અમદાવાદના સિંધુભવન રોડ પર કોફીબારમાં જુગાર રમતા 7 વિદ્યાર્થીઓ ઝડપાયા, 5 કલાકમાં જ પોલીસે જામીન આપી દીધાં

0
353
  • વસ્ત્રાપુર પોલીસે રેડ કરી માત્ર રોકડ 12000 અને કોઈન- પાના જ જપ્ત કર્યા, મોબાઈલ ફોન કબ્જે ન કર્યા
  • કોફીબારમાં જુગાર રમવા અંગે તપાસ કરવામાં આવશે : વસ્ત્રાપુર પીઆઇ

અમદાવાદ. શહેરના બોડકદેવના સિંધુભવન રોડ પર આવેલા પામદે બ્રિસ્ટો કોફી બારમાં બેસી જુગાર રમતાં 7 વિદ્યાર્થીઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે અલગ અલગ કલરના કોઈન, રોકડ 12000 અને રમવાના પાનાં કબ્જે કર્યા હતા. જો કે વસ્ત્રાપુર પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે કે આરોપીઓ પાસેથી મુદામાલ તરીકે મોબાઈલ કે વાહન જપ્ત કરવામા આવ્યા નથી. પોલીસે માત્ર 5 કલાકમાં જ જામીન પર મુક્ત કરી દીધા હતા. વસ્ત્રાપુર પીઆઇ વાય.જે જાડેજાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોફીબારના માલિક કે મેનેજરને આ અંગે જાણ હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઝડપાયેલા તમામ વિદ્યાર્થીઓ છે.

વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે સિંધુભવન રોડ પર આવેલા પામદે બ્રિસ્ટો કોફી બારમાં કેટલાક યુવકો કોઈન પર જુગાર રમે છે જેથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ કર્મચારીઓએ કોફીબારમાં રેડ કરી હતી. કોફીબારના કમ્પાઉન્ડમાં ટેબલ પર કેટલાક યુવકો કોઈન પર ગંજીપાનાનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે સોહમ નાયક (રહે. જજીસ બંગલો રોડ), ઋત્વિક શાહ (રહે. પ્રહલાદનગર), શિલ્પન પટેલ (રહે. નારણપુરા), શુભ મહેતા (રહે. જજીસ બંગલો રોડ), માનુશ વોરા (રહે. પ્રહલાદનગર), જૈનીલ શાહ (રહે. જજીસ બંગલો રોડ) અને શ્લોક મિસ્ત્રી (રહે. વસ્ત્રાપુર)ની ધરપકડ કરી હતી. તેઓ પાસેથી રોકડ રૂ. 12000, અલગ અલગ કલરના કોઈન અને પાના કબ્જે કર્યા હતા પરંતુ પોલીસને મોબાઈલ ફોન મળી આવ્યા ન હતા. જો કે ફોન મળ્યા ન હતા કે પોલીસે મુદામાલમાં બતાવ્યા નથી તેના પર સવાલ ઉભો થઇ રહ્યો છે. માત્ર એટલું જ નહીં 6 વાગ્યે રેડ બતાવી 10 વાગ્યે જામીન પર મુક્ત પણ કરી દીધાં હતાં. જ્યારે જુગારના દરોડો પાડી અને આરોપીઓ લાવવામાં આવે છે ત્યારે કાગળ અને કાર્યવાહીમાં કલાકો વીતી જતાં હોય ત્યારે વસ્ત્રાપુર પોલીસે બહુ ઝડપથી કાર્યવાહી કરી કે કેમ તેના પર સવાલ થયા છે.