લૉકડાઉનમાં કોર્ટો બંધ હોવા છતાં 930 મહિલા, 1846 પુરુષ સહિત 2776એ વકીલાત માટેની સનદ મેળવી

0
107
  • 1961માં બાર કાઉન્સિલની સ્થાપના થઈ ત્યારે રાજ્યમાં 9 મહિલા સહિત 1182 વકીલ હતા

કોરોના વાઈરસને કારણે છેલ્લાં 8 મહિનાથી રાજ્યની તમામ કોર્ટ બંધ છે અને વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કોર્ટ બંધ હોવાથી વકીલો માનસિક રીતે નર્વસ થઈ ગયા હોવાનું સિનિયર ધારાશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. ત્યારે એવા સમયે વકીલાતનો અભ્યાસ કર્યા બાદ 1 જાન્યુઆરી 2020થી 31 ઓક્ટોબરના 10 મહિનામાં 930 મહિલા અને 1846 પુરૂષ મળી કુલ 2776 જણાએ વકીલાતની પ્રેક્ટિસ કરવા બાર કાઉન્સિલમાંથી સનદ (લાઈસન્સ) મેળવી છે.

વર્ષ 1960માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ બન્યાને એક વર્ષમાં એટલે કે, 1961માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે રાજ્યમાં માત્ર 9 મહિલા વકીલ અને 1173 પુરૂષ મળી કુલ 1182 લોકો વકીલાત કરતાં હતાં. બાર કાઉન્સિલમાં 59 વર્ષના ઈતિહાસમાં અત્યારે રાજ્યમાં 84579 ધારાશાસ્ત્રી છે. 1961માં માત્ર 9 મહિલા વકીલાત કરતી હતી. જેમાં 59 વર્ષમાં આ આંકડો 24490 સુધી પહોંચ્યો છે.

સૌથી વધુ વકીલો વર્ષ 2019માં બન્યા હતા. એ વર્ષે 5105 લોકોએ વકીલાત કરવા સનદ લીધી હતી. એ જ રીતે વર્ષ 2018માં 4877 લોકો વકીલાતના વ્યવસાયમાં જોડાયા હતા. વર્ષ 1999માં 930 મહિલા સહિત 4910 લોકો વકીલ બન્યા હતા.

2020માં 1 લાખમાંથી 15978 વકીલે સનદ પાછી આપી દીધી
વર્ષ 2020 માં રાજ્યમાં કુલ 100559 વકીલો હતા. પરંતુ 15978 વકીલોએ તેમની સનદ જમા કરાવી દીધી છે. જેમની સનદ બાર કાઉન્સિલમાં જમા થઈ છે. એમા જે વકીલોના મૃત્યુ થયા હોય તેમની સનદ, અન્ય નોકરી કે ધંધો કરતા હોય, વિદેશ જતા રહ્યા હોય તેમજ જે લોકોને વકીલાત ના કરવી હોય એવા લોકોએ તેમની સનદ જમા કરાવી છે.

વકીલ મૃત્યુ પામે તો વેલ્ફેર ફંડ યોજના હેઠળ હાલ 3.50 લાખની સહાય મળે છે
1992માં ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટનો અમલ શરૂ થયો હતો. ત્યારે વકીલના મૃત્યુ બાદ તેમના વારસદારોને રૂ.15 હજાર ચૂકવવામાં આવતા હતા. વર્તમાન સમયમાં આ રકમ વધારીને મૃત્યુ પામેલા વકીલોના વારસદારોને રૂ.3.50 લાખ આપવામાં આવે છે. બાર કાઉન્સિલની વેલ્ફેર ફંડની સ્કીમમાં 85579 વકીલો પૈકી 43 હજાર વકીલ આ સ્કીમમાં સભ્ય છે. વર્ષ 2003 પછી વેલ્ફેર ફંડની સ્કીમમાં સભ્ય હોય કે ન હોય પરંતુ તમામ વકીલોએ વેલ્ફેર ફંડની ટિકિટ લગાવવી ફરજીયાત કરાઈ છે.

યુવાપેઢી વકીલાત તરફ વળી છે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સિનિયર સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, વકીલાતનો વ્યવસાય ગૌરવવંતો છે. સમાજમાં નબળા વર્ગના તેમજ કાનૂની હક્કોથી વંચિત રહેતા લોકોની સેવા કરવાનું છે. છેલ્લા ઘણા વર્ષોથી કોર્પોરેટ હાઉસ, ફાયનાન્સ કંપની તેમજ સંખ્યાબંધ ખાનગી ક્ષેત્રોમાં વકીલોની માંગ વધી રહી છે. આથી યુવાધન વકીલાતના વ્યવસાયમાં જોડાઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here