- AMC ઓફિસમાં કુલ 20 કર્મચારી સંક્રમણનો ભોગ બનતાં અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો
- પોલીસ વિભાગમાં IPS સહિત કુલ 51 કોરોનાથી સંક્રમિત થયા છે, મોટા ભાગનાને હોસ્પિટલ ખસેડાયા
શહેરમાં કોરોના સંક્રમણ કાબૂમાં હોય એવા આંકડા સામે આવી રહ્યા છે, પરંતુ કોરોના હવે સરકારી ઓફિસોમાં વકરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. એક તરફ, AMC મુખ્ય ઓફિસમાં આવેલા વિવિધ વિભાગોમાં કામ કરતા કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે, જ્યારે બીજી તરફ પોલીસબેડામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે અનેક પોલીસ અધિકારી અને પોલીસ જવાનો હાલ ક્વોરન્ટીન થઈ ગયા છે. IPS સહિત કુલ 51 કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
AMCની ઓફિસમાં 20થી વધુ કર્મચારીઓ પોઝિટિવ
શહેરમાં કોરોના સંક્રમણ કાબૂમાં હોય એવા આંકડા સામે આવી રહ્યા છે, પરંતુ કોરોના હવે સરકારી ઓફિસોમાં વકરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસમાં કોરોના ફેલાયો છે. સેન્ટ્રલ રેકોર્ડ ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીનું મોત થયું છે. AMC ઓફિસમાં કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બનતાં અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

અનેક પોલીસ અધિકારી અને પોલીસ જવાનો હાલ ક્વોરન્ટીન થઈ ગયા છે.
વોટર પ્રોજેક્ટ વિભાગના કર્મચારીઓ પણ પોઝિટિવ
મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કચેરીઓ ઉપરાંત મુખ્ય ઓફિસમાં કોરોના વધતાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવા આદેશ આપ્યા છે છતાં કર્મચારીઓ કોરોનાનો ભોગ બનતાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ રેકોર્ડ ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીનું કોરોનામાં સારવાર દરમિયાન મોત થયું છે. ચીફ ઓડિટર ઓફિસ, પ્લાનિંગ, રોડ પ્રોજેક્ટ, પ્રોફેશનલ અને પ્રોપર્ટી ટેક્સ વિભાગના કર્મચારીઓ બાદ હવે વોટર પ્રોજેક્ટ વિભાગના કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે. કોરોનાને કારણે દિવાળીનો તહેવારમાં હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. કોરોનામાં ઇમર્જન્સી અને કોરોનાની કામગીરી પર અસર ન પડે એના માટે બે વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.
શહેરના IPS સહિત અનેક કર્મચારીઓ કોરોના પોઝિટિવ
એએમસી બાદ શહેરના પોલીસબેડામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે અનેક પોલીસ અધિકારી અને પોલીસ જવાનો હાલ ક્વોરન્ટીન થઈ ગયા છે. હાલમાં IPS સહિત કુલ 51 કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં પોલીસ કર્મીઓ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદના કુલ 51 પોલીસ કર્મચારીઓ કોરોના વાઈરસમાં સપડાયા.
કયા કયા અધિકારીઓ કોરોનાથી સંક્રમિત?
શહેરના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 51 કર્મચારી કોરોના વાઈરસમાં સપડાયા છે. શહેરના DIG પ્રેમવીર સિંહ, DCP ઝોન-6 અશોક મુનિયા, એમ ડિવિઝન એસીપી વી.જી.પટેલ, એ ડિવિઝન એસીપી એલ.બી.ઝાલા, પીઆઈ આર.જી.દેસાઈ, એમ.બી.બારડ, જે.કે.રાઠોડ સહિત કુલ 51 કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા છે.
લોકો કોરોના ભૂલી ખરીદી કરવા નીકળી પડ્યા છે
દિવાળી દરમિયાન સંક્રમણનું પ્રમાણ હજુ પણ વધે એવી શક્યતા જણાઈ રહી છે. કોટ વિસ્તારમાં અનેક લોકો ખરીદી કરવા ઊમટી પડ્યા છે, જેને કારણે પણ કોરોના વધવાનો ખતરો છે. દિવાળીના તહેવારોમાં લોકો કોરોના ભૂલી ખરીદી કરવા નીકળે છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થતું નથી, ત્યારે આ લોકોની ભીડને કાબૂમાં લેવા પણ પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે હજુ કોરોના વાઇરસનું સંક્રમણ વધે એવી શક્યતા છે.