જોગી જલિયાણનું અન્નક્ષેત્ર 239 દિવસ બાદ ફરી શરૂ, છપ્પનિયા દુકાળ વખતે પણ જે બંધ નહોતું રહ્યું તે 22 માર્ચથી બંધ હતું, કાલે શનિવારે જલાબાપાની જન્મજયંતીની ઉજવણીના અનુસંધાને ખુલ્લું મુકાયું

0
92

“દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ” ને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમિ વીરપુર ખાતે ગુજરાત રાજ્યના પોલીસ વડાએ 21 માર્ચે લોકડાઉન જાહેરકર્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ નૂતનવર્ષનાં દિવસે દર્શનાર્થીઓ માટે ફરી શરૂ કરવામાં આવ્યું છે.આમ તો મંદિર દ્વારા દર્શનાર્થીઓ માટે બાપાના દર્શન ખુલ્લા મુક્યાં ત્યારથી જ સરકારની કોરોના વાયરસની ગાઈડ લાઈન મુજબ જ દર્શન કરાવવામાં આવી રહ્યા છે. પરંતુ દિવાળીના તહેવાર નિમિતે દર્શનાર્થીઓની ભીડને નજરે રાખી દર્શન અને ભોજનની સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તે રીતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. “જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો” એટલે કે જ્યાં ભૂખ્યાને ભોજન કરાવાય ત્યાં સદા ભગવાનનો વાસ હોય છે.

અને અહીં વીરપુર ખાતે તો છેલ્લા બસો વર્ષથી સદાવ્રત ચાલી રહ્યું છે. જે છપનિયા દુકાળમાં પણ બંધ નહતું રહ્યું. અને તાજેતરમાં સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજ્ય મોરારીબાપુની રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવતું. એટલે અન્નક્ષેત્ર એક દિવસ પણ બંધ નથી રહ્યું . જલારામબાપાની 221મી જન્મ જયંતી છે ત્યારે દેશ વિદેશ થી આવતા દર્શનાર્થીઓ માટે પૂજ્ય બાપાના મંદિર તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રસાદ ગ્રહણ કરવા માટે પણ ખાસ વ્યવસ્થા
ભોજન પ્રસાદ જલારામ ધર્મશાળા ખાતે આપવામાં આવનાર છે, જ્યાં 200 સ્વયં સેવકો દ્વારા યાત્રાળુઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી છે. જેમાં ભોજન પ્રસાદ લેવા આવતા યાત્રાળુઓને સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનેટાઇઝ કરીને પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે ભોજન પ્રસાદ લેતી વખતે યાત્રાળુઓ એકબીજાથી ત્રણ ફૂટ જેટલુ અંતર રાખીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી ખાસ વ્યવસ્થા કરી છે.

દર્શન માટે ખાસ વ્યવસ્થા
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે દર્શનની વ્યવસ્થા સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે સૌ પ્રથમ તો રજિસ્ટ્રેશન કરી ટોકન મેળવીને સેનિટાઈઝ કરીને મોઢે માસ્ક ફરજિયાત બાંધીને જ પૂજ્ય બાપાના મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તેમજ ભોજન પ્રસાદ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here