પૂરતા પેસેન્જર ન મળતાં ‘તેજસ’ માર્ચ સુધી દર મંગળવારે નહીં દોડે

0
89
  • અમદાવાદ-મુંબઈની ટ્રેનમાં મંગળવારે સૌથી ઓછું બુકિંગ હોય છે
  • કોરોના ગાઈડલાઈનને કારણે હાલ 50 ટકા પેસેન્જર જ ભરાય છે

કોરોના મહામારી દરમિયાન અમદાવાદ – મુંબઈ વચ્ચે શરૂ કરાયેલી તેજસ એક્સપ્રેસને પૂરતા પેસેન્જર ન મળતા હોવાથી રેલવેએ સમીક્ષા બાદ માર્ચ 2021 સુધી દર મંગળવારે ટ્રેનનું સંચાલન રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેજસ માટે દર મંગળવારે સૌથી ઓછું બુકિંગ મળતું હતું.

હવે આ ટ્રેન ગુરુવાર અને મંગળવાર સિવાય સપ્તાહમાં 5 દિવસ દોડશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે, રેલવેના નિર્ણય મુજબ હવે અમદાવાદ – મુંબઇ તેજસ એક્સપ્રેસ 3 અને 24 નવેમ્બર, 1, 8 અને 15 ડિસેમ્બર, 19 અને 26 જાન્યુઆરી, 2, 9, 16 અને 23 ફેબ્રુઆરી અને 2, 9, 16, 23 અને 30 માર્ચના રોજ રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં તેજસ એક્સપ્રેસ કોરોના ગાઈડલાઈન મુજબ 50 ટકા પેસેન્જરો સાથે દોડાવવામાં આવી રહી છે. તેમાં પણ પૂરતા પેસેન્જરો ન મળતા રેલવે દ્વારા મંગળવારે ટ્રેનનું સંચાલન રદ કરવામાં આવ્યું છે.

માસ્ક, ફેસ શિલ્ડ, ગ્લોવ્ઝ, સેનિટાઈઝર ફ્રી આપવા છતાં માંડ 200 પેસેન્જર મળે છે
કોરોના મહામારી શરૂ થયા બાદ રેલવે દ્વારા ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવાયું હતું. જોકે અનલોક બાદ કેટલાક રૂટ પર વિશેષ ટ્રેનો શરૂ કરાઇ. ત્યારે અમદાવાદ મુંબઇ તેજસ એક્સપ્રેસ પહેલી રેગ્યુલર ટ્રેન 50 ટકા ફ્રિકવાન્સી સાથે શરૂ કરાઇ હતી. જેમાં કોરોના ગાઈડ લાઈન મુજબ પેસેન્જરોને સેનેટાઈઝર, માસ્ક, ફેસ શિલ્ડ અને હેન્ડ ગ્લોવ્ઝ ફ્રી આપવામાં આવે છે. પરંતુ હાલમાં તેજસ એક્સપ્રેસને રોજના સરેરાશ 180થી 220 જેટલા પેસેન્જરો જ મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here