- 31 ઓક્ટોબર બાદ ફી ભરનાર વાલીઓને રાહત ન આપવાની જાહેરાત કરતા વાલીઓમાં રોષ
રાજ્ય સરકારે ફી મુદ્દે કરેલી જાહેરાત મુજબ વાલીઓને ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી હતી. પરંતુ શાળા સંચાલક મંડળે 31 ઓક્ટોબર સુધી ફી ભરનાર વાલીઓને 25 ટકા ફીમાં રાહત આપવામાં આવશે તેવું જાહેર કર્યુ હતું. જેથી 31 ઓક્ટોબર બાદ આજથી શાળા સંચાલક મંડળ દ્વારા ફી મુદ્દે 25 ટકા રાહત આપવામાં આવશે નહીં. જેથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે સરકારના પરિપત્ર મુજબ સ્કૂલ ફી ભરવાની છેલ્લી તારીખનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યારે આજે વાલીઓ દ્વારા DEO કચેરીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી. જ્યાં વાલીઓએ આરોપ લગાવ્યો છે કે સરકારની જાહેરાતમાં તારીખનો ઉલ્લેખ ન હોવા છતાં 31 ઓક્ટોબરે ફી ભરવા દબાણ કરવામાં આવે છે. જેથી દબાણ કરનાર સ્કૂલ સંચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સરકારના પરિપત્રમાં 31 ઓક્ટોબર છેલ્લી તારીખ હોવાનો કોઈ ઉલ્લેખ કરાયો નથીઃ વાલીઓ
વાલીઓનું કહેવું છે કે 31 ઓક્ટોબર છેલ્લી તારીખ છે તેવું ગેરકાયદેસર જાહેર કરીને શાળા સંચાલકો ફીની ઉઘરાણી કરી રહ્યાં છે. સરકારના પરિપત્ર વિરૂદ્ધનું વર્તન કરવા બદલ શિક્ષણાધિકારીએ શાળાના સંચાલકો વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. જો કે શિક્ષણ મંત્રીએ આવી કંઈ સ્પષ્ટતા કરી ન હોવા છતાં શાળા સંચાલક મંડળે પોતાની મનમાની કરીને આવો પત્ર બહાર પાડ્યો છે.
સ્વનર્ભિર શાળા સંચાલક મંડળનો પરિપત્ર
વાલીઓ ચોક્કસ કારણ સાથે લેખિતમાં રજુઆત કરી શકે છેઃ સંચાલકો
સ્કૂલ સંચાલકો મુજબ જો કોઈ વાલી 31 ઓક્ટોબર સુધીમાં ફી ન ભરી શકે તો ચોક્કસ કારણ સાથે લેખિતમાં રજુઆત કરશે તો રાહત આપવામાં આવશે. પરંતુ વાલીઓનું કહેવું છે કે સરકાર દ્વારા પરિપત્રમાં કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમ છતાં સ્કૂલ સંચાલકો તેની મનમાની કરી રહ્યાં છે. જે ચલાવી લેવામાં આવશે નહીં.