- કરારમાં 25 વર્ષ માટે ઉત્પન્ન કરેલી વીજળીના પ્રતિ યુનિટ રૂ. 3.22ને બદલે 2.44 અપાય છે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આશરે 30 હજાર જેટલા ગ્રાહકોએ ઉત્પન્ન કરેલી વીજળીની રકમ જમા મળે તો વીજબિલમાં રાહત થવાના ઉદ્દેશ્યથી સોલાર રૂફટોપ ફિટ કરાવ્યા, પરંતુ જ્યારે ગ્રાહકનો વીજકંપની સાથે કરાર થયો ત્યારે તેમાં 25 વર્ષ સુધી ઉત્પન્ન કરેલી વીજળીના પ્રતિ યુનિટ રૂ. 3.22 મળવાનું દર્શાવ્યું છે પરંતુ હાલ દરેક ગ્રાહકને પ્રતિ યુનિટ માત્ર રૂ. 2.44 વળતર મળી રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રના 30 હજાર ગ્રાહકને મહિને આશરે 56 લાખનું નુકસાન થઇ રહ્યું છે. પીજીવીસીએલની કચેરીએ આ મામલે અંદાજિત 500થી વધુ ફરિયાદો પણ થઇ છે.
આ અંગે જ્યારે ‘દિવ્ય ભાસ્કરે’ ગ્રાહકો સાથે ખોટું થયાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો ત્યારે વીજકંપનીના અધિકારીઓએ જવાબદારી ખંખેરી નાખતા આ તમામ નીતિ-નિયમો GERC (ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન) નક્કી કરતું હોવાનું જણાવ્યું હતું. વીજ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોલાર રૂફટોપમાં ગ્રાહકોને પ્રતિ યુનિટ કેટલા પૈસા જમા આપવા તે જર્ક નક્કી કરતું હોય છે. જે-તે સમયે કરાર થયો ત્યારે એટલા પૈસા નક્કી થયા હોય અને બાદમાં નિયમ બદલાય. એટલે હાલ છેલ્લી માહિતી પ્રમાણે સોલાર રૂફટોપના ગ્રાહકોને રૂ. 2.44 લેખે વળતર ચૂકવાય છે. બે વર્ષમાં વીજકંપનીએ ગ્રાહકને જાણ કર્યા વિના જ પ્રતિ યુનિટ ઓછા રૂપિયા જમા આપવા લાગતા ગ્રાહકે ફરિયાદ કરતા અધિકારીઓએ સોલારનો ભાવ ઉપરથી નક્કી થાય એમ લઈએ કહી રવાના કરી દીધા હતા.