- પત્નીની જીદને કારણે કેટલાક કિસ્સામાં પતિએ હાથ ઉગામતા ઘરસંસારમાં તડાં પડ્યાં
કોરોનાના કારણે ઉનાળામાં ફરવા નહીં જઇ શકનાર દંપતીઓ વચ્ચે દિવાળીમાં બહાર ફરવા જવાની બાબતે કંકાસ વધી ગયો છે. શહેરમાં બહાર ફરવા જવાની બાબતે મારામારીના કુલ 3 કિસ્સા નોંધાયા છે. દિવાળીમાં બહાર ફરવા લઇ જવાની ના પાડતા જીદે ભરાયેલી પત્નીથી કંટાળીને બે કિસ્સામાં પતિએ હાથ ઉપાડતાં પત્નીએ હેલ્પલાઇન અને સ્વૈચ્છિક સંસ્થા પાસે મદદ માગી છે. દિવાળીમાં બહાર ફરવા જવાની બાબતે પતિ-પત્ની વચ્ચેના ઝઘડા ચરમસીમા પર પહોંચી ગયા છે. અન્ય એક કિસ્સામાં પતિ-પત્ની વચ્ચે છૂટા પડવાનો નિર્ણય લેવાયો છે.
દંપતીઓ વચ્ચે ગૃહકલેશના કેટલાક કિસ્સામાં તો વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ
કિસ્સો-1: દિવાળીમાં કમાણીની આશાએ ફરવા ન ગયા
પોશ વિસ્તારમાં રહેતી અસ્મિતાનો પતિ નિગમ (નામો બદલ્યાં છે) જ્વેલર છે. અસ્મિતાબહેને હેલ્પલાઇનમાં ફોન કરીને તેના પતિ મારતા હોવાની ફરિયાદ કરી હતી. હેલ્પલાઇનને પતિ નિગમે કહ્યું, કોરોનાને લીધે આ વર્ષે લૉકડાઉન લાંબો સમય રહ્યું, એક સિઝન પૂરી રીતે ખરાબ ગઇ છે. દિવાળીમાં થોડી કમાણી થતી હોવાથી આ વર્ષે મેં પત્નીને બહાર ફરવા જવાની ના પાડી હતી. પણ તે જીદ લઇને બેઠી છે. દર વર્ષે અમે ઉનાળા અને દિવાળીમાં ફરવા જઇએ છીએ. આ વર્ષે જ મેં ઇન્કાર કરતાં તેણે અડધી રાત્રે ઝઘડવાનું શરૂ કર્યુ હતુ. કંટાળીને હાથ ઉપડી ગયો છે.
કિસ્સો-2: હનીમૂન પર નહીં જવાતા પત્ની રિસાઈને પિયર ગઈ
ઇસનપુરની માના પટેલ (નામો બદલ્યાં છે)ના લગ્ન ફેબ્રુઆરીમાં વિશ્વેશ સાથે થયા હતા. વિશ્વેશ આઇટી કંપનીમાં નવો નોકરીએ લાગ્યો હતો. પરતું લૉકડાઉન બાદ પગારમાં કાપ આવ્યો હતો. લગ્નના એક મહિનામાં લૉકડાઉન આવી જતાં બન્ને ફરવા જઇ શક્યા નહોતા. માનાને હનીમુન પર જવાની ઇચ્છા હતી પરતું પગાર કાપથી વિશ્વેશે આ વર્ષે ફરવા નહીં જવા સમજાવ્યું હતું. પરંતુ માનાને થયું કે તેનો પતિ બહાના કાઢે છે. બન્ને વચ્ચે ઝઘડો વધી જતા માના પિયર ચાલી ગઇ છે અને છૂટાછેડા માંગે છે. વકીલો સમાધાનના પ્રયાસ કરે છે.
કિસ્સો-3: પતિ વિદેશ ફરવા માટે ન લઈ જતાં ઝઘડા વધ્યા
અતિ ધનાઢય પરિવારના પાર્થ વસાવડા અને તેના પત્ની અનુશ્રી (નામો બદલ્યાં છે) વચ્ચે લાંબા સમયથી વિદેશ ફરવા જવાની બાબતે ઝઘડા ચાલે છે. ઉનાળામાં કોરોના આવી જતા ફલાઇટો બંધ હોવાથી બન્નેનો આંદમાન નિકોબાર જવાનો પ્લાન કેન્સલ થયો હતો. ત્યારથી બન્ને વચ્ચે ઝઘડો ચાલતો હતો. છેવટે પાર્થે અનુશ્રીને વચન આપ્યું હતું કે દિવાળીમાં વિદેશ ફરવા લઇ જશે. ફલાઇટ શરૂ નહીં થતાં બુકિંગ થઇ શક્યું નહોતું. પરંતુ અનુશ્રીએ જીદ પકડી અને પતિએ હાથ ઉગામતા પત્નીએ મહિલા હેલ્પલાઈનને ફરિયાદ કરી હતી.