જોન્સે જૂનાગઢ સ્ટેટનો કબજો નિલમ બૂચને સોંપ્યો અને 9મી નવેમ્બરે આઝાદી મળી

0
103
  • ભારતને 15મી ઓગષ્ટે આઝાદી મળી હતી પરંતુ 85 દિવસ પછી જૂનાગઢ આઝાદ થયું હતું, પાકિસ્તાનમાં જતું રોકવાનો પ્રયાસ થયો હતો


ભારતને 15મી ઓગષ્ટ 1947માં આઝાદી મળી હતી તેથી સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે પરંતુ ગુજરાતના જૂનાગઢનો સ્વતંત્ર દિન 9મી નવેમ્બરે આવે છે, કારણ કે દેશની આઝાદીના 85 વર્ષ પછી જૂનાગઢ આઝાદ થયું હતું. આ સ્ટેટની આઝાદી માટે આરઝી હકૂમતની સ્થાપ્ના સાથે તેના લડવૈયાઓએ મોટી કિંમત ચૂકવવી પડી હતી.


9મી નવેમ્બર 1947માં જૂનાગઢના છેલ્લા નાયબ દિવાસન હોર્વે જોન્સ એ જૂનાગઢ સ્ટેટનો કબજો વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટના રિજનલ કમિશનર નિલમ બૂચને સોંપ્યો હતો. એ પહેલાં 15મી ઓગષ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે જૂનાગઠ સ્ટેટના છેલ્લા નવાબ મહાબતખાન જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાણ કરવા સહમત થયા હતા તે સમયે જૂનાગઢની જનતામાં માતમ છવાઇ ગયો હતો, કારણ કે મોટાભાગની હિન્દુ જનતા જૂનાગઢને ભારત સાથે જોડવાના પક્ષમાં હતી.


25મી સપ્ટેમ્બરના રોજ મુંબઇના માધવબાગમાં ન્યાલચંદ મુલચંદ શેઠના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં આરઝી હકુમતની સ્થાપ્ના બાદ આરઝી હકૂમતના પ્રધાનમંડળની રચના કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન અને વિદેશમંત્રી શામળદાસ ગાંધી હતા. નાયબ વડાપ્રધાન અને વ્યાપાર મંત્રી દુર્લભજી ખેતાણી હતા. નરેન્દ્ર નથવાણી પાસે કાયદા વિભાગ, ભવાનીશંકર ઓઝા પાસે નિરાશ્રિતો, મણીલાલ દોશી પાસે ગૃહ, સુગરભાઇ વરૂ પાસે સંરક્ષણ અને રતુભાઇ અદાણી પાસે સરસેનાપતિનો વિભાગ હતો.


હકૂમતને લોકસેના માટે શસ્ત્રસરંજામ મેળવવાની જવાબદારી રસિકલાલ પરીખે સંભાળી હતી જ્યારે સનત મહેતા અને જસવંત મહેતાને લશ્કરી ટુકડીઓને દોરવણી આપવાનું કામ આપ્યું હતું. નવાબના શાહી સૈન્યમાં 177 અશ્વરોહી સૈનિકો, ઇન્ફન્ટ્રીના 24 સૈનિકો અને 1071 હથિયારબંધ પોલીસમેન હતા.આરઝી હકૂમતનું પ્રધાનમંડળ લડતનો કાર્યભાળ સંભાળવા માટે ટ્રેન દ્વારા રાજકોટ ગયું હતું અને 30મી સપ્ટેમ્બરના રોજ તેના સશસ્ત્ર યુવાનોએ જૂનાગઢ હાઉસ પર છાપો મારીને આલીશાન મકાન કબજે કરી ત્યાં કચેરીની સ્થાપ્ના કરી હતી. આ હકૂમતમાં 4000 જેટલા સૈનિકો હતા.


આરઝી હકૂમત દ્વારા આઝાદ જૂનાગઢ રેડીયો નામના ગુપ્ત સ્ટેશનેથી ચલો જૂનાગઢ એકસાથ અને આરઝી હકૂમત ઝીંદાબાદ રેકર્ડ વગાડવામાં આવતી હતી. 24મી ઓક્ટોબરે આરઝી હકૂમત જૂનાગઢ રાજ્યના પૂર્વ સીમાડામાં પ્રવેશ્યા હતા. તેજ દિવસે આરઝી હકૂમતે જૂનાગઢના 11 ગામો પર અંકુશ મેળવ્યો અને ત્યારબાદ 36 ગામો પર અંકુશ પ્રાપ્ત કર્યો હતો. માંગરોળ, બાંટવા અને માણાવદર પણ મુક્ત થયા પછી જૂનાગઢ રાજ્યનું કુતિયાણા અલગ પડ્યું. એ વખતે કુતિયાણામાં 13000 મુસ્લિમો અને 1000 હિન્દુ લોકો હતા. મુસ્લિમ લીગના આગેવાનો કાઝી તાજુદ્દીન અને હાસમ ખોખરે આઝાદ કુતિયાણા સરકારની સ્થાપ્ના કરી હતી. હેન્ડ ગ્રેનેડ, બ્રેનગન, રાયફલો અને તમંચા વડે કુતિયાણાનો જંગ કલાકો સુધી ચાલ્યો, જેમાં તાજુદ્દીન અને ખોખર બન્ને માયર્િ ગયા. થોડા જ કલાકોમાં ભારતીય લશ્કરના જવાનો આવી પહોંચ્યા અને કુતિયાણાનો હવાલો તેમણે સંભાળી લીધો હતો


જૂનાગઢ ચોતરફથી ઘેરાયેલું હતું. બહારનો સંપર્ક કપાતાં અનાજની કારમી તંગી, વેપારધંધા ભાંગી પડ્યા હતા. માત્ર હિંદુ જ નહિ, મુસ્લિમ જનતામાં પણ નવાબ સામે આક્રોશ હતો. આ દરમિયાન દીવાન શાહનવાઝ ભુટ્ટોએ 4 નવેમ્બરના રોજ પોલીસ કમિશ્નર કેએમ નક્વીને લેખીત પત્ર સાથે પાકિસ્તાની લશ્કરની સહાય માંગવા કરાચી મોકલ્યો  પણ એ પાછા આવ્યા જ નહિ. આથી જૂનાગઢના નવાબ મહાબતખાન જૂનાગઢનું ઉંબાડીયું દીવાન શાહનવાઝ ભુટ્ટો ઉપર નાખી પાકિસ્તાન ભાગી ગયા. તે 1,29,34,700 રૂપિયાની ચલણી નોટો, ઝવેરાત, પાંચ બેગમો, અઢાર સંતાનો તથા માનીતા કૂતરા અને બે ડોક્ટરો લઇને પાકિસ્તાન જતો રહ્યો, જ્યાં કરાંચીમાં તેનું જૂનાગઢ હાઉસ નામનું મહેલાત જેવું મકાન હતું. ત્યારબાદ ભુટ્ટો પણ પાકિસ્તાન જતા રહ્યા હતા.
જૂનાગઢના પ્રથમ વહીવટદાર તરીકે ટીએલ શાહની નિયુક્તિ કરવામાં આવી હતી. આ સાથે પ્રથમ લોકશાહી મતદાન થયું હતું જેમાં હિન્દુસ્તાનના પક્ષે 191688 મત પડ્યા હતા જ્યારે પાકિસ્તાન તરફે 91 મત હતા. આરઝી હકૂમતની તાકાત જોઇને નવાબ કરાંચી જવા એટલા ઉતાવળા થયા હતા કે પોતાની નવ બેગમો પૈકી બે બેગમને લઇ જવાનું ભૂલી ગયા હતા. 9મી નવેમ્બરે જૂનાગઢનો કબજો સોંપાયા પછી 13મી નવેમ્બરે આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢના ઉપરકોટમાં વહેલી સવારે ધ્વજવંદન કર્યું હતું. આ જ દિવસે ભારતના નાયબ વડાપ્રધાન સરદાર પટેલે તે સમયે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં જંગી જાહેર સભા કરી હતી. સરદાર પટેલે આ સભામાં હિન્દુસ્તાનમાં રહેવા માગતા લોકોનો મત માગ્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાન જવા માગતા હોય તેમને માલ મિલકત અને પાંચ રૂપિયા દક્ષિણા પણ હું આપીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here