રેપિડ ટેસ્ટ આવ્યા બાદ આંકડા છુપાવવા સરળ બન્યા કારણ કે, તેમાં પુરાવાનો નાશ કરી શકાય

0
87
  • આંકડા છુપાવવાના કૌભાંડમાં લોકોને ખોટી માહિતી આપતી આખી સિસ્ટમનો ભાસ્કરે પર્દાફાશ કર્યો
  • પોઝિટિવ આવે તો કિટનો ફોટો પાડીને રાખવાનો હોય છે, નેગેટિવ આવે તો ફક્ત કાગળ પર જ લખવાનું

આંકડા છુપાવવા માટે તંત્ર કેવા કેવા કાવાદાવા કરે છે તેનો પર્દાફાશ ભાસ્કર કર્યો છે પણ આવા કાવાદાવાની શરૂઆતનું પરિબળ અને ક્યાંથી શરૂઆત થઈ તેની પણ તપાસ કરાઇ છે. આ બધા આંકડાઓ છુપાવવામાં સૌથી મોટું પરિબળ રેપિડ એન્ટિજન ટેસ્ટ છે.

કોઇ શંકાસ્પદના સેમ્પલ લેબ ટેસ્ટ માટે જાય ત્યારે ત્યાં માઈક્રોબાયોલોજિસ્ટ જેવા નિષ્ણાત તબીબ હોય છે અને તેમની આખી ટીમ અત્યાધુનિક મશીન મારફત સેમ્પલ ચેક કરીને રિપોર્ટ આપે છે અને તે રિપોર્ટ પાછળ સેમ્પલ લેનારા, પેક કરનારા, મશીનમાં મૂકનારા, મશીન ઓપરેટ કરનારા તેમજ નક્કી કરનારા સહિતના તબીબો અને ટેક્નિશિયન જવાબદાર હોય છે અને તેમાં સહી પણ તેમની આવે છે. બીજી તરફ રેપિડ ટેસ્ટમાં તાલીમ લીધેલા આરોગ્ય કર્મી સેમ્પલ લે છે અને તે કિટ પર મૂકી દે છે જો રિપોર્ટ પોઝિટિવ આવે તો કિટનો ફોટો પાડી સેમ્પલ નંબર નાખી વિગત લેવાની હોય છે. જો નેગેટિવ હોય તો કિટને ફેંકી દેવાની અને કાગળ પર નેગેટિવ લખી દેવાનું.

લેબ ટેસ્ટમાં એક કરતા વધુ નિષ્ણાત જોડાયેલા હોય છે તેથી તેઓ તબીબી રીતે યોગ્ય જ રિપોર્ટ આપે અને તેના પુરાવા પણ આપે છે તેથી ત્યાં રિપોર્ટ બદલાતા નથી. બીજી તરફ રેપિડ ટેસ્ટમાં કોઇપણ એક વ્યક્તિ હોય તો પણ તે નક્કી કરી શકે છે. આ કારણે જ જ્યારે કોઇ કેસ પોઝિટિવ હોય તો તેમની કિટ ફેંકીને નેગેટિવ બતાવી દેવાય તો કોઇને ખબર પડતી નથી કારણ કે, નેગેટિવ ટેસ્ટ છે તેનો ફોટો પાડી મોકલવાનો હોતો નથી પુરાવાનો સરળતાથી નાશ કરી શકાય છે. આ કારણે જે તે જવાબદાર વ્યક્તિ ઉપરથી આવતી સૂચના મુજબ પોઝિટિવના કે નેગેટિવના રિપોર્ટ લખી શકે છે. દર્દી પોઝિટિવ હોય અને તેને નેગેટિવ કહીને અલગ લિસ્ટ બની જાય છે પણ જ્યારે આંકડા બતાવવાની વાત આવે ત્યારે ઉલ્લેખ કરાતો નથી. આ કારણે જ રેપિડ ટેસ્ટ આવ્યા બાદ આંકડા છુપાવવાનું ખૂબ જ સરળ બન્યું છે.

નેગેટિવ એન્ટ્રી કરવી ફરજિયાત હોવાથી કૌભાંડ ખુલ્યું
રેપિડ ટેસ્ટ કિટ જેટલી પણ આવે છે તેમાં તંત્રે પોઝિટિવ કેટલા આવ્યા અને નેગેટિવ કેટલા આવ્યા તે કહીને સ્ટોકપત્રક નિભાવવાનું હોય છે. રાજકોટ મહાનગરપાલિકા અને જામનગર આરોગ્ય વિભાગમાં પોઝિટિવ દર્દીઓની કોઇ એન્ટ્રી જ થતી ન હતી તેથી તેટલા ટેસ્ટ ચોપડે ન ચડતા વપરાયેલી ટેસ્ટ કિટનો તફાવત બહાર આવ્યો હતો. સ્ટોક પત્રકમાં આ તફાવત ઓડિટમાં દેખાય તો ઉચાપતનો રિપોર્ટ આવે તેથી જે લોકો પોઝિટિવ હતા તેમનું લિસ્ટ બહાર કાઢી તેમના સેમ્પલ આઇડી મુજબ ધીરે ધીરે નેગેટિવ તરીકે નોંધ કરવાની શરૂ કરાઈ હતી. જે ભાસ્કર પાસે પુરાવા આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here