સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવું થશે સરળ, ડિસેમ્બરમાં શરુ થઈ જશે SOU સુધીની ટ્રેન, જાણો વિગતો

0
72

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ડિસેમ્બર 2020થી સરળ થઈ જશે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાને બહુ જલ્દીથી ભારતીય રેલ્વેના નકશામાં શામેલ કરવામાં આવશે. કેવડિયા રેલ લિંક શરૂ થતાં લોકો અહીં ટ્રેનો દ્વારા પહોંચી શકશે. હાલ આ સ્થળે પહોંચવા માટે મુસાફરોએ વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશનો પર ઉતરી અને ત્યાંથી અન્ય માધ્યમોનો ઉપયોગ કરવો પડે છે.

તેવામાં રેલ્વે વિભાગે જાહેરાત કરી છે કે, ગુજરાતના ડભોઇથી કેવડિયા સુધીની રેલ્વે લાઇન ડિસેમ્બર 2020 થી શરૂ કરવામાં આવી રહી છે. ડભોઇથી ચાંદોદમાં 18 કિલોમીટર લાંબી ટ્રેક ગેજ બદલવામાં આવી છે, જ્યારે ચાંદોદથી કેવડિયા વચ્ચે 32 કિલોમીટર લાંબી નવી રેલ્વે લાઈન નાખવામાં આવી રહી છે. આ દ્વારા લોકો પેસેન્જર ટ્રેન અથવા એક્સપ્રેસ ટ્રેનથી સીધા કેવડિયા પહોંચશે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ વી.કે. યાદવે કહ્યું કે આ રેલ્વે લાઇન શરૂ થતાંની સાથે જ ટ્રેનોની અવરજવર શરૂ થશે.

 કેવડિયા રેલ લિંક માટે જમીન સંપાદન 100 ટકા પૂર્ણ થયું છે. ડભોઇથી ચાંદોદ વચ્ચે ટ્રેકનું કામ પૂર્ણ થયું છે. ચાંદોદ અને કેવડિયા વચ્ચેનો ટ્રેકનું કામ 15 નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત ડભોઇથી ચાંદોદ વચ્ચે 3 મોટા અને 16 નાના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે જ ચાંદોદ અને કેવડિયા વચ્ચેના 4 મોટા અને 47 નાના પુલોમાંથી 1 મોટા અને 22 નાના પુલોનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here