2017માં 99થી શરૂ થયેલું ભાજપ કોંગ્રેસના 9 પેરાશૂટોથી 111 પર પહોંચ્યું, ત્રણ વર્ષમાં 12 ધારાસભ્યો ઉમેરાયા

0
88
  • 2019માં 4, 2020માં 5 પક્ષપલ્ટું ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 99 બેઠક સાથે સત્તા પર આવ્યું હતું. પરંતુ આજે 2020માં એટલે કે ત્રણ જ વર્ષમાં વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 111 થઇ ગયું છે. જેમાંથી 9 પેરાશૂટ ધારાસભ્યો છે, જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે અને પેટાચૂંટણી જીતીને વિધાનસભાગૃહમાં પહોંચ્યા છે. જ્યારે 3 ધારાસભ્યો એવા છે જે, કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ ખાલી પડેલી બેઠકોમાં પેટાચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા છે.

2018માં કુંવરજી બાવળિયા ભાજપના ધારાસભ્ય બન્યા
2017ની વિધાનસભાની ચૂંટણી થયાના એક જ વર્ષમાં 2018માં જસદણ બેઠક માટે પેટાચૂંટણી થઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયા ભાજપ તરફથી પેટાચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની સામે કોંગ્રેસના અવશરભાઈ નાકિયા હતા. કુંવરજી બાવળિયા 19985 મતથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. આમ 2018માં ભાજપનું વિધાનસભામાં સંખ્યાબળ 99થી વધીને 100 થઇ ગયું હતું.

2019માં 4 પેરાશૂટ ધારાસભ્યો સાથે સંખ્યાબળ 104 થયું
2019માં ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર રૂરલ અને માણાવદરમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પેરાશૂટ ઉમેદવારોને પેટાચૂંટણીમાં ઉભા રાખ્યા હતા. જેમાં ઉંઝામાં ડો. આશા પટેલનો 23072 મતથી, માણવાદરમાં જવાહર ચાવડાનો 9759 મતથી, જામનગર(ગ્રા.) રાઘવજી પટેલ 33022 મતથી અને ધ્રાંગધ્રા બેઠક પર પરષોત્તમ સાબરિયાનો 34280 મતથી વિજય થયો હતો. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 104 થઇ ગયું હતું.

2020માં 5 પક્ષપલ્ટું સાથે 8 બેઠકો વધી આંકડો 111એ પહોંચ્યો
2020માં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. 3 નવેમ્બરે આ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે 5 બેઠકો પર પક્ષપલ્ટું અને 3 બેઠક પર ભાજપના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. આ તમામ 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું કુલ સંખ્યાબળ 111એ પહોંચી ગયું છે. આમ જોઇએ તો 2017થી 2020 સુધીના ત્રણ વર્ષમાં ભાજપનું સંખ્યા બળ 99થી વધીને 111 થઇ ગયું છે. ત્રણ વર્ષમાં ભાજપના 12 ધારાસભ્યો વધ્યા છે, જેમાં 9 પેરાશૂટ અને 3 ભાજપના ધારાસભ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here