‘બેટર હાફ’ના સેટ પર આશિષ સાથે હું બહુ જ ઝઘડતી’: નેહા મહેતા; ‘વિટામિન શી’ના ડિરેક્ટર ફૈસલે કહ્યું- ‘ફિલ્મમાં માજીનો સંવાદ આશિષભાઈએ ડબ કર્યો હતો’

0
115

જાણીતા ગુજરાતી ફિલ્મમેકર, અભિનેતા, વોઈસ આર્ટિસ્ટ આશિષ કક્કડનું 2 નવેમ્બરના રોજ કોલકાતા ખાતે ઊંઘમાં જ માસિવ હાર્ટ અટેકથી અવસાન થયું હતું. આશિષ કક્કડે પોતાની ‘બેટર હાફ’ (2010) ફિલ્મથી ગુજરાતી સિનેમામાં નવો પ્રાણ ફૂંક્યો હતો. ત્યારબાદ તેમણે 2016માં ‘મિશન મમ્મી’ નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આશિષ કક્કડ પોતાની હાસ્યવૃતિ તથા મોજીલા સ્વભાવને કારણે જાણીતા હતા. દિવ્ય ભાસ્કરે ગુજરાતી સિનેમાના જાણીતા લોકો સાથે વાત કરીને આશિષ કક્કડ સાથેની તેમની યાદોને વાગોળી હતી.

નેહા મહેતાએ કહ્યું, ‘મિત્ર નહીં મારા માટે પરિવાર’
એક્ટ્રેસ નેહા મહેતાએ કહ્યું હતું, ‘આશિષ કક્કડ મારા માટે મિત્ર નહીં પરંતુ તે મારો પરિવાર હતો. હું મુંબઈમાં સંઘર્ષ કરતી હતી ત્યારથી આશિષભાઈ તથા તોમાલીભાભીને ઓળખું છું. મુંબઈમાં હું થિયેટર કરતી હતી ત્યારે મારા દસેક મિત્રો હતા, તેમાંથી એક આશિષભાઈ હતા. ગુજરાતી ઈન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો આશિષભાઈ સાથે જોડાયેલા હતા. ‘પ્રેમ એક પૂજા’માં મેં પહેલી જ વાર આશિષ કક્કડ સાથે કામ કર્યું. આ ફિલ્મમાં તે આસિસ્ટન્ટ તરીકે જોડાયા હતા. ત્યારબાદ અમે ‘જન્મોજન્મ’માં કામ કર્યું હતું. દૂરદર્શનની સિરિયલ ‘પાવક જ્વાળા’માં સાથે કામ કર્યું હતું. પછી અમે ‘બેટર હાફ’માં સાથે કામ કર્યું હતું.’

આશિષભાઈ સાથે બહુ જ ઝઘડતી હતી
નેહા મહેતાએ આગળ કહ્યું હતું, ‘તે જે રીતે કરિયર પાછળ ભાગતા હતા તે જોઈને હું તેમની સાથે બહુ જ ઝઘડતી હતી. તમે ખાવામાં પણ પૂરતું ધ્યાન આપતા નથી. આ સમયે તે હંમેશાં કહેતા ‘બેટા એમાં એવું છે ને નેહા કે દેખાશે બધું જ આમાંથી જ વીણીને જે મહેલ બનાવે તેને ડિરેક્ટર કહેવાય, સત્યજીત રેને બધા એમને એમ થોડી બન્યા છે. દુઃખ સહન કરીને પોતાની પેશન પૂરી કરે છે. એ સ્વાદ ચાખવાની મજા જ અલગ છે.’

'બેટર હાફ'ના સેટ પર આશિષ કક્કડ, નેહા મહેતા તથા અન્ય

‘બેટર હાફ’ના સેટ પર આશિષ કક્કડ, નેહા મહેતા તથા અન્ય

‘બેટર હાફ’ના સેટ પર ઝઘડો થયો હતો
નેહાએ વધુમાં કહ્યું હતું, ‘ફિલ્મના સેટ પર મારી તથા આશિષ વચ્ચે એક સીન અંગે જોરદાર ઝઘડો હતો. તેમના કહ્યા મુજબ હું સીન ભજવવા તૈયાર નહોતી. તેમણે મને એવું કહ્યું હતું કે જો નેહા તું ઘણી જ સારી એક્ટ્રેસ છે પરંતુ આ મારું વિઝન છે. મારું વિઝન તારામાં આવવા દે. પછી હું ડિરેક્ટર્સના વિઝનને સમજી હતી અને તેમના કહ્યાં પ્રમાણે સીન ભજવ્યો હતો. આ સીન બાદ આશિષભાઈની આંખ ભીની થઈ ગઈ હતી.

ગુજરાતી સિનેમાના અમિતાભ બચ્ચન કહેતી
નેહાએ વાત કરતાં કહ્યું હતું, ‘આશિષભાઈને હસવું બહુ જ ગમતું હતું. હું તેમને ગુજરાતી અમિતાભ બચ્ચન કહેતી. તેમનો અવાજ બહુ જ સુંદર છે. અમદાવાદમાં વોઈસ ઓવર રિલેટેડ કંઈ પણ મહત્ત્વની વાત બની હોય તો તેમાં તમને અચૂકપણે આશિષભાઈનો અવાજ સાંભળવા મળે.

મહિના પહેલા વાત થઈ હતી
નેહાએ કહ્યું હતું, ‘મહિના પહેલા જ તેમની સાથે વાત થઈ હતી અને તેમણે કહ્યું હતું કે હવે આગળ શું? તો મેં તેમને કહ્યું હતું કે બીજી ફિલ્મ પ્લાન કરીએ. તો તેમણે એવું કહ્યું હતું કે આવી જજે અમદાવાદ. તું ફાઈનાન્સર શોધી લાવજે. આ પ્લાન અમારો અધૂરો રહી ગયો. એમની પાસે સારા એવા કામના પ્લાનિંગ હતા. તે હંમેશાં કહેતા કે ‘સારા બનો નહીંતર રહી જશો.’ IIM સામેની કિટલીમાં બેસીને તે કલાકો સુધી ચર્ચા કરતા હતા. ગુજરાત કોલેજ આગળના મને દાળવડા ખવડાવ્યા હતા. તેઓ ક્યારેય કોઈની ફરિયાદ કરતા નહોતા.’

મયુર ચૌહાણે કહ્યું, ‘હંમેશાં પ્રોત્સાહન આપતા’
ગુજરાતી એક્ટર મયુર ચૌહાણે કહ્યું હતું, ‘હું એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો ત્યારે ઈન્ડસ્ટ્રીના હોય તેવા કોઈ વ્યક્તિને મળ્યો હોઉં તેમાંથી એક આશિષ કક્કડ હતા. મેં એમને કહ્યું હતું કે મારે આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું છે. તેમણે મને બહુ જ સારી રીતે ટ્રીટ કર્યો હતો અને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે મને એવું કહ્યું હતું કે તું આ વ્યક્તિને જઈને મળી આવ. તે તને હેલ્પ કરશે. ત્યારથી મારે આશિષભાઈ સાથે પરિચય થયો હતો. પછી ફંક્શન કે નાટકમાં અમે મળતા. પછી અમે ‘મોગલી બલ્લુ, ટનાક ટુંમ ટુંમ’માં સાથે કામ કર્યું હતું. આશિષભાઈ બહુ જ હકારાત્મક વ્યક્તિ હતા. તેઓ સતત જોક મારતા રહે. તે નવું-નવું એક્સપ્લોર કરતા રહે. તેઓ કોઈ પણ મુદ્દા પર ચર્ચા-દલીલો કરતા રહે.’

'મોગલી બલ્લુ, ટનાક ટુંમ ટુંમ'ના નાટક દરમિયાન આશિષ કક્કડ તથા અર્ચન ત્રિવેદી

‘મોગલી બલ્લુ, ટનાક ટુંમ ટુંમ’ના નાટક દરમિયાન આશિષ કક્કડ તથા અર્ચન ત્રિવેદી

‘તું સારું જ કરે છે’
વધુમાં મયુર ચૌહાણે કહ્યું હતું, ‘નાટકના શો પહેલાં જો હું નર્વસ હોઉં તો તે એમ કહેતા કે તું મસ્ત જ કરે છે. નાટક દરમિયાન હું એમને પૂછું કે કેવું જાય છે? તો એમ જ કહેતા કે તું બહુ મસ્ત કરે છે. બેક સ્ટેજની વાત કરીએ તો આ નાટકમાં આમ તો બાળકો માટેનું જ હતું. આથી અમે બાળક જેવું જ વર્તન કરતાં. બેક સ્ટેજમાં હોઈએ ત્યારે નાટક જોવા બેઠેલાં બાળકો અંગે કહેતા કે આ જો કેવો લાગે છે? અમે ઓડિયન્સને ઓબ્ઝર્વ કરતા. તેઓ ઓડિયન્સને જોઈને અમને કહેતા પણ ખરા કે આ પ્રકારની ઓડિયન્સ છે તો આ રીતનું કરી શકાશે. હંમેશાં સલાહ આપતા. બાળકો સાથે એમનું ટ્યૂનિંગ ઘણું જ સારું હતું. રિહર્સલમાં તેઓ સાયકલ લઈને આવતા અને મેં સાયકલ ચલાવી હતી. એ દરેક વ્યક્તિને સમાનતાથી ટ્રીટ કરતા હતા. તેઓ જમવાની તથા કુકિંગ અંગેની પુષ્કળ વાતો કરતા હતા. એકવાર એમના ઘરે ગયો હતો ત્યારે તે ટેબલ ટેનિસ રમતા હતા અને હું તેમની સાથે થોડું રમ્યો પણ હતો.’

ડિરેક્ટર ફૈસલે કહ્યું, ‘બે દિવસ પહેલાં જ આશિષભાઈ સાથે વાત કરી હતી’
ડિરેક્ટર ફૈસલ હાશમીએ ગુજરાતી ફિલ્મ ‘વિટામિન શી’માં આશિષ કક્કડ સાથે કામ કર્યું હતું. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘આશિષભાઈ સાથે મારે ગાઢ સંબંધો હતાં. મારી ફિલ્મ મેં સૌ પહેલા આશિષભાઈને નેરેટ કરી હતી. આ ફિલ્મમાં જે બધા કલાકારોએ કામ કર્યું છે, તેમનો સંપર્ક પણ આશિષભાઈએ જ કરાવી આપ્યો હતો. મને સતત સપોર્ટ કરતા રહેતા હતા. મારી ફિલ્મ ‘શોર્ટસર્કિટ’ દરમિયાન પણ તેઓ મને પૂછતા કે કેવું ચાલે છે, કંઈ મદદની જરૂર હોય તો કહેજે. મારી પર 30 ઓક્ટોબરના રોજ આશિષભાઈનો ફોન આવ્યો હતો. તેમને મારું કંઈક કામ હતું. તેમણે મને ફોનમાં એવું પણ કહ્યું કે તું હવે કેમ મારા માટે રોલ લખતો નથી. મેં ત્યારે જવાબ આપ્યો હતો કે હવે આપણે સાથે કામ કરવાનું જ છે. પછી તેમણે એમ કહ્યું હતું કે આપણે શાંતિથી વાત કરવાની છે. હું પછી વાત કરીશ. અત્યારે હું ક્યાંક બેઠો છું.’

‘​​​​​​​માજીનો સંવાદ આશિષભાઈએ જ ડબિંગ કર્યો હતો
વધુમાં ફૈસલે કહ્યું હતું, ‘વિટામિન શી’માં એક માજીનું ડબિંગ હતું. તો એ વખતે ડબિંગ સ્ટૂડિયોમાં આશિષભાઈનું ડબિંગ ચાલતું હતું. માજીનો માત્ર એક જ ડાયલોગ હતો. મેં તેમને પૂછેલું કે માજીના કેરેક્ટરના ડબિંગ માટે કોઈ તમારી પાસે કોઈ છે? તો તેમણે એવું કહ્યું કે આ એક ડાયલોગ હું જ બોલી આપું છું. આ માજીનો સંવાદ આશિષભાઈ જ બોલ્યા હતા. આ સમયે અમે બહુ જ હસ્યા હતા. જ્યારે ફિલ્મમાં આ સંવાદ આવ્યો ત્યારે અમે બંને એકબીજાની સામે જોઈને બહુ જ હસ્યા હતા, કારણ કે અમને બંને ખબર હતી કે આ માજીનો અવાજ કોનો છે?’

ફિલ્મ 'વિટામિન શી'ના એક સીનમાં આશિષ કક્કડ, કુમકુમ દાસ તથા ભક્તિ કુબાવત

ફિલ્મ ‘વિટામિન શી’ના એક સીનમાં આશિષ કક્કડ, કુમકુમ દાસ તથા ભક્તિ કુબાવત

‘​​​​​​​સેટ પર ઘણી જ મસ્તી કરતા‘​​​​​​​
ફૈસલે આગળ વાત કરતાં કહ્યું હતું, ‘સેટ પર આશિષભાઈ એકદમ મજાક મસ્તીના મૂડમાં રહેતા. તેઓ સામેના એક્ટરને કહી દેતા કે જો હું ક્યાંક ભૂલી જાઉં તો તું સંભાળી લેજે.

સૌમ્ય જોષીએ કહ્યું, ‘તર્ક તથા હાસ્યનો માણસ હતો’
દિવ્ય ભાસ્કરની વાતચીતમાં રાઈટર, ડિરેક્ટર સૌમ્ય જોષીએ કહ્યું હતું, ‘મને ઘણો જ આઘાત લાગ્યો છે અને આ માન્યામાં ના આવે એવી વાત છે. મારા જીવનનું પહેલું નાટક મેં 19 વર્ષની ઉંમરે ડિરેક્ટ કરેલું હતું. આ વખતે લિમિટેડ રિસોર્સ હોય, પૈસા બહુ ના હોય અને શું કરવું અને શું ના કરવું તેની બહુ ખબર ના પડતી હોય તેવું બનતું હોય છે. આ નાટકમાં આશિષ કામ કરતો હતો. બધા સ્ટૂડન્ટ્સે ભેગા થઈને બનાવ્યું હતું. આશિષ તે નાટકનો મોભ જેવો હતો. નાટક ઉપરાંત જે બધી જ વસ્તુઓનો જે ભાર હતો તે બે કે ત્રણ લોકોના ખભા પર હતો અને આશિષ તેમાંથી એક હતો. સંઘર્ષની પરિસ્થિતિમાં હંમેશાં સાથે હોય. અમારી વચ્ચે 1993-94થી સંબંધ છે. પછી તો અમે (અમદાવાદમાં) ઋતુરાજની કિટલીની બહાર અમે વર્ષોના વર્ષો સાંજ સાથે ગાળી હતી. એની એક ખૂબી ઊડીને આંખે આવે એવી હતી અને તે એ હતી કે કોઈ પણ સારી પ્રવૃત્તિ હોય તો તે પોતાની છે, તેમ સમજીને જોડાઈ જતો હતો. તે તર્ક અને હાસ્યનો માણસ હતો. ઘણીવાર લાંબી લાંબી ચર્ચા કરતો તો અમે કહેતા પણ ખરા કે તું વધુ પડતા તર્ક લગાવી રહ્યો છે. તે તાર્કિક રહીને હસતાં-રમતાં જીવનારો માણસ હતો.’

અભિષેક જૈને કહ્યું, ‘મારા માટે તે લકી હતા’
ફિલ્મ ડિરેક્ટર અભિષેકે જૈને કહ્યું હતું, ‘કરિયરના દરેક તબક્કે અમે સાથે રહ્યા છીએ. ઘણી બધી યાદો છે. એકાદ પહેલા અમે વૉકિંગ કરતાં સમયે મળ્યા હતા. 2010માં હું તેમની ફિલ્મ ‘બેટર હાફ’ના સેટ પર ગયો હતો અને મેં વિચારી રહ્યો હતો કે મારે પહેલી ફિલ્મ બનાવી છે. પછી તેમની સાથે સેટ પર વાત કરી. પછી હું ચોક્કસ થઈ ગયો હતો કે મારે ફિલ્મ બનાવવી છે. ત્યારથી લઈ અત્યાર સુધી તેમનો સપોર્ટ, પ્રોત્સાહન, ફિડબેક, સજેશન બધું જ કામ લાગ્યું છે. કોઈ પણ વસ્તુ માટે મારે જ્યારે પણ મદદની જરૂર હોય તો હું સૌ પહેલાં તેમનો સંપર્ક કરતો હતો. મારી પહેલી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં પહેલા ક્લેપબોર્ડમાં તેમનો સીન હતો. આ દિવસ 11-11-11 હતો અને આ દિવસ મને હંમેશના માટે યાદ રહી જશે. મારી બંને (‘બે યાર’ તથા ‘કેવી રીતે જઈશ’) ફિલ્મમાં તેમણે નાનકડો રોલ પ્લે કર્યો હતો. મારા માટે તે લકી હતા. મને ગુજરાતી ફિલ્મ બનાવવા માટે ઘણું જ પ્રોત્સાહન આપ્યું હતું. તેમની સાથેની યાદો ઘણી બધી છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here