HBD “દાસ”: સૌરાષ્ટ્રનાં લોકપ્રિય કિસાન નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનો આજે જન્મદિન

0
1851

વિઠ્ઠલ રાદડીયા : ‘છોટે સરદાર’ તરીકે લોકપ્રિય હતા – તેની જન્મ થી લઈને અંતિમ શ્વાસ સુધીની સફર જાણો

જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન, પૂર્વ મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે 61 વર્ષની વયે નિધન થયું છે. જેમના નામની આગળ કોઇ વિશેષણોની જરૂર નથી. તેમના નિધનથી પટેલ સમાજ અને ખેડૂતોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેના પારિવારીક અને રાજકીય જીવનમાં સતત સંઘર્ષો આવ્યા હતા. પરંતુ વિઠ્ઠલભાઈ દરેક ચડાવ-ઉતારને માત આપી જીવનમાં સતત આગળ વધ્યાં હતા. ભાજપ હોય કે કોંગ્રેસ વિઠ્ઠલભાઈ દબંગ નેતાની છાપ ધરાવતા હતા. તેમજ સૌરાષ્ટ્રમાં છોટે સરદારથી લોકપ્રિય હતા.

જ્યારે વરસતાં વરસાદમાં વિઠ્ઠલ રાદડિયાએ સભામાં ખેડૂતોની છત્રીઓ બંધ કરાવી

અપક્ષ પેનલ બનાવીને તાલુકા પંચાયતના પ્રમુખપદથી મંત્રી સુધીની રાજકીય સફરમાં અનેક વિવાદો ઉપરાંત પુત્રવધૂનાં લગ્ન જેવી બાબતો પણ બોલે છે.

જ્યારે અપક્ષ પેનલ બનાવી જામકંડોરણા જીત્યું

કૉલેજ પછી સમાજસેવામાં જોડાયેલા વિઠ્ઠલ રાદડિયાની છબી શરૂઆતથી બંડખોર અને આક્રમક હતી. કૉલેજમાં પણ કોઈને અન્યાય થાય તો તેઓ તેમનો પક્ષ લેતા હતા. 1987માં ગુજરાતમાં દુકાળની સ્થિતિ હતી અને વિઠ્ઠલ રાદડિયા લેઉઆ પટેલ ખેડૂતોના સવાલો લઈને લડતા હતા.

આ લડતમાંથી તેમનો રાજકીય ઉદય થયો. 1987માં એમણે અપક્ષની પેનલ બનાવીને જામકંડોરણા તાલુકા પંચાયતની ચૂંટણી જીતી અને તેના પ્રમુખ બન્યા.

એ જ સમયે શંકરસિંહ વાઘેલાનો પણ રાજકીય સૂરજ તપતો હતો. વિઠ્ઠલ રાદડિયા પર શંકરસિંહ વાઘેલાની નજર પડી અને તેઓ 1889માં એમને સક્રિય રાજકારણમાં લઈ આવ્યા.

ખજૂરિયાકાંડમાં શંકરસિંહની સાથે

ગુજરાતના રાજકારણના બહુચર્ચિત હજુરિયા-ખજુરિયાકાંડમાં વિઠ્ઠલ રાદડિયા શંકરસિંહની સાથે હતા.

શંકરસિંહ વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ”વિઠ્ઠલ રાદડિયામાં મને એ વખતે સ્પાર્ક દેખાતો હતો. એ જવાન હતો. રાજકારણમાં કોઈ પાર્ટી સાથે જોડાવા નહોતો માગતો પણ મેં એને મનાવી લીધો અને 1989માં વિધાનસભાની ચૂંટણી લડાવી.”

”વિઠ્ઠલ રાદડિયા 1990માં તેઓ ધોરાજી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ વખતે જનતા દળ અને ભાજપનું ગઠબંધન હતું અને ચીમનભાઈ પટેલની સરકાર બની હતી.”

એ પછી તેઓ 1995માં કેશુભાઈ પટેલની ભાજપની પહેલી સરકારમાં મંત્રી બન્યા.

એ સમયે વિઠ્ઠલ રાદડિયા સાથે પહેલી વાર પ્રધાન થયેલા ભાજપના મહામંત્રી, રાજ્ય સરકાર તેમજ ભાજપના પ્રદેશ પ્રવક્તા એવા ભૂતપૂર્વ મહેસૂલપ્રધાન આઈ. કે. જાડેજાએ બીબીસીને કહ્યું કે ”અમે 1995માં પહેલી વાર મંત્રી થયા હતા. વિઠ્ઠલભાઈ રમતગમતના રાજ્યકક્ષાના મંત્રી હતા. સરકારી વહીવટ સમજવાની એમનામાં જબરી ધગશ હતી. એ સમયે અમે મંત્રીમંડળમાં સાથે હતા અને જયારે પણ યુવાનો અને ખેડૂતોના પ્રશ્ન આવે એટલે એ સરકારી નિયમોની જડતા પડતી મૂકી માનવતાની રીતે કામ કરતા હતા.”

આઈ. કે. જાડેજા કહે છે કે ”વિઠ્ઠલભાઈ નાના માણસોના પ્રશ્નો ઝડપથી હલ થાય એ માટે તત્પર રહેતા હતા અને પછી ખજૂરિયાકાંડ થયો એમાં એ શંકરસિંહ સાથે ગયા અને એ રીતે એમણે ભાજપ છોડ્યું.”

આ અંગે શંકરસિંહ વાઘેલા કહે છે કે ”મેં જ્યારે ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો ત્યારે મારી સાથે આવનારા ધારાસભ્યોમાં વિઠ્ઠલ રાદડિયા પહેલા હતા. મારા મંત્રીમંડળમાં એમને ખાણ-ખનીજ અને સહકારી ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન બનાવ્યા. તેઓ પહેલેથી સહકારી પ્રવૃત્તિ અને ખેતી સાથે જોડાયેલા હોવાથી એમને કૅબિનેટમાં સિંચાઈપ્રધાન બનાવવામાં આવ્યા.”

શંકરસિંહ વાઘેલા કહે છે કે ”શૂન્યમાંથી સર્જન કરનાર વિઠ્ઠલ રાદડિયાએ રાજપની મારી ટૂંકી સરકારમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ઘણાં કામ કર્યાં હતાં. ત્યારબાદ મારી સાથે જ કૉંગ્રેસમાં આવ્યા અને ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા. 2004ની લોકસભાની ચૂંટણી 5000 જેટલા મતોથી હારી ગયા હતા અને ત્યારબાદ 2009માં સાંસદ તરીકે ચૂંટાયા હતા.”

શંકરસિંહ વાઘેલા કહે છે કે ”તેઓ માત્ર પટેલ નેતા જ નહોતા. તેઓ દરબારોમાં પણ એટલા જ લોકપ્રિય હતા અને ખેડૂત આગેવાન તરીકે શિક્ષણ સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓમાં એમની મજબૂત પકડ હતી.”

શંકરસિંહ વાઘેલા ભલે કહે કે ”એમને દરબારો સામે વાંધો નહોતો, પણ ડિસેમ્બર 2012ની વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે વિઠ્ઠલ રાદડિયાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનવું હતું.”

જોકે, એ સમયે કૉંગ્રેસે શંકરસિંહને નેતા બનાવ્યા હતા. આ પછી વિઠ્ઠલ રાદડિયા કૉંગ્રેસ સાથે છેડો ફાડી એમના દીકરા જયેશ સાથે માર્ચ 2013માં ભાજપમાં જોડાયા. આ સમયે નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં જયેશ રાદડિયાને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા વિઠ્ઠલ રાદડિયાના કૉંગ્રેસ છોડવાનાં કારણોમાં પડવા નથી માગતા. તેઓ બીબીસીને કહે છે કે ”હું નાનપણથી વિઠ્ઠલભાઈનું રાજકારણ જોતો આવ્યો છું. એ પોરબંદરમાં પણ પકડ ધરાવતા હતા. એક લડાયક સ્વભાવના નેતા તરીકે લોકો માટે લડી લેવાનું એમની ફિતરતમાં હતું. 2004માં પહેલી વાર લોકસભામાં બહુ ઓછા મતથી હાર્યા હતા.”

”લોકોનાં દિલ પર રાજ કરતા આ નેતાની સૌરાષ્ટ્રની આમજનતા પર મજબૂત પકડ હતી. 2013માં એમણે ભાજપમાં જવાનો નિર્ણય લીધો ત્યારે ચર્ચા થઇ હતી, પરંતુ તેમણે એ નિર્ણય એમના અંગત કારણસર કર્યો હતો. અલબત્ત, એમના ભાજપમાં જવાથી કૉંગ્રેસને મોટી ખોટ પણ પડી.”

બીજી તરફ વિઠ્ઠલ રાદડિયા ભાજપમાં જોડાતા ”ભાજપને મોટો ફાયદો થયો” હોવાનું મહામંત્રી આઈ. કે. જાડેજા પણ સ્વીકારે છે.

આઈ. કે. જાડેજાએ બીબીસીને કહ્યું કે ”એમના ભાજપમાં પરત આવવાથી ભાજપના સંગઠનને મોટો ફાયદો થયો. 2015માં કેટલાક પટેલો ભાજપથી વિમુખ થઈ રહ્યા હતા ત્યારે વિઠ્ઠલભાઈએ એમને ભાજપ સાથે જોડી રાખ્યા હતા. વિઠ્ઠલભાઈની તાકાતને કારણે ભાજપને ઘણો ફાયદો થયો.”

જ્યારે પુત્રવધૂને દીકરીને જેમ પરણાવી

2014માં વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધૂનાં લગ્ન કરાવવાની જાહેરાત કરતાં જ સૌરાષ્ટ્રના પટેલ સમાજમાં હંગામો મચી ગયો હતો. ગ્રામીણ સૌરાષ્ટ્રમાં આ ખૂબ મોટી ઘટના હતી. આ સમાચારને કારણે વિઠ્ઠલ રાદડિયા ચર્ચામાં આવ્યા હતા.

વાત જાણે એમ હતી કે વિઠ્ઠલ રાદડિયાના નાના દીકરા કમલેશનું હાર્ટઍટેકથી અવસાન થયું હતું અને પુત્રવધૂ મનીષા નાની ઉંમરે વિધવા થયાં હતાં.

એ સમયે રાજકીય વિવાદો અને પુત્રના અવસાનને લીધે વિઠ્ઠલ રાદડિયા પત્રકારોથી દૂર રહેતા હતા.

પુત્રવધૂના લગ્નની જાહેરાત પછી વિઠ્ઠલ રાદડિયાએ રાષ્ટ્રીય અને સ્થાનિક મીડિયાને કહ્યું હતું કે ”મારી પુત્રવધૂ મારી દીકરી સમાન છે. હું સાંજે ઘરે આવું અને એના માથામાં સિંદૂર ન જોઉ એટલે આંખો ભરાઈ આવે છે.”

વિઠ્ઠલ રાદડિયાએ મીડિયા કવરેજ માટે લાઈન ન લગાવે એટલે સાદાઈથી લગ્ન કરાવી રહ્યા છે એમ પણ કહ્યું હતું.

એ વખતે એમણે કહ્યું હતું કે ”મનીષા મારે ઘરે આવી ત્યારથી મારી પુત્રવધૂ નહીં દીકરી જ છે. એ મને પિતા માને છે. મેં મારા વેવાઈને ઘણા સમજાવી મનાવ્યા છે. મેં મારી પુત્રવધૂ નહીં પણ દીકરીનાં લગ્ન કરાવ્યાં છે, જો હું શરૂઆત નહીં કરું તો સમાજ ક્યારે સુધરશે?”

વિઠ્ઠલ રાદડિયાએ એમની પુત્રવધૂ મનીષાનાં લગ્ન એમના મૃત્યુ પામનાર દીકરા કલ્પેશના મિત્ર હાર્દિક સાથે કરાવ્યા હતાં.

આ લગ્નમાં વિઠ્ઠલ રાદડિયા અને એમનાં પત્ની ચેતનાબહેને કન્યાદાન કર્યું હતું. મનીષાને કરિયાવરમાં રાજકોટ અને સુરતના વરાછા રોડ પર આવેલા બે બંગલા તેમજ ખેતીની જમીન અને કાર આપવામાં આવી હતી.

2014માં જામકંડોરણામાં સાદાઈથી આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે ખેડૂત સંમેલનમાં વરસાદ આવ્યો

વિઠ્ઠલ રાદડિયાની સંગઠનશક્તિ વિષે વાત કરતા રાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે જોડાયેલા પત્રકાર સુરેશ પારેખ કહે છે કે એ જ્યારે ભાજપમાં પરત આવ્યા ત્યારે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ખેડૂત સંમેલન બોલાવ્યું હતું. આ સંમેલનમાં વરસાદ પડે એવી સંભાવના હતી.

એ વખતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વિઠ્ઠલ રાદડિયાને સવાલ કર્યો કે ”વરસાદને કારણે સંમેલનમાં લોકો આવશે?” આની સામે રાદડિયાએ વિજય રૂપાણીને શાંતિ રાખવા કહ્યું હતું.

સુરેશ પારેખ કહે છે કે ”સંમેલનના સમયે શાસ્ત્રી મેદાન લોકોથી ખીચોખીચ ભરેલું હતું અને ચાલુ ભાષણમાં વરસાદ પડ્યો ત્યારે લોકોએ છત્રીઓ ખોલી તો રાદડિયાએ મંચ પરથી કહ્યું કે ‘આપણે ખેડુના દીકરા કહેવાઈએ, છત્રીઓ બંધ કરો, હું પણ વરસાદને આવકારવા આવ્યો છું.”

આ સાંભળી લોકોએ છત્રીઓ બંધ કરી દીધી હતી અને ચાલુ વરસાદે ભાષણ સાંભળ્યું હતું

વિવાદો પણ અનેક

વિઠ્ઠલ રાદડિયા રાજકારણીઓ માટે કાયમ હુકમનો એક્કો સાબિત થયા હોય, પણ સરકારી બાબુઓ માટે તેઓ મુસીબત હતા. એમના પર સરકારી કામગીરીમાં અડચણરૂપ થવાના કેસ થયા હતા તો સરકારી કર્મચારીઓને માર મારવાનો પણ આરોપ લાગ્યો હતો.

એમના નામે જાણીતા મોટા વિવાદોમાં કરજણ ટોલનાકાનો બનાવ છે.

2012માં વડોદરાના કરજણ ટોલનાકા પર ટોલટેક્સની માગણી થતાં એમણે પિત્તો ગુમાવ્યો હતો અને ટોલનાકાના કર્મચારીને લમણે બંદૂક મૂકી દીધી હતી. આ ઘટનાને લઈને એમની ખૂબ બદનામી થઈ હતી.

આ સિવાય જામકંડોરણામાં ગૌસેવા માટે યોજાયેલા એક ડાયરામાં કથિત રીતે તેમણે એક વૃદ્ધને લાતો મારીને ડાયરામાંથી બહાર કાઢવાનો બનાવ પણ છે. આનો વીડિયો બહાર આવતા વિવાદ થયો હતો અને વીડિયોની ખરાઈ માટે એફએસએલને તપાસ આપવામાં આવી હતી.

પાટીદાર આંદોલન સમયે મધ્યસ્થી

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન જ્યારે ચરમસીમા પર હતું અને હાર્દિક પટેલની હાકલ પર લોકો રસ્તા પર ઊતરી રહ્યા હતા ત્યારે આનંદીબહેન પટેલે હાર્દિક સાથે આંદોલનને મામલે મધ્યસ્થી કરવા માટે વિઠ્ઠલ રાદડિયાને કહ્યું હતું. એ વખતે બે પાટીદાર નેતાઓ સામસામે આવ્યા હતા.

જોકે, હાલ વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થતાં હાર્દિક પટેલે ટ્વીટ કરીને શોક વ્યકત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here