- હત્યા, હત્યાનું કાવત્રુ, ગેરકાયદે મંડળી રચી લૂંટ ચલાવી હત્યા કરવામાં 6 આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ
રાજકોટના મોટામવા ગામે 2006ના વર્ષમાં સરપંચની ચૂંટણીમાં હારનો ખાર રાખી 2009માં સરપંચ મયુર શીંગાળાની હત્યા કરનાર 9 આરોપીઓની પોલીસ તે સમયે ધરપકડ કરી હતી. આજે રાજકોટની અધિક સેસન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા 6 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ પાંચ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે બે આરોપીને શંકાનો લાભ મળ્યો છે અને એક આરોપીનું કેસ દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવના 11 વર્ષ બાદ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો છે.
કુલ 9 આરોપીમાં 6ને આજીવન કેદ, બેને શંકાનો લાભ અને એકનું મોત થયું હતું
આ કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે તે આરોપીઓમાં ગાંડુભાઇ ભુરાભાઇ વકાતર, મહેશ ગાંડુભાઇ વકાતર, ઉતમ ગાંડુ વકાતર, વજીબેન ગાંડુભાઇ વકાતર, હંસાબેન ઉર્ફે હીના ગાંડુભાઇ વકાતર અને લતાબેન ઉર્ફે ટીની ગાંડુભાઇ વકાતરનો સમાવેશ થાય છે. જ્યારે જયેશ મકવાણા અને રમેશ મકવાણાને શંકાનો લાભ મળ્યો છે. 6 આરોપીઓને હત્યા, હત્યાનું કાવત્રુ, ગેરકાયદે મંડળી રચી લૂંટ ચલાવી હત્યા કરવામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
મયુર શીંગાળાના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી
આ 6 આરોપીઓ વિરૂદ્ધ કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ તમામ આરોપીઓને કલમ 302, 149, 396, 143, 147, 148 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જેમાં હત્યાનું કાવત્રુ અને ગેરકાયદે મંડળી રચવાના આરોપનો સમાવેશ થાય છે. એક આરોપી વિનુ મકવાણાનું કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન મોત થયું હોવાથી તેની સામેનો કેસ એલેટ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક મયુરના ભાઇ ભરત તળશીભાઇ શીંગાળાએ 18 નવેમ્બર 2019ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.