અક્ષયે 500 કરોડનો માનહાનિનો કેસ કર્યો, યુ ટ્યૂબરે એક્ટર પર રિયાને ભગાડવામાં મદદ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો

0
152
  • આરોપી 25 વર્ષીય રાશિદ સિદ્દીકી સિવિલ એન્જિનિયર છે

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ યુ ટ્યૂબ પર ફૅક ન્યૂઝ પોસ્ટ કરનાર યુ ટ્યૂબરની મુંબઈ પોલીસે બિહારમાંથી ધરપકડ કરી છે. તેના પર આક્ષેપ છે કે તેણે ફૅક ન્યૂઝથી છેલ્લાં ચાર મહિનામાં 15 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ અંગે શિવસેનાના લીગલ સેલ સાથે જોડાયેલા વકીલ ધર્મેન્દ્ર મિશ્રાએ કેસ કર્યો હતો. આ યુ ટ્યૂબર પર અક્ષય કુમારે 500 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે.

આરોપી રાશિદ સિદ્દીકીની ઉંમર 25 વર્ષની છે અને તે બિહારમાં રહે છે. તે સિવિલ એન્જિનિયર છે અને યુ ટ્યૂબ પર ‘FF ન્યૂઝ’ નામની ચેનલ ચલાવે છે. મિશ્રાની ફરિયાદ પર સિદ્દીકી પર માનહાનિ, જાહેરમાં બદનામ કરવાનો તથા જાણી જોઈને અપમાન કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અક્ષય કુમારે 500 કરોડનો માનહાનિનો કેસ કર્યો
અક્ષય કુમારે સિદ્દીકી વિરુદ્ધ 500 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. સિદ્દીકીએ પોતાના એક વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે અક્ષયે કેનેડામાં રિયા ચક્રવર્તીને છુપાવીને રાખી છે. આ સાથે જ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંત કેસમાં અક્ષય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા તેમના દીકરા આદિત્ય સાથે ગુપચુપ વાત કરતો હતો. મિડ ડેના રિપોર્ટ પ્રમાણે, સિદ્દીકીએ દાવો કર્યો હતો કે સુશાંતને ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ મળી તે વાતથી અક્ષય નાખુશ હતો.

કોર્ટે આગોતરા જામીન આપ્યા
કોર્ટે સિદ્દીકીને આગોતરા જામીન આપ્યા છે અને તેને તપાસમાં સહયોગ આપવાનું કહેવામાં આવ્યું છે.

6.5 લાખની કમાણી કરી
મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર, મંત્રી આદિત્ય ઠાકરે તથા અક્ષય કુમાર વિરુદ્ધ સિદ્દીકીએ અલગ-અલગ ન્યૂઝ ચલાવ્યા હતા. આ સમાચારને લાખો લોકોએ જોયા હતા. પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે સુશાંતના મોત બાદના સમાચારમાંથી 15 લાખની કમાણી કરી હતી. મે મહિનામાં આ યુ ટ્યૂબરની કમાણી માત્ર 296 રૂપિયા હતા તો સપ્ટેમ્બરમાં વધીને 6,50,898 રૂપિયા જેટલી થઈ ગઈ હતી.

સુશાંતના મોત બાદ 1.7 લાખ સબસ્ક્રાઇબર વધ્યા
આ પહેલાં મુંબઈ સાઈબર પોલીસે દિલ્હીના વકીલ વિભોર આનંદની ધરપકડ કરી હતી. આનંદ પર રાજપૂતના મોત સંબંધિત ફૅક વીડિયો પોસ્ટ કરવાનો તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા આદિત્ય ઠાકરેને અપશબ્દો કહેવાનો આક્ષેપ છે. આનંદને આ વીડિયોના માધ્યમથી હજારો સબસ્ક્રાઇબર મળ્યા હતા.

વાત જો રાશિદની કરવામાં આવે તો સુશાંતના મોત પહેલાં યુ ટ્યૂબ પર 2 લાખ સબસ્ક્રાઇબર હતા, જે વધીને 3.70 લાખ થયા હતા.

સુશાંતના મોતથી કમાણીની તક ઊભી કરી
મુંબઈ પોલીસના સીનિયર અધિકારીએ કહ્યું હતું, ‘એક્ટરના મોતને કમાણીનું સાધન બનાવી દેવામાં આવ્યું હતું, કારણ કે લોકો એક્ટર સાથે જોડાયેલા તમામ સમાચારો જાણવા ઉત્સુક હતા. મીડિયાએ જ્યારે અલગ-અલગ એંગલથી રિપોર્ટિંગ શરૂ કર્યું તો યુ ટ્યૂબર્સે પણ આ તક ઝડપી લીધી અને ફૅક ન્યૂઝ પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. આ લોકોએ મુંબઈ પોલીસની ઇમેજ ખરાબ કરી અને લૉકડાઉન દરમિયાન અઢળક પૈસાની કમાણી કરી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here