- ઇન્ટરનેશનલ બુકિંગ તો બંધ જ છે, દુબઈ ખૂલ્યું હોવા છતાં ત્યાં જવા હજુ લોકો રાજી નથી
- પરિવાર સાથે 2-3 દિવસનાં થતાં આયોજનો સાસણ અને જૂનાગઢ તરફ વધ્યાં
સામાન્ય રીતે દિવાળીના તહેવારો આવતાંની સાથે જ લોકોનું હરવા-ફરવા જવા માટેનું પ્લાનિંગ થઈ જતું હોય છે અને એ માટે અગાઉથી ટિકિટ પણ બુક કરી દેવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે લાંબા પ્રવાસને બદલે સૌરાષ્ટ્રવાસીઓ ટૂંકા પ્રવાસન ક્ષેત્ર પસંદ કરી રહ્યાં છે, જેને લઈને સૌરાષ્ટ્રના 500 જેટલા ટૂર ઓપરેટરોને આશરે 500 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. સિમલા-મનાલી, ગોવા, કેરલ જવાને બદલે આ વખતે સૌરાષ્ટ્રવાસીઓ સાસણ અને જૂનાગઢ ફરવા માટે બુકિંગ કરાવી રહ્યા છે.
જૂનાગઢ રોપવે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો
સૌરાષ્ટ્રવાસીઓ દિવાળીની રજાઓમાં તો એકાદ સપ્તાહ સુધી બહાર નીકળી જાય છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બુકિંગ મહિનાઓ અગાઉ થઈ ગયાં હોય છે, પરંતુ આ વર્ષે આવું કોઈ ખાસ બુકિંગ થયું નથી. સૌરાષ્ટ્રવાસીઓ સાસણ અને જૂનાગઢ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જૂનાગઢમાં રોપવે શરૂ થતાં લોકોમાં એક આકર્ષણ ઊભું થયું છે. કેટલાક દીવ અને રાજસ્થાન જવાના પણ પ્લાન કરી રહ્યા છે, પણ ચારેક દિવસમાં પરત આવી જવાય અને લાભપાંચમથી ફરી ધંધા-રોજગાર શરૂ થઈ જાય તેવા આયોજનો કરી રહ્યાં છે. કોરોનામાં આઠેક મહિના ઘરમાં જ રહીને લોકો કંટાળી ગયા હોવાથી આ દિવાળીએ થોડા દિવસ બહાર નીકળવાનું મન બનાવ્યું હતું. કેટલાકે તો ટ્રેનોમાં બુકિંગ પણ કરાવી લીધું હતું, પરંતુ કોરોનાના કેસ ફરી વધતાં હવે ટૂંકા પ્રવાસનાં આયોજનોમાં વ્યસ્ત બની ગયા છે.
કોરોનાની મહામારીને કારણે ટૂંકા રૂટનાં પ્રવાસન સ્થળોની પસંદગી
રાજકોટમાં નાના-મોટા 500 જેટલા ટૂર્સ ઓપરેટરો છે, લોકડાઉનને કારણે માર્ચથી તેમના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. રાજકોટના ટૂર ટ્રાવેર્લ્સ-સંચાલકોની જન્માષ્ટમી, નવરાત્રિ, દશેરાની સીઝન તો બગડી જ હતી, પરંતુ આવતી દિવાળી અને ડિસેમ્બરમાં થતાં બુકિંગમાં આશા હતી, પરંતુ આ આશા પર પણ પાણી ફરી વળ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી કોરોનાએ માથું ઊંચક્યું છે, ત્યારે દિવાળાના તહેવારો પર અને ઠંડીની ઋતુમાં ફરી કોરોનાના કેસ વધે એવી સ્થિતિ ઊભી થઈ છે. જેથી લોકો ટૂંકા રૂટનાં પ્રવાસન સ્થળો પસંદ કરી રહ્યાં છે.
ટ્રેન-બસોમાં સંક્રમણની ભીતી રહેતાં લોકો ખાનગી કારમાં જવાનો પ્લાન કરી રહ્યા છે
રાજકોટના અગ્રણી ટૂર્સ ઓપરેટર પ્રકાશભાઈ રાઠોડના જણાવ્યા મુજબ, હાલ ઈન્ટરનેશનલ બુકિંગ તો બંધ જ છે. દુબઈ ખૂલ્યું હોવા છતાં ત્યાં જવા હજુ લોકો રાજી નથી. મોટા ભાગના લોકો દિવાળીના તહેવારોમાં બે-ચાર દિવસ પરિવાર સાથે બહાર જવાનો પ્લાન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આશરે 500 જેટલા ટુર ઓપરેટરો છે, જેને આશરે 500 કરોડનો ફટકો પડ્યો છે. ટ્રેન અને ખાનગી બસોમાં સંક્રમણની ભીતી રહેતાં ખાનગી કારમાં નજીકનાં સ્થળો અથવા વતન ગામડે જવાના પ્લાન લોકો બનાવી રહ્યા છે.