સંચાલકોના મતે બાળકોનું નો-સિમ્ટમ્સ સર્ટિ. જરૂરી: વાલી મંડળે કહ્યુ- બાળકોની જવાબદારી સ્કૂલની

0
114
  • સ્કૂલો શરૂ થયા પછી બાળકોના મુદ્દે સંચાલકો અને વાલીઓના મતમતાંતર
  • સપ્તાહમાં બે વાર શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવાની સંચાલકોની માગ

દિવાળી પછી સ્કૂલો શરૂ કરવા રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે ત્યારે સ્કૂલ સંચાલકોએ બાળકોને શિક્ષકોના ટેસ્ટિંગ ઉપર ભાર મૂક્યો છે. સંચાલકોના કહેવા પ્રમાણે સ્કૂલો શરૂ થાય તે પછી દર અઠવાડિયે બે વખત શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ અને કોઈ એક ચોક્કસ દિવસ નક્કી કરી બાળકો પાસેથી પણ નો સિમ્ટમ્સ સર્ટિફિકેટ પણ મંગાવવું જોઈએ. બીજી તરફ વાલીમંડળનું કહેવું છે કે કોઈપણ બાળકની જવાબદારી વાલી લેશે નહીં અને કોઈપણ બાંહેધરી પર વાલી સહી નહીં કરે.

સ્કૂલો શરૂ કરવા માટે સ્પષ્ટ નીતિ તૈયાર કરવી જરૂરી છે. ઘણાં બધાં એવા મુદ્દા છે જેની ચોક્કસ અમલવારી જરૂરી છે. સંચાલકો દ્વારા સ્કૂલમાં ગમે તેટલું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવે પરંતુ બાળકો સ્કૂલ સમય પછી વાલી સાથે કોઈપણ સ્થળે ગયા હોય અને જો તેમને ચેપ લાગે તો સ્કૂલના અન્ય બાળકોને પણ ચેપ લાગવાની સંભાવના વધી શકે છે. બાળકોનો ચેપ શિક્ષકને લાગે તો પણ એક શિક્ષક એક કરતાં વધુ ક્લાસમાં જાય તો સંક્રમણની ભીતિ વધી શકે છે. ઉપરાંત જો કોઈપણ શિક્ષક કોરોનાગ્રસ્ત થાય તો તેમનો કપાત પગાર રજા ગણાશે કે પગાર સાથેની રજા ગણાશે તેની પણ સ્પષ્ટતા જરૂરી છે. સરકાર જે એસઓપી નક્કી કરે તેમાં આ તમામ મુદ્દાઓનું સ્પષ્ટીકરણ હોવું જરૂરી છે જેથી વાલી, સંચાલક અને શિક્ષકોને મુશ્કેલી ન પડે.

સંક્રમણ રોકવા ચોક્કસ ગાઇડલાઇન બનાવવી જરૂરી
ઉદ્દગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, સ્કૂલો શરૂ થાય તો શિક્ષકોનો કોરોના ટેસ્ટ અઠવાડીયે બે વાર થવો જોઇએ. બાળકો પાસેથી ચોક્કસ દિવસે ડોક્ટરનું નોસિમ્ટમ્સ સર્ટિફિકેટ મંગાવવું જોઇએ. જેથી સંક્રમણ અટકાવી શકાય.

ચેપ અટકાવવા સ્કૂલનો સમય ઓછો રાખવો જરૂરી છે
વેદાન્ત ઇન્ટરનેશનલના સંચાલક ભરત સવાણીએ જણાવ્યું હતું કે, સ્કૂલોનો સમય ઓછો રાખવો જેથી બાળકોને નાસ્તો લાવવાની જરૂર રહે નહીં.નાસ્તા માટે માસ્ક કાઢવું પડશે, હાથ સફાઇ માટે નળ કે ક્લાસ બહાર જવું પડશે વગેરે બાબતોનો વિચાર કરવો જોઇએ.

બાળકને સ્કૂલે મોકલવો કે નહીં તેનો વિકલ્પ વાલીને આપવો
સ્કૂલો શરૂ કરવા મુદ્દે વાલીમંડળને સામેલ કરવા સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે બાળકને સ્કૂલે મોકલવાની જવાબદારી વાલીની રહેશે નહીં. વાલી બાળકની કોઈ બાંહેધરી પર સહી કરશે નહીં. સરકાર સ્કૂલો ખોલવા અંગે જે પોલિસી તૈયાર કરે તેને વાલી પર થોપી દેવામાં ન આવે. વાલી પાસે બાળકોને સ્કૂલે મોકલવા કે ન મોકલવા અંગે વિકલ્પ હોવો જોઇએ. ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું કે, સરકારે સ્કૂલો શરૂ કરવાની પોલિસી કે એસઓપી તૈયાર કરતા સમયે શિક્ષણ તજજ્ઞો અને વાલીમંડળને સાથે રાખવાં જોઇએ. વાલી બાંહેધરી આપશે તો સંચાલકોની કોઇ જવાબદારી રહેશે નહીં. આ સ્થિતિમાં માત્ર એકની જવાબદારી નક્કી થવી જોઇએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here