રાજકોટ સિવિલમાં આગ લાગે તો હાઈડ્રેન્ટ સિસ્ટમ દગો દેશે, મહત્ત્વના સાધનો ચાલુ થઈ શકે તેવી સ્થિતિમાં નથી

0
84
  • પાણીનો મારો ચલાવવા માટે લાખો લિટરના પાણીના ટાંકા બનાવ્યા, પરંતુ તમામ ખાલી : આગ લાગે તો ફાયર પમ્પ ચાલુ થઇ શકે તેમ નથી

સુરતના ટ્યુશન ક્લાસમાં અને અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ રાજ્યભરમાં થોડા દિવસ માટે ફાયર સેફ્ટિના સાધનો અંગેની તમામ બિલ્ડિંગોમાં તપાસ થઇ પરંતુ ત્યારબાદ ફરી હતા ત્યાંને ત્યાં પહોંચી ગયા હતા અને આગ સામે સુરક્ષાનો મુદ્દો જાણે વિસરાઇ જ ગયો છે. સૌરાષ્ટ્રભરમાંથી જ્યાં દર્દીઓ આવે છે તે સિવિલ હોસ્પિટલ અને જ્યાં ભાવિ તબીબો તૈયાર થાય છે તે સરકારી મેડિકલ કોલેજમાં લાખો રૂપિયાના ખર્ચે ફાયર સેફ્ટિની હાઇડ્રેન્ટ સિસ્ટમ તો લગાવવામાં આવી છે પરંતુ દેખભાળના અભાવે તે સિસ્ટમ ભંગાર બની ગઇ છે, આગ બુઝાવવા માટે બનાવવામાં આવેલા પાણીના ટાંકા ખાલીખમ્મ છે, જો આગ લાગે તો કેવી હાલત થાય તેની કલ્પના પણ થરથરાવી દે તેવી છે.

‘ન્યુઝ અપડેટ્સ’ ની ટીમ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આગ લાગે તો હોસ્પિટલ અને કોલેજ તંત્ર કેટલું સજ્જ છે તે ચકાસવા પહોંચી તો આઘાતજનક દ્દશ્યો સામે આવ્યા હતા. ટ્રોમા સેન્ટરની બાજુમાં મેડિકલ સ્ટોર તરફ ફાયર સમ્પની ઓરડી આવેલી છે, તેની બાજુમાં લાખો લિટરની ક્ષમતાનો પાણીનો ટાંકો આવેલો છે, જો પાંચ માળના ટ્રોમા સેન્ટર, સાત માળની નવી ઓપીડી બિલ્ડિંગ કે ઇમરજન્સી વિભાગની ઉપરના ત્રણ માળમાં આગ લાગે તો ફાયર સમ્પમાં આવેલા પમ્પને ઓપરેટ કરવાથી પાણીના ટાંકામાંથી પાણીનો પ્રવાહ ઉપાડવાનું શરૂ થાય અને ઉપરોક્ત તમામ બિલ્ડિંગમાં લગાવાયેલા હાઇડ્રેન્ટ સિસ્ટમથી જ્યાં આગ લાગી હોય ત્યાં ગણતરીની મિનિટમાં પાણીમારો શરૂ થઇ જાય, પરંતુ સ્થિતિ કંઇક અલગ જ જોવા મળી હતી.

ફાયર પમ્પ ભંગારની હાલતમાં નજરે પડ્યો હતો, પમ્પ પર ધૂળ જાળા જામી ગયા હતા, તેની વચ્ચે પ્લાસ્ટિકની બોટલો અને સાવરણી રાખવામાં આવી હતી, પમ્પની ડિસ્પ્લે તૂટેલી હતી, ટૂંકમાં પમ્પ ચાલુ કન્ડિશન્ડમાં નહોતો, લાખો લિટરની ક્ષમતાવાળો પાણીનો ટાંકો ખાલીખમ્મ હતો, એટલે જો ફાયર પમ્પ ચાલું થઇ જાય તો પણ પાણી ક્યાંથી ઉપડે તેવા પ્રશ્નએ વિચારશૂન્ય કરી દીધા હતા. ફાયર પમ્પની બંધ હાલત અને ટાંકો ખાલી હોવાથી ઉપરોક્ત તમામ બિલ્ડિંગ પૈકી એકમાં પણ આગ લાગે તો દર્દીઓ, તેના સંબંધીઓ, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ સહિતનાઓને કેવી રીતે સલામત રાખી શકાય તેનો જવાબ હોસ્પિટલના એકપણ સત્તાધીશો પાસે નથી.

આવી જ હાલત 6 માળની મેડિકલ કોલેજની છે ત્યાં પણ ફાયર પમ્પ બંધ છે, પાણીના ટાંકા ખાલી છે, જ્યાં ભાવિ તબીબો તૈયાર થાય છે તે તબીબી વિદ્યાર્થીઓની આગ સામે કોણ અને કેવી રીતે સુરક્ષા કરશે તે પ્રશ્નનો જવાબ અનુત્તર રહ્યો હતો. સિવિલના ડોક્ટર જ્યાં રહે છે તે જામટાવર પાસેનું હાઇરાઇઝ બિલ્ડિંગ અને ઠાકર હોટેલ પાસેના હાઇરાઇઝ બિલ્ડિંગમાં પણ ફાયર સેફ્ટિના સાધનો ફિટ કરાયાછે પરંતુ તેને ઓપરેટ કરી શકાય તેમ નથી, ડોક્ટર અને તેના પરિવારજનોની આગ સામે સુરક્ષા માટે તંત્રવાહકોની કોઇ તૈયારી જ નથી.

ખાટલે મોટી ખોટ: સિવિલ હોસ્પિટલ પાસે ફાયરનું એનઓસી નથી
જ્યાં દરરોજ 1700 થી 2000 દર્દીઓની આવનજાવન રહે છે અને 800 જેટલા દર્દીઓ દાખલ હોય છે તે સિવિલ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી જ નથી, જો ભવિષ્યમાં આગ લાગે અને જાનહાની થાય કે નુકસાની થાય તો તેની જવાબદારી કોની?, કલેક્ટર તંત્ર કે રાજ્યનું આરોગ્ય વિભાગ આ અંગે કોઇ કાર્યવાહી કરશે?, છાશવારે સિવિલ હોસ્પિટલમાં આંટાફેરા કરીને વાહવાહી લૂંટતા રાજનેતાઓ સિવિલમાં ફાયર સેફ્ટિના સાધનો યોગ્ય રીતે કાર્યરત થાય અને સિવિલ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળે તે માટે કોઇ તસ્દી લેશે કે કેમ? માત્ર વાહવાહી લૂંટવાના જ પ્રયાસો કરશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

સિસ્ટમ ફિટ કરાઇ: આગ બુઝાવવા ફાયરમેન જ નથી
સિવિલ હોસ્પિટલની તમામ બિલ્ડિંગો, મેડિકલ કોલેજ અને ડોક્ટરો જ્યાં રહે છે તે હાઇરાઇઝ બિલ્ડિંગમાં અગ્નિશામક માટેની લાખો રૂપિયાની સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, તે સિસ્ટમ પણ હાલમાં તો ભંગાર બની ગઇ છે, પરંતુ લાખો રૂપિયાની સિસ્ટમ નાખતી વખતે પણ આ સરકારી બાબુઓને એ વાતનો વિચાર આવ્યો નહોતો કે સિસ્ટમને ઓપરેટ કોણ કરશે?, સિસ્ટમ લગાવીને તેની પાસે ઊભા રહી તમામ લોકોએ તસવીરો ખેંચાવી લીધી હતી પરંતુ ફાયરમેનની નિમણૂંક કરી આગની દુર્ઘટનામાં તાકીદે બચાવની કાર્યવાહી થાય તેવો વિચાર કોઇને આવ્યો નથી, સિવિલ હોસ્પિટલમાં કાયમી ફાયરમેન ઉપલબ્ધ જ નથી.

વાયરિંગ કોટિંગ વિનાનું: સ્મોક ડિટેક્ટર -સ્પ્રિંકલ સિસ્ટમ નથી
ચાર માળથી વધુ માળની બિલ્ડિંગમાં આગની ઘટના બને તો તાકીદે લોકોને સૂચના મળી જાય તે માટે ઓટોમેટિક એલાર્મ રણકે તેવી વ્યવસ્થા ફરજિયાત છે, પરંતુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આવું કંઇ નજરે પડતું નથી. રાજકોટ મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે સ્થળ મુલાકાત લઇને તપાસ કરી હતી અને તેમણે અનેક ખામીઓ બતાવી હતી. આ તમામ બિલ્ડિંગમાં સ્મોક ડિટેક્ટર અને સ્પ્રિંકલ સિસ્ટમ નથી. શોટ સરકિટથી આગ લાગવાની સૌથી વધુ શક્યતાઓ રહેલી છે છતાં ઇલેક્ટ્રિક વાયરમાં કોટિંગ કરાયું નથી. ડ્રાયકેમિકલ પાઉડર બદલાવવાની પણ સૂચના આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here