વધુ પડતા ધુમાડો છોડતાં ફટાકડા બાળકો અને વૃદ્ધો માટે જોખમી, ધુમાડો મોઢામાં જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડે: ડો. ક્યાડા

0
118
  • કોરોના સંક્રમિત અથવા લક્ષણો ધરાવતા વ્યક્તિઓ માટે દિવાળીમાં ફટાકડાનો ધુમાડો ખુબ જોખમી
  • ધુમાડો શ્વાસમાં જવાથી ઓક્સિજન લેવલ ઘટી જાય છે

રાજકોટમાં દિવાળીના તહેવા૨ પહેલા કોરોના દર્દીઓની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ દિવાળીનો તહેવાર નજીક આવતા સંક્રમણ વધવાનો ભય પણ સતાવી રહ્યો છે. દિવાળીના તહેવાર પર વધુ પડતા ધુમાડો છોડતા ફટાકડા બાળકો અને વૃદ્ધો માટે જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે ધુમાડો મોઢામાં જવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સિવિલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડોક્ટર હેતલ ક્યાડાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત અથવા તો કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓ માટે આ ધુમાડો જોખમી સાબિતી થઈ શકે છે. કારણ કે ધુમાડો શ્વાસમાં જવાથી ઓક્સિજન લેવલ ઘટી જાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

દારૂનો ધુમાડો સામાન્ય લોકો માટે પણ નુકસાનકારક છે- ડો. ક્યાડા
વધુમાં ડોક્ટર ક્યાડાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર પર ધુમાડો વધુ થાય છે. જેથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓ અને જે લોકોને કોરોના થયો છે, તેવા લોકોએ આ ધુમાડાથી દૂર રહેવું જોઈએ. આ દર્દીઓના શ્વાસમાં ધુમાડો જાય તો ઓક્સિજન લેવલ ઘટી જાય છે. જેથી તેને ગુંગડામણ થાય છે. જો કે દારૂનો ધુમાડો તો એમ પણ સામાન્ય લોકો માટે પણ નુકસાનકારક છે. બાળકો અને વડીલોએ દિવાળીના તહેવાર પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. નાના બાળકો જો પોપ અપ જેવા ફટાકડા ફોડે તો તેને વધુ નુકસાન ન થાય, વધુમાં જણાવ્યું હતું કે હું ફટાકડાનાં વિરોધમાં નથી પણ નુકસાનકારક છે એટલા માટે દૂર રહેવું જોઈએ.

કોરોનાથી સાજા થયેલા લોકો માટે ધુમાડો જોખમી બની શકે છે
ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાથી ફટાકડાનાં ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા બાદ પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતીને ધ્યાને લઈ નિષ્ણાંતો આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.

સિનિય૨ સિટીઝન્સને આ દિવાળીએ ફટાકડા ફૂટતાં હોય ત્યારે બહા૨ નિકળવાનું ટાળવું જોઈએ
કોરોના દર્દીઓના વ્યાપક હિતને ધ્યાને લઈ તંદુ૨સ્ત લોકો ફટાકડા ન ફોડે તે હિતાવહ છે. ફટાકડા ફોડવાથી કાર્બન મોનોકસાઈડ મોટાપ્રમાણમાં હવામાં ફેલાય છે. જે શ્વાસમાં જવાથી કોરોનાના દર્દીઓને ગૂંગળામણ થઈ શકે છે. સિનિય૨ સિટીઝન્સને આ દિવાળીએ ફટાકડા ફૂટતાં હોય ત્યારે બહા૨ નિકળવાનું ટાળવું જોઈએ. કોરોનાની સા૨વા૨ ક૨તાં તબીબોના મતે આ વર્ષે દિવાળીએ ફટાકડા ન ફોડવાં એ કોવિડ દર્દીઓના હિતમાં છે. ફટાકડાં ફોડવાથી પ્રદૂષણ સહિત અનેક પ્રકા૨ની સમસ્યા ઉભી થશે. રાજકોટ શહે૨માં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી ૨હી છે. ત્યારે નાગરીકો સ્વયં જાગૃતતા દાખવી આ મહામારી વધુ ન ફેલાય અને કોરોનાના દર્દીઓને વધુ મુશ્કેલીનો સામનો ક૨વો ન પડે તેવા પ્રયાસ જરૂરી છે.

આગામી દિવસોમાં કોરોનાનાં કેસમાં વધારો થાય તો નવાઈ નહીં
બીજી તરફ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં શ૨દી, ઉધ૨સના કેસમાં વધારો જોવા મળે છે. કોરોનાની સ્થિતીમાં પહેલીવા૨ શિયાળો આવ્યો હોવાથી આ વર્ષે હવામાનની આ વાય૨સના ફેલાવાની અસ૨ કેવી ૨હેશે તે ધ્યાને લેવું જરૂરી છે. જો કે હાલના દિવસોમાં તો રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘડાટો નોંધાયો છે. પરંતુ દિવાળીનો ધુમાડો અને શિયાળમાં ઠંડી વધતા આગામી દિવોસમાં કોરોના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here