રોપવેનું ભાડું ઘટાડવા મુદ્દે આજે જન આંદોલનની તૈયારી, તમામ સમાજ, પક્ષના લોકો, સંતોની ઉપસ્થિતીમાં બેઠકમાં રણનિતી તૈયાર કરાશે

0
187
  • સામાન્ય લોકો માટે પરવડે તેવા ભાવ રાખવા માંગ કરાઈ છે

ગિરનાર પર રોપ-વે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ તેના ઉંચા ભાડાને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તમામ સમાજો, સંસ્થાઓ, રાજકીય પક્ષોએ રજૂઆત કરી વિરોધ કર્યો હતો. જ્યારે સંતોએ પણ ભાવ વધારા મુદ્દે પોતાના મંતવ્યો રજૂ કરી સામાન્ય લોકો માટે પરવડે તેવા ભાવ રાખવા જણાવ્યું હતું. જોકે, તેમ છત્તાં ઘમંડી ઉષા બ્રેકો કંપની ભાવ ઘટાડવા મુદ્દે ટસથી મસ થઇ નથી. ઉલ્ટાનું 14 નવેમ્બર પછી તો GST પણ વસુલવાના હોય રોપવેની ટિકિટના ભાવ વધુ ઉંચા જશે. ત્યારે હવે નગારે ઘા કરવા માટેનું આયોજન કરાઇ રહ્યું છે.

જન આંદોલનની રૂપરેખા તૈયાર કરવા આજે બેઠક મળશે
આ મામલે આજે સાંજે બેઠક કરવામાં આવશે. શહેરના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મળનારી આ બેઠકમાં શહેરના પ્રથમ નાગરિક એવાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, તમામ સમાજના આગેવાનો, તમામ સામાજીક, શૈક્ષણિક તબીબી તેમજ કાયદાકીય સંસ્થાના અગ્રણીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ સંતગણની પણ ઉપસ્થિતિ રહેશે. આ તકે જો ઉષા બ્રેકો કંપની રોપવેનું ભાડું ન ઘટાડે તો જન આંદોલન કરવાની તૈયારી માટેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાવ નહીં ઘટે તો સામાજીક સંસ્થાઓને બહિષ્કારોનો માર્ગ અપનાવવો પડશે
ગિરનાર રોપ-વેની ટિકિટનાં ઉંચા ભાવને લઇ લોકોમાં વિરોધ ઉઠી રહ્યો છે. હવે સામાજીક સંસ્થાઓ પણ મેદાને આવી છે. અગાઉ દિવ્ય ભાસ્કરે જૂનાગઢની સાત સંસ્થા સાથે વાત કરી હતી. સંસ્થાઓનું કહેવું છે કે, ગિરનાર રોપવેનાં ભાવ 300થી 400 હોવા જોઇએ. ટિકિટનાં ભાવ ઘટાડવામાં નહીં આવે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની નોબત આવશે .સામાજીક સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ થતી હોય છે. જેમાં વૃધ્ધો, દિવ્યાંગો, જરૂરીયાત મંદ લોકો, વિધવા મહિલાઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવતી હોય છે. વર્ષમાં એકાદ વખત યાત્રાધામોનાં દર્શન પર કરાવે છે. હાલ રોપ-વે શરૂ થતા જરૂરીયાત મંદ લોકોને માં અંબાનાં દર્શન કરાવવાનું નકકી કર્યું હતું. જોકે રોપ-વે દ્વારા 700 જેટલા ભાવ રાખવામાં આવ્યો હોય જેના કારણે દાતાઓને પણ ખર્ચનો બોજ વધી જાય છે. પરિણામે જરૂરીયાતમંદ લોકોને દર્શન કરાવાનું પણ માંડીવાળવું પડ્યું છે. ત્યારે જો ઉષા બ્રેકો કંપની રોપ-વેનાં ભાવમાં ઘટાડો નહી કરે તો નાછુટકે સામાજીક સંસ્થાઓને બહિષ્કારોનો માર્ગ અપનાવવો પડશે.

ભાવ ઘટાડવા માટે ફરી આંદોલનની જરૂર
ગિરનાર રોપ વે યોજના મંજૂર કરાવવા માટે 2009માં રસ્તા રોકો આંદોલન થયું હતું. જેમાં સાધુ સંતો અને સર્વ પક્ષિય લોકો જોડાયા હતાં. ફરી ટિકિટનાં ભાવ ઘટાડવા મુદે આંદોલનની જરૂર છે. ભારત સાધુ સમાજે તે સમયે આગેવાની લીધી હતી. જેમાં તમામ લોકો જોડાયા હતા. ભાજપ કોંગ્રેસ તમામ ધર્મ સંસ્થાના લોકો આ આંદોલનમાં જોડાયા હતા. અને રોપવે યોજના મંજૂર કરવા લડત ચલાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here