રક્તસ્ત્રાવ થઈ ગયો હતો, અને કપડાં પણ લોહી ભીના થયા હતા. જેના કારણે તેણીને સૌપ્રથમ લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં રક્તસ્ત્રાવની સાથે સાથે તેણીને ગુપ્ત ભાગમાં ટાંકા લેવા પડે તેવી પરિસ્થિતિ હોવાથી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પહોંચાડવામાં આવી હતી.

જયાં તબીબોને બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તબીબો ચોંકી ઉઠ્યા હતા, અને તરત જ બાળકીની માતાને તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી લાલપુરની પોલીસ ટુકડી ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઈ હતી. અને બાળકીની માતાના આધારે તેના જ પિતરાઈ 15 વર્ષના સગીર શખ્સ સામે દુષ્કર્મ ગુજારવાના ગુનાની કલમ 376 તેમજ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. અને તરૂણને અટકાયતમાં લઇ વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
હાલના મોબાઇલના યુગમાં તરુણે આવી પ્રક્રિયાઓ નિહાળી લીધા પછી પોતાની જ પિતરાઈ બહેનને હવસનો શિકાર બનાવી લીધી હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઇને નાની રાફુદડ ગામ સહિત સમગ્ર લાલપુર પંથકમાં ભારે ચકચાર જાગી છે. હાલ ભોગ બનનાર સગીરાને જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અને તેની સારવાર ચાલી રહી છે.
છેલ્લા ૧ માસમાં ૭ દુષ્કર્મની ઘટના
તા.ર૮/૯/ર૦ર૦ના સીટી સી ડિવિઝન વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ
તા.૩/૧૦/ર૦ર૦ના સિટી બી ડિવિઝનના વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ
તા.પ/૧૦/ર૦ર૦ના સિટી એ ડિવિઝનના વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ
તા.૬/૧૦/ર૦ર૦ના જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારની સગીરા પર દુષ્કર્મ : પિતાનો આપઘાત
તા.૧૬/૧૦/ર૦ર૦ના ધ્રોલમાં યુવતીનું અપહરણ કરી બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું
તા.ર૩/૧૦/ર૦ર૦ના કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ
તા.ર૯/૧૦/ર૦ર૦ના લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ૯ વર્ષની બાળા પર દુષ્કર્મ
અહેવાલ- સાગર સંઘાણી ,જામનગર