ગીર સોમનાથ જિલ્લામાં 6 કેસ પોઝિટિવ, 1નું મોત, CMનાં આગમન પહેલા સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ

0
475

સોમનાથ મહાદેવના દર્શનાર્થ આવતા કોઈ દર્શનાર્થીઓમાંથી ચેપ લાગ્યો હોવાની આશંકા

ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. તો CMના આગમન પહેલા સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઈ છે.

CM આગમન પહેલા સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ
CM વિજય રૂપાણી આજે સાંજે પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરવા આવી પહોંચશે. ત્યારે તેમના આગમન પહેલા સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા મંદિરમાં ફરજ બજાવતા અન્ય પોલીસકર્મીઓએ તાબડતોબ કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરક્ષાકર્મીને કોરોના ચેપ ક્યાંથી લાગ્યો તે અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે. સોમનાથ મહાદેવના દર્શનાર્થ આવતા કોઈ દર્શનાર્થીઓમાંથી ચેપ લાગ્યો હોવાની આશંકા છે.

કોરોનાના 6 કેસ પોઝિટિવ નોંધાયા 
ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં તાલાલાનાં અંકોલવાડીમાં 1, ધાવામાં 1, વેરાવળમાં 1, ઉનામાં 2 અને સોમનાથમાં 1 કેસ પોઝિટવ નોંધાયો છે.

વેરાવળ કોવિડ હોસ્પિટલમાં એકનું મોત
વેરાવળની સુપર કોલોનીમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેઓ ગઈકાલે સાંજથી વેન્ટીલેટર પર હતા અને આજે વહેલી સવારે તેમનું મોત નિપજ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે.