રાજકોટમાં 2000ની 51 જાલી નોટ સાથે એક શખ્સની ધરપકડ, સંતાનના સારવાર માટે જરૂરી અને દેણું વધી જતા ખોટે રસ્તે ચડ્યાનું આરોપીનું રટણ

0
163

કુવાડવાના જામગઢ ગામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

  • આરોપી ઈમિટેશનનો કારીગર, લોકડાઉનમાં ધંધો બંધ થતા અવળા રસ્તે ચડ્યાનું રટણ

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાન મંદિર પાસે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ પાસેથી પોલીસે 2000ની 51 જાલી નોટ મળી આવી હતી. આ નોટ કલર પ્રિન્ટરમાં છાપેલી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ એક જ રટણ કર્યુ હતું કે, સંતાનની બીમારીની સારવાર માટે જરૂર હતી અને દેણું વધી જતા ખોટે રસ્તે ચડી ગયો છું. આરોપી ઈમિટેશનનો કારીગર છે.

ઝડપાયેલો શખ્સ 50 હજારમાં જાલીનોટ વેચવા નીકળ્યો હતો
કુવાડવા પોલીસે સાત હનુમાન નજીકથી ચોક્કસ બાતમીને આધારે કુવાડવાના જામગઢ ગામના હેમંત હમીરભાઇ વાટુકીયા નામના ઇમિટેશનના કારીગરને રૂ. 1,02,000ની રૂ. 2000ના દરની 51 જાલીનોટ સાથે ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. સંતાન બીમાર હોય અને દેણું પણ થઈ ગયું હોય મધ્યપ્રદેશના એક શખ્સ પાસેથી આ જાલીનોટ રૂ. 20 હજારમાં વેંચાતી લઈ બાદમાં 50 હજારમાં વેંચવા માટે તે નીકળ્યો હતો. પણ ગ્રાહક મળે એ પહેલા પોલીસ ભેટી ગઈ હતી. ડી. સ્ટાફના હેડકોન્સ્ટેબલ અરવિંદ મકવાણા, જયંતિભાઇ એસ. ગોહિલ અને કોન્સ્ટેબલ સતિષ લાવડીયાને બાતમી મળી હતી. આ શખ્સ સામે પોલીસે IPC 489 (ગ) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી જાલીનોટો, મોબાઇલ ફોન કબ્જે કરાયા હતા. કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવામાં આવશે.

મધ્યપ્રદેશના શખ્સને 20 હજાર ચુકવી જાલીનોટ મેળવી હતી
પ્રાથમિક પૂછપરછમાં હેમંતે જણાવ્યું હતું કે તે ઈમિટેશનનું કામ કરે છે. પણ લોકડાઉન પછી આ કામમાં સતત મંદી છે. હાલમાં સંતાન પણ બિમાર હોય તેની સારવાર માટે પૈસાની જરૂર હતી. વળી અમુક હજારનું દેણું પણ થઇ ગયું હતું. મધ્યપ્રદેશનો ભૈયો દોઢ બે મહિને રાજકોટ આવતો હોય તેને પોતે ઓળખતો હોય પૈસાની ખેંચ અંગે વાત કરતાં એ શખ્સે પોતે જાલીનોટ આપશે તેમ કહ્યું હતું. બે-ત્રણ દિવસ પહેલા તે આ જાલીનોટ આપી ગયો હતો. તેના બદલામાં 20 હજાર અસલી ચુકવ્યા હતાં. આ પછી પોતે આ નકલી નોટો 50 હજારમાં કોઈને આપવાનો હતો. પરંતુ ગ્રાહકને શોધવા નીકળ્યો ત્યાં પોલીસ ભેટી ગઇ હતી. તેનું આ રટણ કેટલું સાચુ છે? તે અંગે તપાસ થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here