ભૂગર્ભજળ વાપરવાં જોખમી છે, વૈકલ્પિક વ્યવસ્થા કરવા ગુજરાતને સૂચના

0
91
  • ગુજરાત જળ વ્યવસ્થાપ્નમાં સમગ્ર દેશમાં નંબરવન છે પરંતુ ભૂગર્ભ જળના નિયંત્રણ માટે કોઇ નીતિ નથી, ઉત્તર ગુજરાત માટે રેડ એલર્ટ


ગુજરાતમાં એટલી બઘી માત્રામાં ભૂગર્ભ જળનું દોહન થયું છે કે કેન્દ્ર સરકારના નીતિ આયોગે રાજ્યની ટીકા કરી છે અને ચેતવણી આપી છે કે ભૂગર્ભ જળનું વ્યવસ્થાપ્ન નહીં થાય તો રાજ્યમાં પીવાના પાણીની મોટી સમસ્યા ઉદ્દભવી શકે છે. એ સાથે ભૂગર્ભમાંથી વધુ જળનું દોહન કરવું ખતરનાક સાબિત થઇ શકે છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત એવો પ્રદેશ છે કે જ્યાં સરફેસ વોટર મળવું મુશ્કેલ હોવાથી પાણી માટેના બોરવેલ અને કુવાઓનું પ્રમાણ વધી રહ્યું છે.


કેન્દ્રીય નીતિ આયોગે તેના એક રિપોર્ટમાં નોંધ્યું છે કે ગુજરાત સરકાર જળ વ્યવસ્થાપ્નમાં દેશમાં પ્રથમ ક્રમે છે પરંતુ ભૂગર્ભ જળના વધતા જતા દોહન સામે ચિંતીત નથી. કુવા અને બોરવેલમાંથી પાણી લેવામાં આવે છે પરંતુ જમીનને તે પાણી ચોમાસા દરમ્યાન પાછું આપી શકાય તેવી કોઇ વ્યવસ્થા ગુજરાતે વિકસાવી નથી. ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં બનાવવામાં આવેલી નીતિનો અસરકારક અમલ કરવામાં આવતો નથી.


ઉત્તર ગુજરાતમાં એટલું બઘું જળ દોહન થયું છે કે હવે નવા બોરવેલ પણ નિષ્ફળ જઇ રહ્યાં છે. ખેતરોમાં કરવામાં આવતા કૂવા તેમજ શહેરી વિસ્તારમાં બની રહેલા મકાનોમાં જ્યાં પણ બોરવેલ બનાવવામાં આવે છે ત્યાં રિચાર્જીંગ વેલ બનાવવામાં આવતા નથી. સરકારે પરિપત્ર કરીને સૂચના આપી છે પરંતુ તેના માટેનો કોઇ કાયદો બની શક્યો નથી તેથી બેફામ પણે ભૂગર્ભ જળનું દોહન થઇ રહ્યું છે જેની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી છે.


કમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિન હિમાયલી રાજ્યોમાં 55 ટકા ભૂગર્ભ જળ સંશાધનના પ્રબંધન માટે એક નિયામક તંત્ર છે પરંતુ તેમાં ગુજરાતનો સમાવેશ થયો નથી, કારણ કે કેન્દ્રની વારંવારની સૂચના હોવા છતાં ગુજરાતે હજી સુધી આવું કોઇ તંત્ર બનાવ્યું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતે ભૂગર્ભ જળનો કાયાકલ્પ કરવાની જરૂરિયાત છે, કારણ કે કુવા અને બોર બનાવીને પાણી ખેંચી લેવામાં આવે છે પરંતુ રિચાર્જીંગની કોઇ સુવિધા ઉભી કરવામાં આવતી નથી.


ગુજરાતમાં દેશનો 1.9 ટકા વરસાદ થાય છે. ગુજરાત પાસે દેશના કુલ ભૂગર્ભ જળનો 5.3 ટકા હિસ્સો છે અને દેશના કૃષિ ઉત્પાદનમાં 4.5 ટકાનું યોગદાન છે. રાજ્યના જળ સંસાધન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભૂગર્ભ જળની માત્રા ઓછી થઇ રહી છે. સૌથી વધુ દોહન કૃષિ સેક્ટરમાં થાય છે ત્યારબાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં છે.


તેમણે કહ્યું હતું કે ભૂગર્ભ જળ અંતે ચોક્કસ નીતિ બનાવીને કૃષિ, ઉદ્યોગ, રિયલ એસ્ટેટ અને પીવાના પાણી અંગે ગાઇડલાઇન નક્કી કરશે. આ તમામ સેક્ટરો માટે નવા કાયદા બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં જેટલા કુવા અને બોરવેલ બનાવવામાં આવ્યા છે તેમાં વરસાદી પાણી ઉતારવાની રિચાર્જીંગ વેલની સિસ્ટમ લાગુ કરવા માટે વિવિધ સેક્ટરો અને સંગઠનોને આદેશ કરવામાં આવેશે કે જેથી કુવામાં પાણીના તળ ઉંચા આવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here