(1) આઠ પોલીસકર્મીઓને વિકાસે મોતને ઘાટ ઉતાર્યા
કાનપુર: ઉત્તરપ્રદેશના ઈતિહાસમાં પહેલીવાર ડીએસપી કક્ષાના અધિકારી સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે આજે પોલીસના હાથે માર્યો ગયો છે. યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સનો કાફલો વિકાસને ઉજ્જૈનથી લઇ કાનપુર આવી રહ્યો હતો ત્યારે જ આ ઘટના બની. ધોધમાર વરસાદ વચ્ચે કાફલો કાનપુર પહોંચીગ ગયો હતો, અને ત્યાં જ વિકાસ જે ગાડીમાં હતો તે ગાડી બર્રાની નામના એક વિસ્તાર નજીક અચાનક રસ્તામાં પલ્ટી ગઈ.
(2) એન્કાઉન્ટરની પોલીસની થિયરી
પોલીસનો દાવો છે કે, આ અકસ્માતમાં વિકાસ દુબે અને ચાર પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી. તક મળતા જ ઘાયલ પોલીસકર્મીની રિવોલ્વર ઝૂંટવી વિકાસ ભાગવા લાગ્યો. પોલીસે વિકાસને સરેન્ડર કરવા કહ્યું, પરંતુ તેણે ફાયરિંગ શરુ કરી દીધું. ત્યારબાદ સામસામો ગોળીબાર થયો, અને વિકાસને પણ ગોળીઓ વાગી. પોલીસ તેને હોસ્પિટલ લઈને પહોંચી જ્યાં તેને મૃત જાહેર કરાયો.
(3) પોલીસે હાથકડી કેમ નહોતી પહેરાવી?
જોકે, આટલા મોટા ગેંગસ્ટરને પોલીસે હાથકડી કેમ નહોતી પહેરાવી તેના પર પણ સવાલ ઉઠી રહ્યો છે. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે વિકાસના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ વિકાસના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે ગાડી પલ્ટી કે પછી પલ્ટાવવામાં આવી?
(4) મહાલય જેવા મકાનમાં રહેતો હતો વિકાસ
કાનપુર શહેર નજીકના બિકરુ ગામે મહાલય જેવા મકાનમાં રહેતા વિકાસને પકડવા માટે ગયા અઠવાડીયે પોલીસની ટીમ રાતના સમયે પહોંચી હતી. પોલીસ પોતાને પકડવા આવી રહી છે તેની અગાઉથી જ વિકાસને માહિતી મળી ગઈ હતી. તેણે અને તેના સાગરિતોએ પોલીસની ટીમો પર એકે-47 જેવા હથિયારોથી અંધાધૂંધ ફાયરિંગ કરી આઠ પોલીસકર્મીઓની હત્યા કરી હતી.
(5) પોલીસથી એક ડગલું આગળ રહ્યો વિકાસ
વિકાસ દુબે પકડાયો તેના લગભગ 150 કલાક સુધી પોલીસને હાથતાળી આપતો રહ્યો. આખા યુપીમાં તેની શોધખોળ ચાલી રહી તો તે ત્યાંથી નાસીને દિલ્હી પહોંચી ગયો હતો. પોલીસ તેની પાછળ દિલ્હી પહોંચી તો વિકાસ ફરિદાબાદ ભેગો થઈ ગયો, ત્યાંની એક હોટલમાં રોકાયો. સીસીટીવી ફૂટેજમાં તસવીરો પણ આવી. પોલીસ વિકાસ પાછળ દોડતી રહી, પરંતુ જાણે તેને પોલીસ મુવમેન્ટની ઇન્ફોર્મેશન સતત મળી રહી હોય તેમ તે હંમેશા એક પગલું આગળ જ રહ્યો.
(6) ઉજ્જૈનમાંથી ધરપકડ પર પણ અનેક સવાલ
આખરે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પોલીસ અને વિકાસ વચ્ચે ચાલી રહેલી દોડ પકડનો અંત આવ્યો. ઉજ્જૈનના મહાકાલ મંદિરથી વિકાસની ધરપકડ કરાઇ તે પણ કંઇ ઓછી રસપ્રદ નહોતી. પોલીસ એવા દાવા કરે છે કે વિકાસ માસ્ક પહેરીને દર્શન કરવા પહોંચ્યો હતો, પરંતુ સિક્યોરિટી ગાર્ડને શંકા જતાં તેને અટકાવ્યો હતો. વિકાસે તે વખતે પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે આપી, પરંતુ વધુ પૂછપરછ કરતાં તેનો ભાંડો ફુટી ગયો, અને આખરે તે પોલીસના હાથમાં આવી ગયો.
(7) અનેક રહસ્યો સાથે જ મોતને ભેટ્યો વિકાસ
જોકે, આટલો મોટો ગેંગસ્ટર આ રીતે સાવ એકલો જ ફરતો હોય અને વર્ષોથી પોલીસને હંફાવનારો વિકાસ આટલી સરળતાથી પોલીસના હાથમાં આવી જાય તે વાત ઘણા લોકો માનવા તૈયાર નથી. વિકાસ જે સ્થિતિમાં પકડાયો તેના પર પણ દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવ્યા હતા, અને વિકાસની સુરક્ષા સુનિશ્ચિત કરી તેના કોની સાથે સંપર્ક છે તે અંગે તપાસ કરવા માગ કરી હતી. જોકે વિકાસ આ રહસ્યો ઉજાગર કરે તે પહેલા જ તેનો ખેલ ખતમ કરી દેવાયો છે.