નવજાતને ડોક્ટરે મૃત જાહેર કર્યું, સ્મશાનમાં ખાડો ખોદાતો હતો ત્યારે જ શિશુએ શ્વાસ લીધા, ફરી દાખલ કરાયું, 14 કલાકની સારવાર બાદ મૃત્યુ

0
103
  • રાજકોટની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબની ઘોર લાપરવાહી
  • સામાન્ય તપાસ કરીને કહી દીધું કે, બાળક મૃત્યુ પામ્યું છે
  • જીવિત બાળકને 14 કલાક પહેલા મૃત જાહેર કરનાર મહિલા ડોક્ટર સામે તપાસના આદેશ
  • ભૂલ ક્યાં અને કેવી રીતે થઈ તેની રજેરજની વિગતો મેળવાશે

રાજકોટમાં રવિવારે જન્મની થોડી જ મિનિટોમાં નવજાત બાળકને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટરે મૃતજાહેર કર્યું હતું, પરિવારજનો બાળકના મૃતદેહને લઇને સ્મશાને પહોંચ્યા હતા, મૃતદેહને દફનાવવા માટે અડધો ખાડો ખોદાયો હતો ત્યાં જ બાળકે શ્વાસ લીધો હતો, બાળકના ધબકારા શરૂ થતાં જ સ્મશાને હાજર તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને તાકીદે બાળકને ફરીથી હોસ્પિટલે લઇ જવાયો હતો, મૃત જાહેર કરાયા બાદ એ બાળક 14 કલાક જીવ્યું હતું અને અંતે અંતિમ શ્વાસ લીધા હતા. જીવિત બાળકને 14 કલાક પૂર્વે મૃત જાહેર કરનાર મહિલા ડોક્ટર સામે તપાસના આદેશ કરાયા હતા.

કોડીનારમાં રહેતા પોલીસમેન પરેશભાઇ ડોડિયાના પત્ની મીતલબેનને પ્રસૂતિની પીડા ઉપડતાં તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે એકાદ વાગ્યે મીતલબેને પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો. અધૂરા માસે ટ્વિન્સની પ્રસૂતિ થઇ હોવાથી બંને બાળકોનું વજન ઓછું હતું, બાળકી અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી બંનેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડી મિનિટોની સારવાર બાદ ફરજ પરના મહિલા તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. પુત્રને મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.

નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે ડોડિયા પરિવારના બે સભ્ય હોસ્પિટલમાં રિક્ષા રાખીને બેસતા અનવરભાઇની રિક્ષામાં એંસી ફૂટ રોડ પર આવેલા સ્મશાને ગયા હતા. નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો, અડધો ખાડો ખોદાયો હતો અને બાળકને દફનાવવાની તૈયારી ચાલી રહી હતી તે વખતે જ બાળકે શ્વાસ લીધા હતા, બાળકે હાથપગ હલાવતાં જ પરિવારના સભ્યો, રિક્ષાચાલક અને સ્મશાને હાજર લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા, પળનો પણ વિલંબ કર્યા વગર રિક્ષાચાલક અનવરભાઇ નવજાત બાળકને લઇને ફરીથી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલે પહોંચ્યા હતા અને બાળકને એનઆઇસીયુમાં દાખલ કરાવ્યું હતું.

બાળકની સારવાર ચાલુ હતી, સ્મશાનેથી બાળક જીવિત આવતા ડોડિયા પરિવારે આને કુદરતનો કરિશ્મા ગણાવ્યો હતો અને ફરીથી તમામ લોકોની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા, પરંતુ આ ખુશી પણ લાંબો સમય ટકી નહોતી, સોમવારે બપોરે 3 વાગ્યે બાળકને ફરીથી મૃત જાહેર કરવામાં આવ્યું હતું અને તેની દફનવિધિ કરવામાં આવી હતી. આ ઘટનામાં બેદરકારી દાખવનાર મહિલા તબીબ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મારી 23 વર્ષની કારકિર્દીમાં આવી પહેલી ઘટના છે, ડો.બૂચ
કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડો.બૂચે જણાવ્યું હતું કે, બાળકનો જન્મ અધૂરા માસે થયો હતો, તેનું વજન 540 ગ્રામ હતું, આ સંજોગોમાં આવા બાળકના જીવિત રહેવાની સંભાવના નહીંવત હોય છે, આ બાળકનું હાર્ટબંધ થઇ ગયું હતું, અંદરના ધબકારા ચાલુ હશે જે સ્ટેથોસ્કોપથી જાણી શકાય તેમ નહોતા, એડલ્ટ વ્યક્તિના મૃત્યુના કેસમાં સ્ટેથોસ્કોપથી તપાસ કરી મૃત્યુની જાણ થઇ જાય તો પણ તે વ્યક્તિનું ઇસીજી કરી મૃત્યુનું સ્પષ્ટ કરી શકાય છે, પરંતુ નવજાત બાળકોમાં આવું શક્ય હોતું નથી. બાળકને હોસ્પિટલમાં લઇ અવાયું ત્યારે તેના ધબકારા જોવા નહીં મળતાં ફરજ પરના ડોક્ટરે હાર્ટ ચાલુ કરવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ હાર્ટબીટ સ્પષ્ટ નહીં મળતા તેને મૃત જાહેર કરાયું હતું, મારી 23 વર્ષની કારકિર્દીમાં આવી પ્રથમ ઘટના જોવા મળી હતી.

ઘટનાક્રમ

  • રવિવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં બાળકનો ખાનગી હોસ્પિટલમાં જન્મ થયો
  • રાત્રે 12.29 વાગ્યે બાળકને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઇ જવાયું.
  • રાત્રે 1.29 વાગ્યે મહિલા તબીબે બાળકને મૃત જાહેર કર્યું.
  • રાત્રે 2 વાગ્યે બાળકને સ્મશાને લઇ જવાયું.
  • ખાડો ખોદાતો હતો ત્યારે બાળકે શ્વાસ લેતા તેને ફરીથી સ્મશાનેથી હોસ્પિટલે લઇ જવાયું.
  • રાત્રે 3.31 વાગ્યે બાળકને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું.
  • સોમવારે બપોરે 3 વાગ્યે બાળકને મૃતજાહેર કરવામાં આવ્યું અને તેની દફનવિધિ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here