એક્ટર અર્જુન રામપાલની લિવ-ઈન-પાર્ટનર ગેબ્રિએલની સતત બીજા દિવસે NCB પૂછપરછ કરી રહ્યું છે. હવે NCBએ અર્જુન રામપાલને સમન્સ પાઠવ્યું છે અને તેને આવતીકાલે પૂછપરછ માટે બોલાવ્યો છે. હાલમાં ગેબ્રિએલ NCBની ઓફિસમાં છે. ગુરુવારે ગેબ્રિએલ NCB ઓફિસ જવા માટે તેના ઘરેથી અર્જુન રામપાલ સાથે નીકળી હતી, પણ ઓફિસ તે એકલી પહોંચી હતી.
NCB ઓફિસર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે ગેબ્રિએલને બીજીવાર બોલાવવામાં આવી છે, કારણ કે તપાસ હજુ પૂરી નથી થઈ. NCBનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રોનિક એવિડેન્સથી મળેલા પુરાવા બાદ ટીમ ગેબ્રિએલ સુધી પહોંચી. એ પહેલાં ગેબ્રિએલને બુધવારે 11 વાગ્યે ઓફિસ બોલાવવામાં આવી હતી, પરંતુ તે 12:30 વાગ્યે NCB ઓફિસ પહોંચી હતી. સાંજે અંદાજે 6 વાગ્યા સુધી તેની પૂછપરછ થઇ. સૂત્રોના જણાવ્યા મુજબ, તેના તરફથી સંતોષકારક જવાબ નથી મળ્યા માટે ગુરુવારે તેને ફરી બોલાવવામાં આવી છે. NCBને ઇલેક્ટ્રોનિક એવિડેન્સ રિપોર્ટ પણ મળ્યા છે, જેને જોઈને ગેબ્રિએલને સવાલ કરવામાં આવશે.

ઘરેથી નીકળ્યા ત્યારે અર્જુન રામપાલ પણ તેની ગર્લફ્રેન્ડ સાથે હતો.
રેડ દરમિયાન બેન દવાઓ મળી
રિપોર્ટ્સ મુજબ, અર્જુન રામપાલના ઘરે રેડ દરમિયાન અમુક બૅન દવાઓ મળી હતી. NCBના અધિકારીઓનું કહેવું છે કે અર્જુન અને ગેબ્રિએલ બંનેએ જવાબ આપવો પડશે કે તેમની પાસે આ દવાઓ ક્યાંથી આવી છે અને શું આના માટે તેમની પાસે કોઈ લીગલ પ્રિસ્ક્રિપ્શન છે કે નહિ. આ સિવાય તેના ઘરેથી અમુક મોબાઈલ ફોન અને લેપટોપ પણ સીઝ કરવામાં આવ્યાં છે.
તપાસ એજન્સીએ સોમવારે રામપાલના ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લઈને ઘણા કલાક સુધી પૂછપરછ કરી હતી. સોમવારે સવારે એક્ટરના મુંબઈના ઘરે રેડ પાડવામાં આવી હતી.
NCBએ ગયા મહિને ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવલામાંથી ધરપકડ કરી હતી. તેની પાસેથી ચરસ અને અલ્પ્રાજોલમ ટેબ્લેટ મળી હતી. તેની પાસેથી મળેલા પુરાવાના આધારે હવે અર્જુનના ઘરે રેડ પાડવામાં આવી. દિવ્ય ભાસ્કરે 1 ઓક્ટોબરે જ અર્જુન રામપાલના ડ્રગ્સ કનેક્શન વિશે જણાવી દીધું હતું.
તપાસ એજન્સી મુજબ, અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સીએ તેની સપ્લાય ચેન સાથે જોડાયેલા પુરાવા પણ મેળવ્યા છે. આ ચેનમાં સામેલ ડ્રગ્સ પેડલર્સને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ડ્રગ્સ કેસમાં અત્યારસુધી રિયા ચક્રવર્તી સહિત લગભગ 26 લોકો અરેસ્ટ થયા છે. રિયાને અંદાજે 1 મહિનો જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા હતા. રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી હજુ પણ જેલમાં જ છે.