પોલીસે કહ્યું, માત્ર ગ્રીન ફટાકડા ફોડી શકાશે, પણ એ અંગે કોઈ સ્પષ્ટતા ન થતાં ગૂંચવાડો

0
95
  • દિવાળીના 4 દિવસ પહેલાં પોલીસ કમિશનરે પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો

દિવાળી આડે માંડ 4 દિવસ બાકી છે અને શહેરમાં ઠેર ઠેર દુકાનો, સ્ટોલ, તંબુ, લારીઓ અને ફૂટપાથ પર ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે પોલીસે ચાલુ વર્ષે વધારે પ્રદૂષણ ફેલાવતા (રેગ્યુલર બનતા-વેચાતા અને ફોડાતા) ફટાકડા પર પ્રતિબંધ લાદ્યો છે, જેથી ચાલુ વર્ષે ગ્રીન ફટાકડા (ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા)જ ફોડી શકાશે. જોકે ગ્રીન ફટાકડા કોને કહેવાય એની કોઈ સ્પષ્ટતા ન કરાતાં ગૂંચવાડો સર્જાયો છે. ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું વેચાણ અને ખરીદી પોલીસ કેવી રીતે બંધ કરાવશે એ અંગે પણ પોલીસ કમિશનરે કોઇ સ્પષ્ટતા કરી નથી.

અમદાવાદમાં ફટાકડાનો ધંધો કરતા 192 વેપારી કાયમી લાઈસન્સ ધરાવે છે, જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન બીજા 50થી 70 વેપારી સ્ટોલ-દુકાનમાં ફટાકડાનું વેચાણ કરે છે, જેના માટે તેઓ પોલીસ કમિશનરની મંજૂરી લે છે. આ સિવાય તંબુ-સ્ટોલ-ફૂટપાથ-લારી સહિત 10 હજાર કરતાં પણ વધારે જગ્યાએ ફટાકડાનું ગેરકાયદેે વેચાણ થાય છે.

ચાલુ વર્ષે કોરોનાને કારણે શહેર પોલીસે રાતે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા માટે મંજૂરી આપી છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ગ્રીન ફાયર ક્રેકર્સ (ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા) સિવાયના તમામ ફટાકડાનાં ખરીદ-વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લાદ્યો છે, જેથી હવે વેપારીઓ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા વેચી શકશે નહીં.

રાત્રે 8થી 10 સિવાય ફટાકડા ફોડનારને પોલીસ શી રીતે શોધશે કે ગ્રીન ફટાકડા કેવી રીતે ચેક કરશે?
સામાન્ય રીતે લોકો ઘરઆંગણે પરિવારના સભ્યોની સાથે ફટાકડા ફોડે છે, જ્યારે કેટલીક જગ્યાએ સોસાયટીના સભ્યો કે સગાં-સંબંધી કે મિત્રો ભેગા મળીને સોસાયટીની અંદર જ ફટાકડા ફોડતા હોય છે. તો સોસાયટીની અંદર કે ઘરઆંગણે ફટાકડા ફોડતા લોકોને પોલીસ કેવી રીતે શોધશે. એ પણ એક પ્રશ્ન છે. પોલીસ કમિશનરે ગ્રીન ફાયર કેકર્સ સિવાયના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદ્યો છે, પરંતુ કોઇ વેપારી દુકાનમાં-સ્ટોલમાં-તંબુમાં ગ્રીન ફાયર ક્રેકર્સ સિવાયના ફટાકડા વેચતા હશે તો પોલીસ તેને કેવી રીતે શોધશે. એટલું જ નહીં, કોઇ ગ્રાહક ગ્રીન ફાયર ક્રેકર્સ સિવાયના ફટાકડા લઇને જતો હશે તો પોલીસ તેની પાસેના ફટાકડા કયા છે એ કેવી રીતે ચેક કરશે એ અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here