શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સ્વ.કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ

0
132

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઈ પટેલનું ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ નિધન થતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ખોડલધામ મંદિર ખાતે લાઈવ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું.

લેઉવા પટેલ સમાજની આસ્થાના પ્રતિક એવા ખોડલધામ સાથે નજીકનો ઘરોબો ધરાવનાર તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલનુ જૈફ વયે અવસાન થતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી ખોડલધામ મંદિરે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના નિર્માણથી લઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના તમામ નાના-મોટા કાર્યક્રમોમાં કેશુભાઈ પટેલ વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢી અચુક હાજરી આપતાં. તેઓ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સાથે શરૂઆતથી જ જોડાયેલાં હોય તેમના અવસાનથી સમાજને અને ટ્રસ્ટને મોટી ખોટ પડી છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભાનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સાથે સાથે બહોળી સંખ્યામાં લોકોએ ઘરે બેઠાં સ્વ.કેશુભાઈ પટેલને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી.

શ્રદ્ધાજંલિ સભામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે કેશુબાપા સાથેના સ્મરણો વાગોળતા કહ્યું હતું કે, આજે કેશુબાપા આપણી વચ્ચે નથી રહ્યા, પણ આ પરિસર હોય કે ગુજરાત હોય બાપા એટલા બધાં સંભારણા આપણા માટે છોડી ગયા છે કે ભૂલવા આપણા બધાં માટે અશક્ય છે. મને યાદ છે ખોડલધામના વિચાર સાથે જ અમારી યુવા ટીમ પ્રથમવાર ગાંધીનગર કેશુબાપાને મળવા ગયેલી અને જે રીતે બાપાએ આ સ્થાપના અને નિર્ણયના વધામણાં કર્યા છે તે આજે પણ હું નથી ભૂલી શક્યો. દરેક કાર્યક્રમમાં જ્યારે પણ જરૂર પડી ત્યારે પીઠ થાબડી છે.  હરહંમેશ સમાજનું કોઈપણ કામ હોય, મંદિરની અંદર કોઈપણ કાર્યક્રમ હોય દર વખતે તબિયત સારી, ન સારી પણ તેમ છતાં સો ટકા તેમની હાજરી આ પરિસરમાં રહી છે. 

આજે આ મહામાનવને શ્રદ્ધાજંલિ આપવા એકઠાં થયા છીએ ત્યારે કહીશ કે, કેશુબાપા ફક્ત લેઉવા પટેલ સમાજના તો પુત્ર હતા પણ દરેક સમાજને સાથે રાખી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે યોગદાન આપ્યું છે તે ગુજરાતની પ્રજા ક્યારેય ભૂલી નહીં શકે. મને બહુ સિનિયર અધિકારીએ કહેલું કે, કેશુબાપાનું જે અમલીકરણ હતું તે પરફેક્ટ હતું. બાપા પોલિસી અને નિર્ણયોનું અમલીકરણ સમયસર અને પરફેક્ટ કરતાં હતાં. આનાથી જ બાપા ગુજરાત અને ખેડૂતોને એક ખૂબ મોટો ફાયદો કરતાં ગયાં છે.

ખોડલધામમાં 2012ના શિલાપૂજન કાર્યક્રમમાં બાપાએ હાજરી આપી હતી અને જનમેદનીને કહ્યું હતું કે, આ સમાજનું કામ થવા જઈ રહ્યું છે, અહીં ખિસ્સા ખાલી કરીને જજો. બાપાની આ સમાજ પ્રત્યેની લાગણી હતી. આ સમાજ બાપાને કોઈ દિવસ ભૂલી નહીં શકે. પરમ કૃપાળુ પરમાત્મા અને મા ખોડલને પ્રાર્થના કે કેશુબાપાની આત્માને શાંતિ અર્પે સાથે સમાજ અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. કોરોના મહામારી વચ્ચે આયોજિત શ્રદ્ધાજંલિ સભામાં ટ્રસ્ટના મુખ્ય હોદ્દેદારો જ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સાથે ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here