કોમી તંગદિલી ફેલાવવાના ઉદ્દેશથી સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરવાને મામલે બોલીવુડની અભિનેત્રી કંગના રણોત અને તેની બહેન રંગોલી ચંદેલને 23 અને 24 નવેમ્બરે પોલીસ સમક્ષ હાજર થવાનું મુંબઈ પોલીસે કહ્યું હતું. આ પ્રકરણે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું મુંબઈ પોલીસ દ્વારા ત્રીજી વાર અભિનેત્રી અને તેની બહેનને કહેવામાં આવ્યું હતું.
અગાઉ 26 અને 27 ઑક્ટોબરે તેમને હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ બન્ને બહેન આવી નહોતી. બાદમાં 9 અને 10 નવેમ્બરે તેમને પોલીસ સ્ટેશને આવવાનું જણાવાયું હતું.
કંગનાએ પોલીસને જાણ કરી હતી કે તે કઝિન ભાઈનાં લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે અને 15 નવેમ્બર બાદ તે આવી શકે એમ છે. મુંબઈ પોલીસે 3 નવેમ્બરે કંગના રણોતઅને રંગોલી ચંદેલને બીજી નોટિસ મોકલાવી તેમને 9 અને 10 નવેમ્બરે પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પરની પોસ્ટ મારફત બે સમુદાય વચ્ચે દુશ્મનીને કથિત પ્રોત્સાહન આપવાનો બન્ને બહેન પર આરોપ છે.