કોરોનાને કારણે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું – નવા વર્ષે મહેમાનનું સ્વાગત હળદરવાળા દૂધથી કરો

0
66
 • નાસ્તામાં ઘરનો ગરમ નાસ્તા આપવો, નવા વર્ષના રામરામ કરવા, ચરણ સ્પર્શ કે ભેટશો નહીં

નવા વર્ષની ઉજવણીમાં કોરોના સંક્રમણ વધી ન જાય તે માટે રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે લોકોને સાવચેત રહેવા અને જરૂરી કાળજી રાખવા અનુરોધ કર્યો છે. અગ્રવાલે જણાવ્યું છે કે, તહેવારમાં દરેક શહેરીજનોની નૈતિક અને સામાજિક જવાબદારી છે કે આપણા શહેરની કોરોનાની સંક્રમણની સુધરતી પરિસ્થિતિને જાળવી રાખીએ. તહેવાર દરમિયાન સમજદારી, સાવચેતી અને સલાહ (ગાઇડલાઇન) ચૂકી જઇશું તો સંક્રમણના ગંભીર પરિણામોનું નિર્માણ થઇ શકે છે. દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક, સેનિટાઇઝરને ફરજિયાત અને ચુસ્ત પણે અપનાવવું.

મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આપણી સામાજિક પરંપરા મુજબ નવા વર્ષની શુભેચ્છા અને આશીર્વાદ માટે શહેરીજનો કુટુંબ સાથે એક બીજા સગાસંબંધીના ઘરે તહેવારમાં જાય છે. જેમાં સમૂહમાં લોકો મળે છે, હાથ મિલાવવા, ચરણસ્પર્શ કે ભેટવાથી સામાજિક અંતર જળવાતું નથી. વધારેમાં વધારે જુદી જુદી જગ્યાએ સ્પર્શ કરવાથી કોરોના સંક્રમણ પ્રસરણ વધવાની દહેશત રહે છે. સાથે આ સમય દરમિયાન એક કુટુંબમાંથી બીજા કુટુંબીજનો તેમજ એકબીજા સગા સંબંધીઓના ઘરે જવાના રિવાજમાં, નાસ્તો, પીણા મુખવાસનો ઉપયોગ કરવાથી સંક્રમણ ફેલાવવાની શક્યતા વધે છે.

એકબીજાના ઘરે જાય ત્યારે શું તકેદારી રાખવી

 • નાની વયના બાળકો, સગર્ભા, વૃદ્ધો, લાંબી બીમારીવાળા લોકોએ એકબીજાની ઘરે જવાનું ટાળવું.
 • હોમ આઇસોલેશન કે હોમ ક્વોરન્ટાઇન થયેલી વ્યક્તિઓએ બીજાના ઘરે જવું નહીં તથા કોઇને પોતાની ઘરે આવવા ન દેવા.
 • સગાસંબંધીને મળવા જઇએ ત્યારે માસ્કનો ઉપયાગ કરવો.
 • કુટુંબીજનો કે વડીલોને મળીએ ત્યારે હાથ મિલાવવાનું, ચરણસ્પર્શ કે ભેટવાનું ટાળવું, દૂરથી જ નમસ્કાર કરવા.
 • દરેક લોકોએ ઘરમાં સેનિટાઇઝરનો ઉપયોગ દરેક મહેમાનોને અચૂક કરાવવો.
 • કુટુંબીજનોને શુભેચ્છા ભેટ તરીકે માસ્ક, સેનિટાઇઝર કે પલ્સ ઓક્સિમીટર આપવા.

મુખવાસ, નાસ્તો, ઠંડાપીણાં

 • મુખવાસમાં તજ, લવિંગ, એલચી આપવા.
 • કાજુ, બદામ, પિસ્તા, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ, આમળા, ખજૂર, ખારેક, આદુ (સૂંઠ)
 • ઠંડાપીણા આપવાની પ્રથામાં ફેરફાર કરી હળદરવાળુ કે મસાલાવાળુ ગરમ દૂધ આપવું.
 • ગ્રીન ટી, મસાલા ચા કે કોફી, લીંબુ મધ, ઉકાળા, તાજું મોસંબી, સંતરાનું જ્યૂસ આપવું.
 • નાસ્તામાં ગરમાગરમ ઢોકળા, ઉપમા, ઇડલી, ફણગાવેલા કઠોળ, ફળ આપવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here