- રાજ્યમાં રણોત્સવ, કેવડિયા, દ્વારકા, સોમનાથ, સાસણગીર, સાપુુતારાની સૌથી વધુ ડિમાન્ડ
દિવાળી વેકેશન દરમિયાન દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતીઓ પરિવાર સાથે ફરવા જતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ ટુરિસ્ટ સ્થળો શરૂ થતા ગુજરાતીઓ પણ ડર છોડી ફરવા જઈ રહ્યા છે. દિવાળી દરમિયાન ફરવાનો ટ્રેન્ડ બદલાયો છે અને દૂરના સ્થળોએ જવાના બદલે લોકો સ્થાનિક તેમજ નજીકના પર્યટન સ્થળોની ખાનગી વાહનમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં કચ્છ રણોત્સવ, દ્વારકા,સોમનાથ, ટેન્ટ સિટી કેવડિયા, સાસણગીર, સાપુતારાની વધુ ડિમાન્ડ છે. એજ રીતે નજીકના સ્થળોમાં રાજસ્થાનના જેસલમેર, જોધપુર, કુંભલગઢ, ઉદયપુરની ડિમાન્ડ વધુ છે અને 80 ટકા જેટલુ બુકિંગ ફૂલ પણ થઈ ગયું છે.
ટૂર ઓપરેટર મનીષ શર્માના જણાવ્યા મુજબ, 15થી 22 નવેમ્બર દરમિયાન સૌથી વધુ લોકો બુકિંગ કરાવી ચૂક્યા છે. રાજ્યના 80 ટકા લોકોએ નજીકના સ્થળો માટે બુકિંગ કરાવ્યું છે. તેની સામે ટ્રેનો અને ફ્લાઈટની સુવિધા ઓછી હોવાથી ગોવા, કેરાલા, ઉત્તરાખંડ, હિમાચલ જેવા દૂરના રાજ્યોના ટુરિસ્ટ સ્થળો માટે બુકિંગ 20 ટકા જેટલું જ છે. રાજ્યમાં કેવડિયા ટેન્ટ સિટી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે બુકિંગ સૌથી વધુ છે. ધાર્મિક સ્થળોની સાથે બીચ પર જવા માટે લોકોએ દ્વારકા-સોમનાથની પસંદગી કરી છે, જ્યારે પ્રકૃતિનો આનંદ માણવા માટે લોકો સાસણગીર અને સાપુતારા તરફ વળ્યા છે.
ટૂર ઓપરેટર મહેશ ડુડકિયાએ જણાવ્યું કે, કોરોનાને લીધે મોટાભાગે 5થી 10 લોકો પરિવાર અને મિત્રો સાથેના ગ્રુપમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અન્ય એક ટૂર ઓપરેટર શૈલેષ અગ્રવાલે જણાવ્યું કે, ગુજરાત ઉપરાંત રાજસ્થાનના જેસલમેર, જોધપુર, કુંભલગઢ, ઉદયપુર જેવા સ્થળોએ હોટલો લગભગ 80 ટકા ભરાઈ ગઈ છે.
રાજ્યના આ સ્થળો પરનું બુકિંગ
- 1500 કચ્છ રણોત્સવ
- 2500 દ્વારકા અને સોમનાથ
- 5000 ટેન્ટસિટી કેવડિયા
- 2000 સાસણગીર