ઉદઘાટનના ત્રીજા દિવસે પહેલીવાર આખી ફ્લાઇટ બુક થઈ, ઓનલાઇન ધાંધિયા હોવાથી રૂબરૂ ટિકિટ લેવા જવું પડે છે, માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેને પહેલી ઉડાન ભરી હતી

0
85
  • ટિકિટ બુકિંગની માહિતી માટે એક કલાક રાહ જોવડાવી પછી કહ્યું, આખી ફ્લાઇટ બુક છેઃ પેસેન્જર
  • ઓનલાઇન ટિકિટ બુક કરાવો તો રિક્વેસ્ટ એક્સેપ્ટ કરાય છે, પણ ટિકિટ લેવા રૂબરૂ જવું પડે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31મી ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સી-પ્લેન સેવા શરૂ થયાના ત્રીજા દિવસે એટલે કે આજે સોમવારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની સવારની પહેલી ફલાઇટ ફુલ થઈ ગઈ હતી. આજે સવારે ઊપડેલી ફ્લાઈટમાં 15 લોકો રૂ. 1590ની ટિકિટ લઈ સી-પ્લેનમાં કેવડિયા પહોંચ્યા હતા. જોકે સી-પ્લેનની ટિકિટ બુકિંગ અને ફલાઇટ અનશિડ્યૂલ હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. લોકોએ સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ ખાતે ટિકિટ લેવા આવવું પડે છે. જે લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી તેમની રિકવેસ્ટ એક્સેપ્ટ કરી લેવાય છે, પરંતુ ટિકિટ લેવા માટે રૂબરૂ જવું પડે છે.

ફ્લાઇટ બુકિંગ અને શિડ્યૂલ કેવી રીતે થાય છે એ નક્કી નથી
અમદાવાદમાં રહેતા મનોજભાઈ ભાવસારે ન્યુઝ અપડેટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં ચાર ટિકિટ બુક કરાવવા માટે ઓનલાઇન સાઇટ પર રિકવેસ્ટ આપી હતી, પરંતુ ટિકિટ માટે કોઇ જવાબ મળ્યો ન હતો, જેથી આજે સવારે હું ટિકિટ લેવા વોટર એરોડ્રામ ખાતે રૂબરૂ ગયો હતો, જ્યાં મેં મંગળવારે સવારે પહેલી ફ્લાઇટ અને સાંજે છેલ્લી ફ્લાઇટમાં પરત આવવા માટે ટિકિટ બુકિંગ માટે કહેતાં તેમણે ફ્લાઇટ બુકિંગ માટે શિડ્યૂલ છે કે નહીં એ ચેક કરવું પડશે, એમ કહીં રાહ જોવડાવી હતી. એક કલાક જેટલો ઊભા રહ્યા બાદ પૂછતાં તેમણે કહ્યું, આવતીકાલની ફ્લાઈટ તો બુક થઇ ગઇ છે. જેથી મેં કહ્યું, એક કલાકથી ઊભો છું તો તમે જાણ નથી કરી. તો તેઓ કહે છે કે પહેલાંથી જ ફ્લાઇટમાં બુકિંગ થઇ ગયું છે. આ બાબતથી સ્પષ્ટ છે કે સી-પ્લેનમાં ક્યારે કેવી રીતે ફ્લાઇટ બુકિંગ થાય છે અને શિડ્યૂલ છે કે નહીં એ નક્કી જ નથી.

પહેલી ફ્લાઇટનું ભાડું 1590, બીજી ફ્લાઈટનું ભાડું 2200થી વધુ
સી-પ્લેનમાં સવારે પહેલી ફ્લાઈટનું ભાડું રૂ. 1590 છે, જ્યારે બીજી ફ્લાઈટનું ભાડું રૂ. 2200થી વધુનું છે. જેથી પહેલી ફ્લાઈટમાં બુકિંગ માટે લોકો આવે છે અને તેમાં ઓછું ભાડું હોવાથી આજની પહેલી ફલાઇટ બુક થઇ ગઇ હતી. સી-પ્લેનમાં ફ્લાઈટના અનશિડ્યૂલ અને ઓનલાઇન બુકિંગના ધાંધિયાના કારણે લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા સી-પ્લેન સેવા શરૂ તો કરાવવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં એ સેવા મેળવવામાં લોકો હેરાનગતિ ભોગવે છે.

માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેનની પહેલી ઉડાન ભરી હતી
મોટી મોટી જાહેરાતો બાદ રવિવારે સી-પ્લેનની પહેલી કોમર્શિયલ ફ્લાઈટ હતી. જોકે પહેલી ઉડાનમાં 3 ક્રૂ-મેમ્બર્સ અને માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેને કેવડિયાની ઉડાન ભરી હતી. જ્યારે પેસેન્જર નહીં મળતાં બીજી ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. હાલ સ્પાઈસ જેટે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું નથી. ફક્ત બુકિંગ કરાવવા ઈચ્છતા લોકો પાસેથી રિક્વેસ્ટ મેળવવામાં આવે છે. આ રિક્વેસ્ટને આધારે પેસેન્જરને ફોન કરી ટિકિટ બુક કરાય છે. કેવડિયાથી પણ ફ્લાઈટ ખાલી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here