સુપ્રીમ કોર્ટે કહ્યું- સાક્ષી ન હોય તો SC, ST અંગે ઘરમાં કહેલી અપમાનજનક વાત ગુનો નહીં ગણાય

0
112

એસસી/એસટી એક્ટ અંગેના ઉત્તરાખંડના એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અનુસૂચિત જાતિ (એસસી) કે અનુસૂચિત જનજાતિ (એસટી)ની કોઈપણ વ્યક્તિ અંગે ઘરની અંદર કહેવાયેલી કોઇ અપમાનજનક વાત કે જેના કોઇ સાક્ષી ન હોય એ ગુનો ન ગણાય. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, હેમંત ગુપ્તા અને અજય રસ્તોગીની બેન્ચે ઉત્તરાખંડના પિથૌરાગઢની એક વ્યક્તિની અરજીનો નિકાલ લાવતાં ગુરુવારે આ ટિપ્પણી કરી. અરજદાર સામે એસસી/એસટી એક્ટ હેઠળ દાખલ ચાર્જશીટ ફગાવતાં બેન્ચે કહ્યું હતું કે આરોપી સામે અન્ય કલમો હેઠળ કેસ ચલાવી શકાય છે.

કોઇ સવર્ણ પોતાના અધિકારોની રક્ષા માટે કોઇ પગલું ભરે તો એનો અર્થ એવો નથી કે તેના પર એસસી-એસટી એક્ટની કાનૂની તલવાર લટકી જાય. ઘરની ચાર દીવાલ જેવી પ્રાઇવેટ પ્લેસમાં નહીં પણ જાહેરમાં જેને અંજામ અપાયો હોય એવું કોઇ કૃત્ય એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો ગણાય છે. જાહેરમાં એટલે કે જ્યાં અન્ય લોકોની હાજરી હોય. જો ગુનો જાહેરમાં બન્યો હોય તો તેને અન્ય લોકો પણ જોઇ-સાંભળી લે છે. બનાવના કોઇ સાક્ષી ન હોય ત્યાં સુધી કેસ દાખલ ન થઇ શકે.

બેન્ચે અરજદારને જ્ઞાતિસૂચક અપશબ્દ બોલવાના આરોપથી મુક્ત કરતાં કહ્યું હતું કે આરોપી અને ફરિયાદી વચ્ચે જમીન અંગેનો વિવાદ ચાલી રહ્યો છે. બંનેએ એકબીજા સામે કેસ કરેલા છે. અરજદાર સામે ઘરની ચાર દીવાલોની અંદર ગાળાગાળી કરવાનો આરોપ છે. તેથી તેની સામે એસસી-એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવી યોગ્ય નહીં ગણાય. માત્ર ગાળ આપવાથી એસસી-એસટી એક્ટ ન લાગી શકે.

જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું હતું કે કોઇ સવર્ણએ એસસી/એસટી સમુદાયની કોઇ વ્યક્તિને ગાળ આપી હોય તોપણ તેની સામે એસસી-એસટી એક્ટ હેઠળ કાર્યવાહી ન થઇ શકે. હા, જો પીડિતને તેના સમુદાયના આધારે અપમાનિત કરવા જાણીજોઇને ગાળ અપાઇ હોય તો કેસ જરૂર થઇ શકે પણ તેના સાક્ષી હોવા જોઇએ.

SC/ST સમુદાયની વ્યક્તિ માત્ર આરોપ મૂકે એટલે સવર્ણ સામે કેસ ન થઈ શકે
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિ સામે એસસી/એસટી સમુદાયની કોઇ વ્યક્તિ આરોપ મૂકે એટલે તેને કાનૂની અધિકારોથી વંચિત ન રાખી શકાય. ગુનાના સાક્ષી હોવા જોઇએ. આરોપીએ સમજી-વિચારીને ફરિયાદીની જ્ઞાતિને કારણે તેનું ઉત્પીડન કર્યાનું સાબિત ન થાય ત્યાં સુધી આરોપી સામે એસસી/એસટી એક્ટ હેઠળ કેસ ન ચલાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here