રાણાએ કહ્યું હતું કે ફ્રાન્સમાં મોહમ્મદ સાહેબનું કાર્ટૂન બનાવવાને કારણે ટીચર પર હુમલો થયો હતો.
ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપવાના મામલામાં શાયર મુનવ્વર રાણાની સામે FIR દાખલ કરવામાં આવી છે. લખનઉના હજરતગંજ કોતવાલીના સબ-ઇન્સ્પેક્ટર દીપક કુમાર પાંડેયે તેમની વિરુદ્ધ નફરત ફેલાવવાનો, શાંતિભંગ બદલ IT એક્ટમાં કેસ દાખલ કરાવ્યો છે.
રાણાએ ફ્રાન્સમાં 16 ઓક્ટોબરે થયેલા આતંકી હુમલાને યોગ્ય ઠેરાવતાં કહ્યું હતું કે હુમલો કરનારની જગ્યાએ હું હોત તોપણ આમ જ કરત. કોઈને એટલો મજબૂર ન કરો કે તે હત્યા કરવા માટે મજબૂર બને. મોહમ્મદ સાહેબનું કાર્ટૂન બનાવીને તેમને હત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. જો કોઈ ભગવાન રામનું વિવાદાસ્પદ કાર્ટૂન બનાવશે તો હું તેની પણ હત્યા કરીશ.
રાણાએ મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું
રાણાએ ફ્રાન્સમાં થયેલા હુમલાની નિંદા કરવા પર વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે આ રાફેલની જરૂરિયાત છે, જેને પગલે તેમણે આવું નિવેદન આપવું પડ્યું.
રાણાએ કહ્યું હતું કે મુસ્લિમોને ચીડવવા માટે ફ્રાન્સમાં વિવાદાસ્પદ કાર્ટૂન બનાવવામાં આવ્યું. વિશ્વમાં હજારો વર્ષોથી ઓનર કિલિંગ થાય છે, નીતિના મામલામાં શું થયું, પરંતુ ત્યારે કોઈને કઈ તકલીફ ન થઈ. કોઈને એટલા મજબૂર ન કરો કે તે હત્યા કરવા મજબૂર થઈ જાય.
ફ્રાન્સમાં શું થયું હતું ?
પેરિસની પાસે કોન્ફ્લાંસ સેન્ટ હોનોરિન વિસ્તારમાં એક શિક્ષકે ગત મહિને ક્લાસમાં પૈગમ્બર મોહમ્મદ સાહેબનું કાર્ટૂન બતાવ્યું હતું. એ પછી હુમલાખોરે 16 ઓક્ટોબરે શિક્ષકની હત્યા કરી દીધી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોને આ ઘટનાને ઈસ્લામી આતંકવાદનો કરાર આપ્યો હતો. હુમલાખોરનું પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત થયું હતું.