કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી હતી પરંતુ દિવાળીના તહેવાર આવતા જ બજારમાં રોનક દેખાઈ રહી છે, તહેવાર અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવશે તેવી આશા જન્મી છે, પ્રકાશના પર્વ દીપાવલીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટની બજારમાં જુદી જુદી ખરીદી કરવા લોકો ઊમટી પડ્યા છે. સુશોભનમાં ઘરઆંગણે બાંધવાના આકર્ષક તોરણ, શુભ-લાભ, લાઇટિંગ, ફ્લાવરપોટ, રંગબેરંગી એલઇડી લેમ્પ, રોશની માટેની લાઇટિંગ, સુકામેવા, મુખવાસ, કપડાં, ઘર સુશોભનની વસ્તુઓ લેવા લોકો ઊમટી પડ્યા છે.

શહેરના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, દરજી બજાર, કંસારા બજાર સહિતની તમામ બજારોમાં વહેલી સવારથી મોડી રાત્રી સુધી લોકોનો સારો એવો ધસારો જોવા મળે છે. બજારમાં દિવાળી પર્વનો માહોલ જામ્યો છે. બાળકોથી લઈને વડીલોની જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોની આખો દિવસ બજારમાં ચહલપહલ રહે છે.