ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને ગ્રેડર રાતા પાણીએ રોવડાવતા હોય તેવું જેતપુરમાં માર્કેટિંગ યાર્ડ ગ્રેડિંગની પ્રક્રિયા થતી હોવાથી મોટા ભાગના ખેડૂતો તેમની મગફળી ટેકાના ભાવે વેંચવા કરતા ખુલ્લી બઝારમાં વેચવાનું મજબુર બન્યા છે. ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. જેમાં સરકાર ૧૦૫૫ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવી એટલે સાત કોઠા ભેદવા પડે તેટલી ગ્રેડિંગની પ્રક્રિયા સખત રાખવામાં આવી છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે મોટા ભાગની મગફળી નબળી પાકી છે. તેમાં સરકારે સારા વર્ષ જેવી ગ્રેડિંગ પદ્ધતિ રાખી હોવાથી મોટા ભગના ખેડૂતોની મગફળી રિજેક્ટ જ થાય છે. જેથી કરીને ખેડૂતોને મગફળી લાવવા લઈ જવાનું ભાડું તેમજ વાહનમાં ચડાવ ઉતારનું ભાડું પણ બે વાર લાગે છે. જેથી ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ સમાન થઈ ગઈ છે. સરકાર દ્વારા જેતપુરને મગફળી ખરીદી માટે બે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેમાં આજ સવારથી બપોર સુધીમાં સોળ જેટલા ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા તેમાંથી છ ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવતા આ ખેડૂતો તેમની મગફળી મજબૂરીમાં ખુલ્લા બઝારમાં વેચવી પડે છે.