- જોકે જાહેરમાં ભાજપ તમામ આઠ બેઠકો જીતવાનો દાવો કરે છે
- કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પરિણામોમાં ખાસ આશા દેખાતી નથી
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર મંગળવારે યોજાયેલી પેટાચૂંટણી બાદ હવે સૌની નજર દસમી નવેમ્બરે જાહેર થનારા પરિણામો પર છે, પરંતુ તે પહેલાં બુધવારે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પરિણામો અંગે વિવિધ સમીકરણો જોઇને વરતારો નક્કી કરવાનું કામ કર્યું. ભાજપના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓએ કાઢેલાં તારણો અનુસાર હાલ ધારીને બાદ કરતાં લગભગ તમામ બેઠકો પર ભાજપ સરળતાથી જીત પ્રાપ્ત કરશે. જ્યારે કોંગ્રેસ આ ચૂંટણીને લઇને ખાસ ઉત્સાહિત નથી.
એક વરિષ્ઠ મંત્રીના જણાવ્યા અનુસાર ધારી બેઠક પર ધાર્યાં કરતાં ઓછું મતદાન થયું છે અને તેમાંય કોંગ્રેસ સમર્થિત વહેણ જોવા મળ્યું છે, તેથી હાલ આ બેઠકને બાદ કરતાં બાકીની બેઠકો પર વિજય નિશ્ચિત છે. જો કે માર્જિન ઓછું રહેવાની ધારણા ખરી, પણ સાત બેઠકોમાં અપસેટ સર્જાય તેવું દેખાતું નથી.
ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર પાર્ટીના આકલન અનુસાર સાત બેઠક તો ચોખ્ખી ભાજપને મળે છે, પરંતુ આ સમયે કહેવું મુશ્કેલ છે.
જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર કોંગ્રેસે આ વખતે ઉમેદવાર પસંદગી ખૂબ સારી કરી હતી, પણ પાર્ટી જોઇએ તેટલું જોર લગાવી શકી નથી. મોટાભાગની બેઠકો પર ઊંચું મતદાન ભાજપ વધુ ફાયદામાં રહે તેમ દર્શાવે છે.