- પોલીસે 3 મોબાઈલ, સાંકેતિક ભાષામાં લખેલી ડાયરી સહિત 29 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
હાલ IPL ટૂર્નામેન્ટ શરૂ હોય રાજકોટમાં ખૂણે ખાચરે ક્રિકેટ પર સટ્ટા રમાડતા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના જામનગર રોડ પર ક્રિસ્ટલ સ્કૂલ સામે ગોકુલ બંગ્લોઝમાં હિતેષ દલપતભાઈ ઠાકરના ઘરે ગઈકાલે IPLની મુંબઈ ઈન્ડિયન અને સનરાઈઝ હૈદરાબાદ મેચ પર લાઈવ પ્રસારણ જોઈ મોબાઈલ ફોન પર વાત કરી ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સ નાસી ગયો હતો. ઝડપાયેલા બે આરોપીઓમાં એક આરોપી તો સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.
પોલીસે 3 મોબાઈલ, ટીવી સહિત 28960 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા બે શખ્સોમાં હિતેષ દલપતભાઈ ઠાકર અને વિરેન્દ્રસિંહ નાનભા જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે જયદીપસિંહ અશોકસિંહ જાડેજા નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે આ શખ્સો પાસેથી 3 મોબાઈલ, એક ટીવી, સાંકેતિક ભાષામાં સોદા લખેલી ડાયરી, બોલપેન અને રોકડ રકમ સહિત 28960 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી વિરેન્દ્રસિંહ તો પુનિતનગર મેઈન રોડ પર આવેલી સહજાનંદ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.
બે દિવસ પહેલા પાનની દુકાન પાસે ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા હતા
બે દિવસ પહેલા જસદણના ચીતલીયા રોડ પર પાનની દુકાનની બહાર IPL મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સોને રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધા હતા. પૂછપરછમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી. રાજકોટ રેન્જની ટીમના PI આર.એ.ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે જસદણના ચીતલીયા રોડ પર આવેલી સોમનાથ પાનની બહાર IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા સુધીર બેચરભાઇ લાગેલા અને હાર્દિક હસમુખભાઇ વાડોદરીયાને ઝડપી લીધા હતાં. પોલીસે તેની પાસેથી બે મોબાઇલ સહિત કુલ 13,640નો મુદામાલ કબ્જે કર્યો હતો.